Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

આજે મહાશકિતનો પ્રાગટય દિન

બગલામુખી દેવીનું પ્રાગટ્ય સ્થાન સૌરાષ્ટ્રમાં

પીતાંબરા પીઠ શોધ સંસ્થાન દ્વારા સ્થાન અંગે ગહન રિસર્ચ : દશ મહાવિદ્યામાં આઠમી મહાવિદ્યા બગલામુખી દેવી : કળીયુગના મહારાણી ગણાય છે : બગલામુખી નર્વાણ મંત્ર ।। હ્મ્િ શ્રીમ્ પીતામ્બરાયૈ નમઃ

જેમ પરમ કૃપાળુ પરમાત્મા, અનંત, અગોચર, નિર્ગુણ અને નિરાકાર છે, પરંતુ પોતાના ભકતો માટે સગુણ અને સાકાર રૂપ ધારણ કરે છે, તેમ વિશ્વની અનંત અને અગોચર શકિત પોતાના ભકતો માટે 'માતૃશકિત' રૂપે, સગુણ અને સાકાર રૂપ ધારણ કરે છે. જેમ ઈશ્વર અને ઈશ્વરની શકિત જુદા નથી, તેમ શિવ અને શકિત જુદા નથી. સંસારની સમસ્ત વસ્તુમાં બીજ રૂપે શિવ વસેલા છે, તેમ સમગ્ર દુનિયામાં, કણે કણમાં ઈશ્વરીય શકિત વ્યાપ્ત છે. શકિત વિના આ દુનિયામાં કોઈ કામ થઈ શકતું નથી.

જેમ ભગવાનના ૧૦ અવતાર છે તેમ શકિતના પણ ૧૦ અવતાર છે - જેને દસ મહાવિદ્યા કહેવાય છે.

જેમ, ભગવાનના બધા અવતારોમાં આઠમો અવતાર શ્રી કૃષ્ણ અવતાર 'પૂર્ણાવતાર' કહેવાય છે તેમ શકિતના ૧૦ અવતારમાં આઠમી મહાવિદ્યા પીતાંબરા – બગલામુખી ને પૂર્ણ વિદ્યા અથવા 'સિદ્ઘ વિદ્યા' કહે છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ સૌરાષ્ટ્રમાં દ્વારિકા છે તેમ તે માં બગલામુખીની ઉત્પત્તિ પણ સૌરાષ્ટ્રમાં હરિદ્રા સરોવરમાં થઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ પીળાં પીતાંબર પહેરે છે તેમ માં બગલામુખી પણ પીળા વસ્ત્રો ધારણ કરે છે. (યા પીત વસ્ત્રાવૃતા) ભગવાન શ્રી કૃષ્ણ સુવર્ણની નગરી દ્વારકામાં રહે છે, તો માં બગલામુખી પણ સુવર્ણ સિંહાસન ૫૨, સુવર્ણના અંલકારોથી સુશોભિત છે. માતાજીને પીળો રંગ બહુ પ્રિય છે. આથી બગલામુખી માતાજી ની પૂજા માટે, પીળા ફૂલ, પીળુ આસન, પીળા વસ્ત્ર, હળદર વિગેરે પૂજાપો વપરાતા હોય છે. કેટલાંક ઉપાસકો મંત્ર સિદ્ઘ કરવા હળદરની પીળીમાળા વાપરતા હોય છે. આથી માતા બગલામુખી... 'પીતાંબરા' અને 'પીતકાલી' કહેવાય છે.

ભારતીય શા સ્ત્રોમાં કહ્યુછે કે.. 'કલૌ ચંડી વિનાયકૌ'.. કળિયુગમાં સર્વ કાર્ય સિદ્ઘિ માટે, તકલીફો દૂર કરવા માટે તથા ગ્રહપીડા દુર કરવા માટે, ઉતમ ફળદાતા ગણપતિ તથા શકિતની ભકિત છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના જમાના માં Money Power, Man Power, કે Muscal Powerથી જ કામ થાય છે, પછી ભલે તે રાજકીય કામ હોય કે ધંધાકીય સફળતા હોય, બધામાં Powerની જરૂર પડે જ છે. આ Powerનું રહસ્ય શકિત ઉપાસનામાં છે.

