Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

શિક્ષક પણ ખેડુત છે અને ઉત્તમ નાગરિકોનો ઉછેર કરે છે

હા, શિક્ષક પણ ખેડુત છે. તે જતન કરીને ભવિષ્યના ઉત્તમ નાગરિકોનો ઉછેર કરે છે. શિક્ષકો એવા માળી છે જે શાળાના બાગનાં ફુલોને ખીલવે છે. તેની સંભાળ લ્યે છે. સંસ્કારનું સિંચન કરે છે. આમ શિક્ષકો ઉત્તમ કૃષિકાર છે. મહાન શિક્ષક ચાણકયના શબ્દો છે કે પ્રલય અને નિર્માણ શિક્ષકોના ખોળામાં રમે છે.

આ દેશે મૂલ્યવાન શિક્ષકોની હારમાળા તૈયાર કરી છે. હમણા જ ઉત્તર પૂર્વના રાજયમાં છેલ્લા ૮ વર્ષથી એશિયાનું સર્વશ્રેષ્ઠ સ્વચ્છ ગામ એક શિક્ષકના પરિશ્રમ થકી નિર્માણ પામ્યુ. લડાખના એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક શિક્ષક સોનમ વાંગચુકના નામથી હવે કોઇ અજાણ નથી. તેમની છેલ્લી શોધ સીયાચીન ગ્લેશીયર ઉપર માઇનસ ૪૪ ં ડીગ્રી પર ફરજ બજાવતા જવાનોને હુંફાળા રહી શકાય તેવા સોલાર તંબુ તૈયાર કરેલ.

રાષ્ટ્ર અને રાજય કક્ષાએ વિજ્ઞાન ગણિત પ્રદર્શન-મેળા થાય તેમાં છાત્રોને કૃતિ રજુ કરવાનું સંપૂર્ણ માર્ગદર્શન શિક્ષકોનું જ હોય છે. આપણા અવકાશી વિજ્ઞાનિક પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ પણ પોતાને આજીવન શિક્ષક ગણાવતા રહ્યા.

શિક્ષક કયારેય સાધારણ નથી હોતો. આરોગ્ય કામગીરી હોય કે ચુંટણી કામગીરી હોય. સ્વચ્છતા અભિયાન હોય કે વસ્તી ગણતરી હોય, રોગચાળામાં જનજાગૃતિ અભિયાન હોય કે કોઇપણ કુદરતી આપત્તિ હોય. આવા સેવા કાર્યોમાં શિક્ષકો હંમેશા અગ્રભાગ ભજવતા હોય છે. એક અર્થમાં સમાજ વ્યાપ્ત કોઇપણ કામગીરીમાં શિક્ષક સામેલ હોય જ છે. આ દેશને વિશ્વગુરૂ બનાવનાર ઋષીઓ પણ શ્રેષ્ઠ શિક્ષકો જ હતાને?

- વનિતા રાઠોડ, આચાર્ય શાળા નં. ૯૩

(3:55 pm IST)