Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

પાંચ દિ'થી ગૂમ કુવાડવાના રવિ સોલંકીની કૂવામાંથી લાશ મળીઃ કેબલથી પાઇપ સાથે બાંધેલો હતો!: હત્યાની શંકા

ઘર નજીકની વાડી પાસે બનેવી લઘૂશંકાએ જતાં કૂવામાંથી દૂર્ગંધ આવતાં તપાસ કરતાં લાશ મળીઃ રવિની પત્નિ ચાર મહિના પહેલા બનેવીના સગા સાથે જતી રહી છેઃ મૃતક બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ કોહવાઇ ગયેલી લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

તસ્વીરમાં કૂવા અંદર કઇ રીતે પાઇપ સાથે કમરે કેબલ બાંધેલી હાલતમાં રવિ મળ્યો તે તથા તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૦: કુવાડવામાં વાંકાનેર ચોકડી પાસે રહેતો રવિ દિલીપભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.વ.૨૨) નામનો યુવાન ગયા રવિવારે ગૂમ થયા બાદ આજે તેના ઘર નજીક જ આવેલી વાડીના કૂવામાંથી કોહવાઇ ગયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી છે. લાશ કમરેથી કૂવા અંદરના લોખંડના પાઇપ સાથે કેબલથી બાંધેલી હાલતમાં હતી. આ જોતાં બનાવ હત્યાનો હોવાની શંકા ઉદ્દભવી છે. શરીર પર દેખીતી ઇજાના કોઇ નિશાનો નથી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ તપાસ આગળ વધશે.

જાણવા મળ્યા મુજબ કુવાડવામાં વાંકાનેર ચોકડીએ રહેતો અને મજૂરી કરી ગુજરાન ચલાવતો રવિ સોલંકી ગયા રવિવારે ગૂમ થઇ જતાં તેમના પરિવારજનોએ પોલીસ મથકમાં ગૂમ થયાની જાણ કરી હતી અને રવિની શોધખોળ ચાલુ રાખી હતી. દરમિયાન આજે તેના ઘર નજીક વાડીના કૂવામાંથી તેની કોહવાયેલી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

રવિના બનેવી કિશોરભાઇ લઘુશંકા કરવા ગયા ત્યારે દૂર્ગંધ આવતી હોઇ અને નજીકમાં મજૂરો કામ કરતાં હોઇ એ બધા કૂવા નજીક જતાં અંદર રવિની લાશ તરતી જોવા મળી હતી. આ અંગે ગામના સરપંચ સંજયભાઇ પીપળીયાને જાણ થતાં તેઓ તાકીદે પહોંચ્યા હતાં અને કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, હેડકોન્સ. હિતેષભાઇ માલકીયા, રાઇટર હિતેષભાઇ ગઢવી સહિતનો કાફલો અને ડી. સ્ટાફના હિતુભા ઝાલા સહિતનો સ્ટાફ પણ પહોંચ્યો હતો.

પોલીસે તપાસ કરતાં મૃતદેહ કૂવામાં ઉંધો પડેલો દેખાયો હતો. તેના કમરના ભાગે કેબલ વાયર બાંધેલો હતો, જે કેબલનો બીજો છેડા કૂવાના પાઇપ સાથે બાંધેલો દેખાયો હતો. ખાટલો કૂવામાં ઉતારી મૃતદેહ બહાર કઢાયો હતો. પાંચ દિવસથી લાશ પડી હોઇ કહોવાઇ ગઇ હતી અને અત્યંત દૂર્ગંધ આવતી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મૃત્યુ પામનાર રવિ બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો અને મજૂરી કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ રવિની પત્નિ શિવાની રવિના બનેવી કિશોરભાઇના સગાના છોકરા સાથે ચારેક મહિના પહેલા જતી રહી છે.

રવિ ગૂમ થયા બાદ કૂવામાંથી લાશ મળતાં અને એ પણ કમરે કેબલ બાંધેલી હાલતમાં મળતાં મૃત્યુ અંગે શંકા ઉપજી છે. શરીર પર દેખીતી ઇજાના નિશાનો જોવા મળ્યા નથી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ આગળ તપાસ કરશે. પરિવારજનોએ પણ બનાવ હત્યાનો હોવાની શંકા દર્શાવી છે. પરંતુ રવિને કોઇ સાથે માથાકુટ હોવાનું તેઓ કહેતાં નથી.

(3:53 pm IST)