Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

કોરોનાના દર્દીઓ ઘટ્યા, મ્યુકર માઇકોસીસના વધ્યાઃ સિવિલ હોસ્પિટલનું તંત્ર ઉંધા માથેઃ ૩ દર્દીને રજાઃ આજે ૪૧૭ સારવારમાં

ઇએનટી સર્જનોની ત્રણ ટીમો દ્વારા ચોવીસ કલાક ઓપરેશન થઇ રહ્યા છે છતાં દર્દીઓ વેઇટીંગમાં : સિવિલમાં ૫૦૦ બેડની સુવિધાઃ માત્ર રાજકોટના જ નહિ સોૈરાષ્ટ્રભરના મ્યુકર માઇકોસીસના દર્દીઓ અહિ સારવારમાં આવતાં હોવાથી દર્દીઓની સંખ્યા સતત વધારે

રાજકોટ તા. ૨૦: શહેરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં એક તરફ કોરોના દર્દીઓ ઘટી રહ્યા છે તો બીજી તરફ મ્યુકર માઇકોસીસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા હોઇ સિવિલ હોસ્પિટલ તંત્ર ઉંધા માથે થયું છે. સિવિલ હોસ્પિટલમાં કાન નાક ગળાના સર્જનોની ત્રણ ટીમો સતત કામગીરી કરી રહી છે. ચોવીસ કલાક ઓપરેશન થઇ રહ્યા છે. વધી રહેલા દર્દીઓની સંખ્યા સામે હાલમાં જે સ્ટાફ છે તેમની પાસેથી જ કામ લેવામાં આવી રહ્યું છે. આવા સંજોગામાં વધુ ઇએનટી સર્જન, એનેસ્થેસીયા, પ્લાસ્ટીક અને ન્યુરો સર્જનની સંખ્યા હાલ પુરતી વધારવી જરૂર જણાય છે. મ્યુકર માઇકોસીસના ઓપરેશન માટે વેઇટીંગ ચાલી રહ્યું હોઇ હવે વધુ બે ઓપેરેશન ટેબલ ઉભા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આ ઓપરેશન ટેબલ માટે વીસ લાખના ખર્ચની મંજુરી પણ આપી દેવામાં આવી છે. આજે મ્યુકર માઇકોસીસના ત્રણ દર્દીઓને સાજા થતાં રજા આપવાની તજવીજ થઇ હતી.

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અને અનેક દર્દીઓને સારવાર અપાવવા દાખલ કરાવવા ઓકિસજન તેમજ બેડ અપાવવા માટે તેમના સ્વજનોને ઠેકઠેકાણે દોડધામ કરવી પડી હતી. હવે માંડ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં કોરોનાના દર્દીઓ ઘટવાની અને મૃત્યુ ઓછા થવાની શરૂઆત થઇ છે ત્યાં કોરોનાની સાથે સાથે માથું ઉંચકી રહેલા મ્યુકર માઇકોસીસ રોગના કેસોએ તંત્ર વાહકોને ફરી કામે લગાડ્યા છે. બ્લેક ફંગસના આ કેસનું સોૈથી વધુ પ્રમાણ રાજકોટમાં જોવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં આજના દિવસે મ્યુકર માઇકોસીસના ૪૧૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

મ્યુકર માઇકોસીસના દર્દીઓને દાખલ કરી તેના તત્કાલ ઓપરેશન કરી શકાય એ માટે સિવિલ હોસ્પિટલમાં તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ ઇએનટી સર્જનોની ત્રણ ટીમોને રાત દિવસ કામે લગાડી છે. આ ટીમો સતત ચોવીસ કલાક ઓપરેશન કરતી રહે છે. આમ છતાં નવા દર્દીઓની સતત સંખ્યા વધતી જતી હોઇ હવે ઓપરેશન માટે વધુ ટેબલ ઉભા કરવા પડ્યા છે અને વધુ સ્ટાફની જરૂરિયાત ઉભી થઇ છે. રોજ વધી રહેલા બ્લેક ફંગસના કેસોને લઇને ચિંતા વધી ગઇ છે. દિલ્હી એઇમ્સે તો આ કેસોની સતત દેખરેખ રાખવા એક ટાસ્કફોર્સ પણ રચી છે. ત્યાંના ડો. એમ. વી. પદ્માએ એવું કહ્યું હતું કે બ્લેક ફંગસને વધવામાં કદાચ નવો સ્ટ્રેન પણ નિમિત બની રહ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માત્ર રાજકોટ શહેરના નહિ પરંતુ આસપાસના બીજા ગામો, શહેરો અને બીજા જીલ્લાના મ્યુકર માઇકોસીસના દર્દીઓ પણ આવતાં હોઇ જેથી અહિ દર્દીઓની સંખ્યા સતત વધારે રહે છે. અગાઉથી જ આવા દર્દીઓ માટે અલગ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોઇ હાલ આવા દર્દીઓ માટે પાંચસો બેડ ઉપલબ્ધ છે. તેની સામે આજના દિવસે મ્યુકર માઇકોસીસના દર્દીઓની સંખ્યા ૪૧૭ છે.

તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા મુજબ આજે સિવિલ હોસ્પિટલમાંથી મ્યુકર માઇકોસીસના ૩ દર્દીઓને રજા આપવાની પ્રક્રિયા કરવામાં આવી છે. આ પહેલી વખતનું ડિસ્ચાર્જ છે. નવી પોલીસી અનુસાર હવે પછી મ્યુકરના દર્દીઓને દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યાના આઠ દિવસ પછી રજા આપવામાં આવશે. બાકીની સારવાર દર્દીઓને ઘરે રહીને લેવાની રહેશે. સતત સળંગ ૨૮ દિવસ દર્દીને રાખવા નહિ પડે અને એ કારણે બેડ પણ સતત ભરાયેલા નહિ રહે. જો કે આ નવી પોલીસીનો અમલ હજુ હાલ શરૂ કરવામાં આવ્યો નથી. જે ત્રણ દર્દી સાજા થયા છે તેને રજા આપવામાં આવી રહી છે. 

વધી રહેલા મ્યુકરના કેસને કારણે વેઇટીંગ પણ વધ્યું છે. તેને પોહંચી વળવા ઓપરેશનના વધુ બે ટેબલ ઉભા કરવા વીસ લાખના ખર્ચની મંજુરી આપી દેવામાં આવી છે. નવા ટેબલો શરૂ થતાં એક સાથે પાંચ ઓપરેશન થઇ શકશે. અત્યારે ત્રણ ટેબલો પર રોજના આઠથી દસ ઓપરેશન થઇ શકે છે. (૧૪.૭)

(3:54 pm IST)