Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

ચિત્રોડા પરિવારનું સરાહનીય કાર્યઃ સમરસ હોસ્પિટલમાં ૧૦ વ્હીલચેર અર્પણ કરાઈ

રમણીકભાઈ અને તેમના ધર્મપત્નિ ચંપાબેન કોરોનામાંથી મુકત થતાં તબીબો- નર્સોનો આભાર વ્યકતઃ ઋણ ચુકવ્યુ

રાજકોટઃ શહેરના ગોપાલનગરમાં રહેતા ચંપાબેન ચિત્રોડા (ઉ.વ. ૬૩)ને કોરોના સંક્રમણ થતાં સમરસ હોસ્પિટલ ખાતે તા. ૧૯ એપ્રીલના રોજ દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમના પતિ રમણીકભાઇ ચિત્રોડા (ઉ.વ. ૬૮) ને પણ શ્વાસમાં તકલીફ હોઇ કોરોના પોઝીટિવ હોવાનું નિદાન થતાં સમસર હોસ્પિટલ ખાતે સઘન સારવાર માટે તા. ૨૬ મી એપ્રીલના રોજ દાખલ કરાયા હતા. સમરસ હોસ્પિટલના તમામ ફરજ પરસ્ત ડોકટરો અને નર્સોની ઉત્તમ સારવાર થકી ચંપાબેન તા.૨/ ૦૫/ ૨૧ના રોજ તથા રમણીકભાઇ તા. ૬/ ૦૫/ ૨૧ના રોજ સ્વસ્થ બનતા તેઓને ડીસ્ચાર્જ કરાયા હતા.

તેમના પુત્ર હિમાંશુભાઇ પાસે રમણીકભાઇએ સમર્પિત ભાવે સારવાર કરનાર આરોગ્ય વિભાગના સ્ટાફ કર્મીઓ અને જિલ્લા વહિવટી તંત્રના આયોજન પ્રત્યે અહોભાવ વ્યકત કરતાં સમાજને આ વિપદ કાળમાં સહયોગ કરી કંઇક ઉપયોગી બનવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. પિતાજીના આ વિચારને તેમના પુત્રએ અમલમાં મૂક્યો અને આ હોસ્પિટલમાં આવતા ઉંમરલાયક કોવીડ-૧૯ના પેશન્ટોને ઉપયોગી થાય તેવી ૧૦ વ્હીલચેરનું દાન કર્યું. આમ તેઓએ સમાજ પ્રત્યેના ઋણને ચુકવવા આ વિપદ પરિસ્થતીમાં સહયોગી બનવાનો અનુકરણીય રાહ અન્યોને બતાવ્યો છે.

(3:03 pm IST)