Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

ભકિતનગર પોલીસ વિસ્તારના હત્યાની કોશીષના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા., ૨૧: અત્રેના ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઇ મકવાણાની વધુ એકવાર રેગ્યુલર જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્ટેશનનો સેસન્સ કેસ હાલ રાજકોટના પ્રિન્સીપાલ સેસન્સ જજ કોર્ટમાં પેન્ડીંગ છે. જે ગુન્હાના આરોપી ચિરાગ ઉર્ફે બકાલી સામે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૦૭, ૩ર૬, ૩ર૪, ૪પ૦, પ૦૪, ૩૪, ૪ર૭ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩પ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો અને ત્યાર બાદ આરોપી દ્વારા રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ  સમક્ષ જામીન અરજી ચાર્જશીટ પહેલા તેમજ ચાર્જશીટ બાદ કરેલ હતી અને તે જામીન અરજીઓ રદ થતા આ કામના આરોપી ચિરાગ ઉર્ફે બકાલીઓ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી અને હાઇકોટ દ્વારા સદરહું ગુન્હામાં ઇજા પામનાર દેવદાનભાઇની જુબાની થયા બાદ જ જામીન અરજી દાખલ કરવા અંગે જણાવેલ હતું.

આ કામમાં અરજદાર આ કામમાં અરજદાર આરોપી ચિરાગ ઉર્ફે બકાલી દ્વારા હાલ છેલ્લા એક વર્ષથી કોરોના બિમારીના કારણે કોર્ટો બંધ હોઇ અને કોર્ટો કયારેય શરૂ થાય તે અંગે ચોક્કસતા ન હોઇ પોતાને જામીન ઉપર મુકત કરવા અંગે જામીન અરજી ગુજારેલ હતી. આ જામીન અરજી સામે સરકારી વકીલ કમલેશ બી. ડોડીયા દ્વારા સખ્ત વાંધો લઇ આરોપી સામે અગાઉ પણ ભયંકર પ્રકારના ઘણા બધા ગુન્હાઓ નોંધાયેલ હોઇ તેમજ આરોપી નાશી ભાગી જાય તેવી શકયતા હોઇ તેમજ આ કામે કેસમાં સાક્ષીઓ તપાસવાનું ચાલુ હોઇ આરોપીને છોડવામાં આવે તો સાક્ષીઓને ધાક ધમકી આપે તેવી શકયતા હોઇ વિગેરે કારણોસર જામીન રદ કરવા રજુઆત કરેલ હતી.

આ કામે કેસના કાગળો, બનાવની વિગત, આરોપીનો રોલ તેમજ સરકારી વકીલ કમલેશ બી. ડોડીયા દ્વારા કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈ રાજકોટના ડીસ્ટ્રીકટ જજ યુ.ટી. દેશાઈ દ્વારા અરજદાર ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણાની રેગ્યુલર જામીન અરજી સુનાવણીના અંતે રદ કરેલ છે. આ કામે સરકાર તરફે એડી. પબ્લીક પ્રોસીકયુટર કમલેશ ડોડીયા રોકાયેલ હતા.

(3:09 pm IST)