Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

IMA રાજકોટના ફેસબુક પેઈજ પર આજે- કાલે રાત્રે લાઈવ લોક દરબાર

કોરોના કાળમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી આગોતરા સાવચેતીના પગલા લઈ શકાય તે માટે ખાસ આયોજન : આજે અમદાવાદના બાળરોગ નિષ્ણાંત ડો.રાજુ શાહ અને ડો.અભય શાહ, કાલે રાત્રે ગાયનેકોલોજીસ્ટ એસો.ના ફોગ્સીના રાષ્ટ્રીય પ્રેસીડેન્ટ ડો.અલ્પેશ ગાંધી અને સુરતના ડો.અશ્વિન વાછાણી માર્ગદર્શન આપશેઃ લોકોના પ્રશ્નોના જવાબ આપશે

રાજકોટ તા. ૨૦: કોરોના મહામારીના બીજા અને ભયાનક વેવમાંથી આપણે હજુ પૂરા બહાર આવ્યા નથી ત્યાં ત્રીજા વેવ વિશે આગાહી થવા માંડી છે અને નિષ્ણાતોના મતે ત્રીજા વેવમાં બાળકો વધુ સપડાય એવુ લાગે છે ત્યારે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન- રાજકોટ દ્વારા સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખી કોરોના કાળમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી આગોતરા સાવચેતીનાં પગલાં લઈ શકાય એ માટે આજે અને કાલે રાત્રે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા.૨૦ને ગુરૂવારે રાત્રે ૯:૩૦ વાગ્યે બાળકો અને કોરોના વિશે તથા આવતીકાલ તા. ૨૧ને શુક્રવારે રાત્રે ૯:૩૦ વાગ્યે ગર્ભાવસ્થા અને કોરોના વિષય પર દેશનાં જાણીતા તબીબો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના ફેસબુક પેઈઝ પરથી આ બન્ને લોક દરબારનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી તથા સેક્રેટરી ડો. દુષ્યંત ગોંડલીયાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

અત્યારે ભારતમાં કોરોના મહામારી ધીરે ધીરે કાબુમાં આવી રહી હોય એવુ લાગે છે, કેસ થોડા ઘટયા છે જો કે હજુ પણ કોરોના પૂર્ણ રીતે કાબુમાં આવી ગયો એવુ કહી ન શકાય. લોકોએ હજુ પણ સાવચેત રહેવુ ખૂબ જરૂરી છે. આવા સમયે વિશ્વના નિષ્ણાત તબીબો દ્વારા હજુ કોરોનાનો ત્રીજો વેવ આવશે એવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે અને આ ત્રીજા વેવમાં બાળકો વધારે  પ્રમાણમાં સંક્રમિત બનશે એવા એંઘાણ છે ત્યારે આપણે સાવચેત બનવુ જરૂરી છે. અમે ભવિષ્યમાં ઉભી થનાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે તા. ૨૦ને ગુરૂવારે રાત્રે ૯:૩૦ કલાકે બાળકો અને કોરોના વિષય પર લોક દરબારનું આયોજન કર્યુ છે. જેમાં અમદાવાદના આતંરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડો. રાજુ સી. શાહ, ડો. બલદેવ પ્રજાપતિ, ડો. અભય શાહ, રાજકોટના ડો. મેહુલ મિત્રા, ડો. રાકેશ પટેલ અને ડો.જયેશ સોનવાણી કોરોના કાળમાં બાળકોને સંક્રમિત થતાં કેમ બચાવી શકાય, સંક્રમિત થાય તો શું ધ્યાન રાખવુ વગેરે બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના ફેસબુક પેઈઝ પરથી આજે રાત્રે ૯:૩૦ કલાકે લાઈવ લોકદરબારમાં લોકો પણ જોડાય શકે છે. કોમેન્ટ દ્વારા તેમના સવાલો મોકલી આપે જેનો નિષ્ણાત તબીબો દ્વારા યોગ્ય પ્રત્યુતર આપવામાં આવશે. બાળકો માટેના આ લોક દરબારના કન્વીનર તરીકે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પૂર્વ પ્રમુખ ડો. જય ધીરવાણી અને ઈન્ડીયન એકેડેમી ઓફ પિડિયાટ્રીકના ઈન્ફેકશન ડિસિઝ ચેપ્ટરના ચેરપર્સન ડો. યજ્ઞેશ પોપટ સેવા આપે છે.

