Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

GPSC દ્વારા લેવાયેલી નાયબ સેકશન અધિકારીની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનું વધુ એક વખત શ્રેષ્ઠ પરિણામ

રાજકોટઃ સરકારી નોકરી મેળવવા માટે યુવાનો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આ માટે સરકાર દ્વારા અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવતી રહે છે. ત્યારે આ પરીક્ષાઓ પાસ કરવા માટે ઘણા યુવાનો કોચિંગ કલાસનો સહારો લઇને ઇચ્છિત સફળતા મેળવતા હોય છે. રાજકોટ શહેરમાં આવું જ કોચિંગ સેન્ટર શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ચલાવાઇ રહ્યું છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશને (SPCF) સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, જીપીએસસી, પોલીસ ઇન્સ્પેકટર તથા વર્ગ-૧, ર અને ૩ ના કોચિંગમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમાજ, પરીવાર અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. ત્યારે GPSC દ્વારા લેવાયેલી નાયબ સેકશન અધિકારી (સચિવાલય) વર્ગ-૩ ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરાતા આ પરીક્ષામાં પાસ થયેલા કુલ ૧પ૪ ઉમેદવારોમાંથી ૩૩ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ૧પ વિદ્યાર્થિની અને ૧૮ વિદ્યાર્થીઓ છે. જે બદલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (SPCF) ના ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રમુખ હર્ષદભાઇ માલાણી તથા ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા છે અને સંસ્થામાં વધુને વધુ વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી છે. સમાજમાં કોઇપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ભાવના સાથે સુસંસ્કૃત નાગરિક બને તેવી ભાવનાથી કાર્યરત આ સંસ્થામાં નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ, અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા બિલ્ડીંગમાં ૬ હજારથી વધારે પુસ્તકની લાયબ્રેરી, વાંચનાલય, તથા વાતાનુકુલિન વાતાવરણમાં વિદ્યાર્થીઓ નજીવી ફી ભરીને તાલીમ મેળવી રહ્યા છે. હાલમાં આ સંસ્થામાં ૧પ૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. 

(3:06 pm IST)