Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

દેશી દારૂ અને ચાની ભુકીવાળુ પાણી બ્રાન્ડેડ સ્કોચની ખાલી બોટલોમાં ભરી વેંચવાનું કોૈભાંડ

દેશી-ચાની ભુકીથી બનાવેલી જોનીવોકર ડબલ બ્લેક, ૧૦૦ પાઇપર્સ અને બ્લેન્ડર્સ પ્રાઇડની બોટલો મોંઘાભાવે પધરાવી દેતા'તા : એ-ડિવીઝન પોલીસે માધાપરના સંજય બાહુકીયા અને તેની પત્નિ નેહા ઉર્ફ શબાનાને દબોચ્યાઃ લાલ પ્રવાહી ભરેલી બોટલો કબ્જે : નેહા પહેલા સ્પામાં નોકરી કરતી, સંજય ઇમિટેશનનું કામ કરતોઃ લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં છ મહિનાથી આવા ગોરખધંધા શરૂ કર્યા'તાઃ ખાલી બોટલો ભંગારમાંથી શોધી લાવતાં હોવાનું રટણ : એએસઆઇ ધર્મેશભાઇ ખેર અને કોન્સ. રામભાઇ આહિરની બાતમી પરથી કાર્યવાહી : ચાની ભુકી અને દેશી દારૂમાંથી સ્કોચની બોટલોમાં આ પ્રવાહી ભરી ૩૦૦૦ થી ૩૫૦૦માં વેંચતા હતાં

રાજકોટ તા. ર૦: વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલમાં દેશી દારૂમાં ચાની ભુકીવાળુ પાણી ભેળવી વેચાણ કરતા માધાપરના દંપતીને સાત બોટલ સાથે જવાહર રોડ પરથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જવાહર રોડ પરથી બે શખ્સો મોટર સાયકલમાં વિદેશી દારૂ સાથે નીકળવાના હોવાની એ ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. ધર્મેશભાઇ ખેર અને કોન્સ. રામભાઇ વાંકને બાતમી મળતા પી.આઇ. સી. જી. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ. એચ. નીમાવત, એ.એસ.આઇ. ભરતસિંહ ગોહીલ, ધર્મેશભાઇ ખેર, હેડ કોન્સ. હારૂનભાઇ, વીરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. મૌલીકભાઇ, જગદીશભાઇ વાંક, નરેશભાઇ ઝાલા, રામભાઇ વાંક તથા મેરૂભા ઝાલા સહિત જવાહર રોડ પર વોચમાં હતા ત્યારે ગેલેકસી હોટલ પાસેથી પસાર થતા એકસેસ મોટર સાયકલને શંકાના આધારે રોકી તલાશી લેતા એકસેસની ડેકીમાંથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે બંનેના નામ પુછતા સંજય અશોકભાઇ બાદુકીયા (ઉ.વ.ર૬) અને તેની પત્નિ નેહા ઉર્ફે શબાના સંજય બાદુકીયા (ઉ.વ. રર) (રહે બંને માધાપર ગામ ગ્રામીણ બેંકની સામે મયુર સોસાયટી શેરી નં. ૧) નામ આપ્યા હતા. પોલીસે બંનેને પકડી લાલ કલરનું પ્રવાહી ભરેલી વિદેશી દારૂની સાત બોટલ, તથા બે લીટર લાલ કલરનું પ્રવાહી ભરેલી એક બોટલ અને એકસેસ મોટર સાયકલ કબજે કર્યું હતું.

પોલીસે બંનેની પૂછપરછ કરતા સંજય બાદુકીયા ઇમીટેશનનું કામ કરતો હતો. તેની પત્નિ નેહા ઉર્ફે શબાના સ્પામાં નોકરી કરતી હતી. લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં છ મહિનાથી આવા ગોરખધંધા શરૂ કર્યા હતા. સંજય ભંગારમાંથી સારી એવી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો શોધી લાવતો હતો અને તેમાં દેશી દારૂ ભર્યા બાદ ચાની ભુકી વાળુ લાલ કલરવાળુ પાણી મીકસ કરતો હતો અને ગ્રાહકો શોધી તેને રૂ. રપ૦૦, ૩પ૦૦ તેનાથી વધુ કિંમતમાં વેંચી નાખતા હોવાની વિગતો બહાર આવી છે. અંગે પોલીસે બંનેની વધુ પુછપરછ હાથ ધરી છે.

(3:01 pm IST)