Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

ગંજીવાડામાં પડોશીઓ વચ્ચે સામુ જોવા મામલે ગાળાગાળી, ધોકાવાળીઃ પાંચને ઇજા

થોરાળા પોલીસે હકાભાઇ મકવાણા અને પડોશી કેશુભાઇ ઝાલાની ફરિયાદ નોંધીઃ આ બંને તથા તેના પુત્રોને ઇજાઓ

રાજકોટ તા. ૨૦: ગંજીવાડામાં પડોશીઓ વચ્ચે સામુ જોવા મામલે બોલાચાલી અને ગાળાગાળી થયા બાદ ધોકાવાળી થતાં બંને પક્ષના મળી પાંચને ઇજા થતાં સારવાર લેવી પડી હતી. આ બનાવમાં થોરાળા પોલીસે સામ સામી ફરિયાદ નોંધી છે.

ગંજીવાડા-૧માં રહેતાં અને નિવૃત જીવન જીવતાં હકાભાઇ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી પોલીસે કેશુભાઇ ઝાલા અને અજય ઝાલા સામે ગુનો નોંધ્યો છે.

હકાભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે  અમે જીમને ઘરમાં બેઠા હતાં ત્યારે નાનો દિકરો અનિલ બહાર ડેલીએ ઉભો હતો. એ વખતે પડોશી કેશુભાઇ ઝાલાના દિકરા અજયએ મારા પુત્ર અનિલને 'મારી સામે શું કામ ત્રાંસી નજરે જોવ છે?' તેમ કહી ગાળો દેતાં દેકારો થતાં હું તથા મોટો દિકરો અજય બહાર ગયા હતાં. ત્યારે મારા દિકરા અનિલને કેશુભાઇ અને તેનો પુત્ર અજય મારકુટ કરતાં હતાં. અજયના હાથમાં ધોકો હોઇ તેનાથી મારા દિકરાને મારકુટ કરી હતી. હું તથા મારો દિકરો અનિલ બચાવવા વચ્ચે પડતાં અમને બંનેને પણ ધોકાથી માર માર્યો હતો. મને દોઢેક વર્ષથી એક હાથમાં પેરાલીસીસ હોઇ તેમાં પણ ધોકો ફટકાર્યો હતો. મારા દિકરા અજયને માથામાં ઇજા થઇ હતી. એ પછી અમે ફરિયાદ નોંધાવી હતી.

સામા પક્ષે ગંજીવાડા-૧માં રહેતાં અને છુટક મજૂરી કરતાં કેશુભાઇ દેવાભાઇ ઝાલા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી પોલીસે હકાભાઇ તથા તેના પુત્રો અનિલ અને અજય સામે ગુનો નોંધ્યો છે. કેશુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા નાના દિકરા અજય અને દિકરી મિતલ ઘરના નાના બાળકોને રમાડવા ડેલીએ બેઠા હતા ત્યારે પડોશી હકાભાઇના દિકરા અનિલે મારા દિકરાને 'શું મારી સામે જોવ છે?' તેમ કહી બોલાચાલી કરતાં ગાળાગાળી થઇ હતી. દેકારો થતાં હું બહાર આવ્યો હતો. ત્યાં અનિલ, તેનો ભાઇ અજય અને પિતા હકાભાઇએ મળી અમારા પર ધોકાથી હુમલો કરતાં મને તથા પુત્ર અજયને ઇજાઓ થઇ હતી. લોકો ભેગા થઇ જતાં અને કોઇએ ૧૦૮ બોલાવતાં અમને સારવારમાં ખસેડ્યા હતાં. હકાભાઇએ ઇંટોના છુટા ઘા પણ કર્યા હોઇ તેનાથી પણ ઇજા થઇ હતી.

પીએસઆઇ એચ. બી. વડાવીયાએ બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(12:39 pm IST)