'ત્રિપુરા રહસ્ય'માં ભગવાન શંકરે કહ્યુ છે કે ૩૩ કરોડ દેવી દેવતાઓમાં મહાશકિતશાળી દશ દેવીઓ છે. જે દશ મહાવિદ્યા તરીકે ઓળખાય છે. આ દશે દશ મહાવિદ્યાઓ (શકિતઓ) શીઘ્ર ફલદાત્રી, ખૂબ જ શકિતશાળી અને પોતાના ભકતોનું રક્ષણ કરનાર છે.

'તંત્રશાસ્ત્ર'માં બ્રહ્મા સ્ત્રરૂપિણી, પરમ શકિત સ્વરૂપા મા પીતાંબરા(બગલામુખી)ને સિધ્ધ વિદ્યા કહી છે... 'બગલા સિધ્ધ વિદ્યા ચ' ...જેની ઉપાસના કરવાથી સાધકના આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધ તાપ નષ્ટ થાય છે. સુખ, સંપતિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. કારણકે બગલામુખી માત્ર સર્વ શત્રુ નિવારિણી જ નથી પરંતુ ધનદા અને ધર્મદા પણ છે. સામાન્ય રીતે, લોકોમાં એવી 'ખોટી' માન્યતા છે કે... કોર્ટ કચેરીના કામમાં સફળતા મેળવવા માટે, રાજકીય સફળતા મેળવવા, છુપા શત્રુઓને ઠેકાણે પાડવા અને તંત્ર મંત્ર સફળ કરવા 'બગલામુખીની' આરાધના કરવામાં આવે છે. પરંતુ એવું નથી.

રૂદ્રયામલ તંત્રમાં બતાવેલ આ 'પિતાંબરા અષ્ટોત્તર શતનામ સ્તોત્ર' શિઘ્ર ફળ દાતા, સિદ્ઘિદાયક, ભૂત-પ્રેત તથા ગ્રહપીડા નિવારક, શત્રુઓનો સંહાર કરનાર તથા કોર્ટ કચેરી ના કામમાં સફળતા દેનાર છે. જેનો સ્વાનુભવ આ લખનાર તથા બીજા હજારો લોકોને થયેલ છે. જુદા કાર્યો માટે જુદા જુદા બીજ મંત્ર લગાડી પાઠ કરવો.

જેમ આ દશ મહાવિદ્યાઓ પરમ શકિતશાળી અને વિપત્તિનાશક છે તેમ તેની ઉપાસના પણ કઠણ છે. અને તે ગુરૂકૃપા વિના સિધ્ધ થતી નથી. માટે સિધ્ધ ગુરૂ પાસેથી મંત્ર દીક્ષા લઈ, આ સ્તોત્રનો પાઠ કરવાથી ચોક્કસ સફળતા મળે જ છે. વધુ માહિતી માટે સંપર્ક કરી શકાશે.

  ભગવાનના અવતારો   શકિતના અવતારો

૧.  મત્સ્ય અવતાર       કાલી મહાવિદ્યા

૨.  કચ્છપ અવતાર      તારા મહાવિદ્યા

૩.  વરાહ અવતાર       ષોડશી મહાવિદ્યા

૪.  નરસિંહ અવતાર     ભુવનેશ્વરી મહાવિદ્યા

૫.  વામન અવતાર      ભૈરવી મહાવિદ્યા

૬.  પરશુરામ અવતાર   છિન્નમસ્તા મહાવિદ્યા

૭.  રામ અવતાર        ધૂમાવતી મહાવિદ્યા

૮.  કૃષ્ણ અવતાર        બગલામુખી મહાવિદ્યા

૯.  બુધ્ધ અવતાર       માતંગી મહાવિદ્યા

૧૦. કલકી અવતાર      મકલા મહાવિદ્યા

-: સંકલન :-

શ્રી મહેન્દ્રભાઈ રાવલ

અધ્યક્ષ- પીતાંબરા પીઠ

શોધ સંસ્થાન, કર્ણાવતી

મો. ૯૪૨૬૨ ૨૨૨૬૬

(3:09 pm IST)