Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

નવા ભેળવાયેલ પાંચ ગામોની ૧૭,ર૮૯ મિલ્કતોની વેરા આકારણી સંપન્ન

વેરા વળતર યોજનામાં ૧૧ મે સુધીમાં ૮૦ હજાર મિલ્કત ધારકોએ એડવાન્સ વેરો ભરતા તંત્રને ૩પ.૧૪ કરોડની આવકઃ શહેરમાં મ.ન.પા. દ્વારા ૭૫ રસીકરણ કેન્દ્રોમાં કોવીડ રસીકરણ ચાલુ છે : નર્મદા પાઇપ લાઇનમાં હવાને બદલે પાણીનાં ધોધ છુટયા અને રાજકોટની પાણી સમસ્યા કાયમી ઉકેલાઇ જતા કોંગ્રેસની હવા નિકળી ગઇઃ જનરલ બોર્ડમાં ભાજપ શાસનનાં સુદ્રઢ વહીવટની હકીકત ઉજાગર કરતા સ્ટેન્ડીંગ સભ્ય મનીષ રાડીયા

રાજકોટ, તા. ૨૦ :. મ.ન.પા.એ નવા ભેળવાયેલ ગામો માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા, મનહરપુર વગેરેની કુલ ૧૭ હજાર મિલ્કતોની વેરા આકરણી થઈ ગઈ છે તેમ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષ રાડીયાએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નના લેખીત જવાબમાં અધિકારીઓએ જણાવ્યુ હતું.

નોંધનીય છે કે ગઈકાલે યોજાયેલા જનરલ બોર્ડમાં શ્રી રાડિયાએ વેરા વિભાગ અને આરોગ્ય વિભાગ સંબંધિત પ્રશ્નો પૂછયા હતા જેમાં જવાબો અધિકારીઓએ લેખીતમાં આપ્યા હતા. જ્યારે વિપક્ષ કોંગ્રેસના વશરામ સાગઠિયાએ બોર્ડમાં ભાજપ શાસન સામે આક્ષેપો કર્યા હતા. તે વખતે મનિષ રાડીયાએ વળતા જવાબમાં સ્પષ્ટ હકીકત જણાવેલ કે 'નર્મદા પાઈપ લાઈનમાં હવા નિકળશે, પરંતુ છેલ્લા ૨ વર્ષથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રયત્નોથી સૌની યોજના હેઠળ આજીમાં નર્મદા પાઈપલાઈનનું પાણી ઠલવાઈ રહ્યુ છે, તે જોઈને હવે કોંગ્રેસની હવા નિકળી ગઈ છે. જે ભાજપના સુદ્રઢ વહીવટનો નમૂનો છે.

ગઈકાલે મળેલ મ્યુ. કોર્પોરેશનની દ્વિમાસિક સામાન્ય સભામાં સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય અને વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર મનિષભાઈ રાડીયાએ વર્ષ ૨૦૨૧-૨૨નો મિલ્કત વેરો એડવાન્સ ભરનાર મિલ્કતધારકને વળતર યોજના કઈ તારીખથી આપવામાં આવેલ છે ? અત્યાર સુધીમા કેટલા મિલ્કતધારકો દ્વારા મિલ્કત વેરો ભરપાઈ કરવામાં આવેલ છે અને કેટલી આવક થયેલ છે ? કેટલા મિલ્કતધારકો દ્વારા ઓનલાઈન ભરપાઈ કરવામાં આવેલ છે ? વળતર યોજનાની મુદત કેટલા સમય સુધી રાખવામાં આવેલ છે ? રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા હાલમાં કેટલા આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે તથા નવા ભળેલા વિસ્તારો મોટામવા, મુંજકા, માધાપર, મનહરપુરામાં આવેલ મિલ્કતોનો મિલ્કતવેરો વસુલવાની કામગીરી કયા તબક્કે છે ?

તંત્ર દ્વારા જનરલ બોર્ડમાં સભ્ય શ્રી મનિષભાઈ રાડીયા દ્વારા રજુ કરેલ પ્રશ્નોના આપેલ લેખીત જવાબમાં જણાવ્યુ હતુ કે ૨૦૨૧-૨૨માં મિલ્કત વેરો એડવાન્સ ભરનાર મિલ્કતધારકને ૧ એપ્રિલથી વળતર યોજનાનો લાભ આપવામાં આવેલ છે. ૧૧ મે સુધીમાં ૮૦,૭૬૩ મિલ્કતધારકો દ્વારા એડવાન્સ વેરાની ભરપાઈ કરવામાં આવેલ છે. જેનાથી કુલ રૂ. ૩૫.૧૪ કરોડની આવક થવા પામી છે. જ્યારે ૪૮,૭૨૦ મિલ્કતધારકો દ્વારા ઓનલાઈન વેરાની ભરપાઈ કરવામાં આવેલ છે. ૩૦ જૂન સુધીમાં આ વળતર યોજનાનો લાભ લેનાર કરદાતાઓને ૧૦ ટકા અને ૩૧ જુલાઈ સુધીમાં વેરો ભરનાર મિલ્કતધારકને ૫ ટકા વળતર આપવામાં આવે છે. મહિલા મિલ્કતધારકને વધારાના ૫ ટકા તેમજ ઓનલાઈન પેમેન્ટ પર વધારાનુ ૧ ટકા વળતર આપવામાં આવે છે.

રાજકોટ કોર્પોરેશન દ્વારા ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ૨૫ સ્થળો તથા ૧૮થી ૪૪ વર્ષના વ્યકિતઓ માટે ૫૦ સ્થળોએ કોવીડ વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

નવા ભળેલા વિસ્તારો મોટામવા, મુંજકા, માધાપર, મનહરપુરમાં આવેલી મિલ્કતોની માપણી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. ૧૯ મે સુધીમાં ૧૭૨૮૯ મિલ્કતોની માપણી થયેલ છે.

(3:57 pm IST)