અમદાવાદના ડો. રાજુ સી. શાહ ઈન્ડીયન એકેડેમી ઓફ પિડિયાટ્રીકના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેઓ પિડિયાટ્રીક એસોસીએશન ઓફ સાર્ક કન્ટ્રીના પણ પૂર્વ પ્રેસીડન્ટ છે. તેઓએ વેકસીનેશન કમીટીના ચેરપર્સન તરીકે પણ સેવા આપી છે. ડો. બલદેવ પ્રજાપતિ ઈન્ડીયન એકેડેમી ઓફ પિડિયાટ્રીકની રાષ્ટ્રીય કમીટીના સભ્ય તરીકે પાંચ ટર્મ સુધી રહેવા સાથે ઈન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રીકના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ તરીકે સેવા આપી છે. ડો.અભય શાહ ઈન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રીકના રાષ્ટ્રીય સાયન્ટીક કન્વીનર તરીકે સેવા આપી છે.

જયારે આવતી કાલ તા. ૨૧ને શુક્રવારે રાત્રે ૯:૩૦ વાગ્યે  મહિલાએ ગર્ભાવસ્થા વખતે જ અમુક બાબતોનું ધ્યાન રાખવા ઉપરાંત ડિલીવરી બાદ નવજાત બાળકની અને પોતાની શું કાળજી રાખવી વગેરે બાબતો પર દેશનાં જાણીતા તબીબો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ગર્ભાવસ્થા અને કોરોના વિષય પરના લોક દરબારમાં ગાયનેકોલોજીસ્ટના રાષ્ટ્રીય એસોસીએશન ફોગ્સીના પ્રેસીડન્ટ ડો. અલ્પેશ ગાંધીના આગેવાનીમાં પી.ડી.યુ. મેડિકલ કોલેજ-રાજકોટના પ્રોફેસર ડો. કમલ ગોસ્વામી, સુરતના પ્રોફેસર  ડો. અશ્વિન વાછાણી, ડો. નિરવ ગરાળા, રાજકોટના સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા, ડો. કીર્તિભાઈ પટેલ, ડો. પ્રવીણ કાનાણી અને ડો.જીજ્ઞા ગણાત્રા દ્વારા ગર્ભવતી મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવશે. લોક દરબારના મોડરેટર તરીકે આર.ઓ.જી.એસ.ના પ્રેસીડન્ટ ડો. મનિષા મોટેરીયા, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરા, ડો. વિપુલ અઘેરા અને ડો. મમતા લીંબાસીયા સેવા આપે છે.

આ બન્ને લોક દરબારના સંયોજક ડો.ચેતન લાલસેતા અને ડો.પારસ શાહે જણાવ્યું છે કે, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના ફેસબુક પેઈઝ IMA Rajkot પરથી આજે અને કાલે યોજાનારા લોક દરબારમાં દેશના જાણીતા તબીબો દ્વારા બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં કોરોના જોવા મળે તો તેમને કયા પ્રકારની મેડિસીન કેટલી માત્રામાં આપવી, માતા પોઝીટીવ હોય અને બાળક નેગેટીવ હોય અથવા માતા નેગેટીવ હોય અને બાળક પોઝીટીવ આવે તો એવા સમયે સ્તનપાન સહિત કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી સહિત અનેક જરૂરી મુદાઓ પર દેશનાં જે તે ફિલ્ડના નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી જાણીતા રેડિયોલોજીસ્ટ ડો. દુષ્યંત ગોંડલીયા, પૂર્વ રાષ્ટ્રીય ઉપ પ્રમુખ ડો.અતુલ પંડ્યા, ગુજરાત આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ ડો. રશ્મી ઉપાધ્યાય, આઈ.પી.પી. ડો.જય ધીરવાણી, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. સંજય ભટ્ટ, પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડા. પારસ ડી. શાહ, ડો. રૂકેશ ઘોડાસરા, ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો.હિરેન કોઠારી, ડો.અમીત હપાણી,  ડો. એમ. કે. કોરવાડિયા, ડો.ભાવિન કોઠારી, આઈ.એમ.એ.-રાજકોટના ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. કીર્તિભાઈ પટેલ, ડો. કાંત જોગાણી, પૂર્વ પ્રમુખ ડો. દિપેશ ભાલાણી, ડા. ભાવેશ સચદે, ડો. નિતીન લાલ, ડો. વિપુલ અઘેરા, ડો. કમલેશ કાલરીયા સહિત તબીબોની ટીમ લોક દરબાર માટે સતત કાર્યરત છે. આઈ.એમ.એ.ના મિડિયાકો.ઓર્ડીનિટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે. તેમ એક યાદીના અંતમાં જણાવાયું છે.

(3:06 pm IST)