Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

રાજકોટમાં ફેબ્રુઆરીથી મે સુધીમાં રર૬૩૦ કેસઃ ર૮૬ મોત

છેલ્લા ૪ મહિનામાં કોરોનાએ પોશ વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ ફેલાવ્યુ : વોર્ડ નં. ૮ માં સૌથી વધુ ર૮૪૩ કેસઃ વોર્ડ નં. ૧પમાં સૌથી ઓછા ૪૯૪ કેસઃ વોર્ડ નં. ૩ માં સૌથી વધુ ર૯ મોતઃ સૌથી ઓછા વોર્ડ નં. ૧પ-૧૬ માં પ મોતઃ કોરોનાએ મ.ન.પા.નાં ૬૮૯ કર્મીઓને સંક્રમિત કર્યા અને ૧૧નો ભોગ લીધોઃ કોરોનાં કાળમાં મ.ન.પા.એ ૬.૭૦ કરોડનો ખર્ચ કોરોનાં નિદાન-સારવાર માટે કર્યો : કોરોના અંગે લેખીતમાં અધિકારીઓએ આપેલી માહિતી જાહેર કરતાં કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા

રાજકોટ, તા., ૨૦: શહેરમાં આવેલા પોસ વિસ્તારોમાં છેલ્લા ૪ મહીનામાં કોરોનાએ સૌથી વધુ ભરડો લીધાનું અને પછાત વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સૌથી ઓછુ હોવાનું પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જનરલ બોર્ડમાં પુછેલા પ્રશ્નનો અધિકારીઓએ જે લેખીત જવાબ આપ્યો છે તેમાં ખુલવા પામ્યું છે.

આ અંગે શ્રી સાગઠીયાને રાજકોટમાં ૧ ફેબ્રુઆરીથી ૧૦ મે સુધીમાં કેટલા કોરોના કેસ અને કેટલા મોત થયા છે. તે પ્રશ્નના જવાબમાં અધિકારીઓએ વોર્ડવાઇઝ જાહેર કરેલ આંકડાઓ મુજબ આ છેલ્લા ૪ મહીનામાં કુલ રર૬૩૦ કેસ ગયા હતા. જેમાંથી સરકારે જાહેર કરેલા કોવીડ ડેથ ર૮૬ હતા.

જેમાં દર્શાવ્યા મુજબ સૌથી વધુ કોરોના કેસ વોર્ડ નં. ૮ કે જયાં પંચવટી સોસાયટી, સોજીત્રાનગર, અંબીકા પાર્ક, વૈશાલીનગર સહીતના પોસ વિસ્તારો છે. તથા રાજકોટનાં ૧૮ વોર્ડમાંથી સૌથી વધુ ર૮૪૩ કેસ થયા છે. જયારે સૌથી ઓછા વોર્ડ નં. ૧પ કે જયાં ચુનારાવાડ, દુધસાગર રોડ, થોરાળા જેવા પછાત વિસ્તારો છે. ત્યાં ૪૯૪ કેસની નોંધાયા છે.

જયારે સૌથી વધુ વોર્ડ નં. ૩ માં ર૯ મોત થયા છે. જયારે સૌથી ઓછા મોત વોર્ડ નં. ૧પ-૧૬માં પ-પ નોંધાયા છે.

આ ઉપરાંત છેલ્લા ૪ મહીનામાં મ.ન.પા.ના ૬૮૯ કર્મચારીઓને કોરોનાએ સંક્રમીત કર્યા હતા. જેમાંથી ૧૯ કર્મચારીઓના દુઃખદ અવસાન થયા હતા.

જયારે કોરોના કાળના આ છેલ્લા ૪ મહીના દરમિયાન મ.ન.પા.ને સરકારે ફાળવેલી ગ્રાન્ટમાંથી કોરોના ટેસ્ટીંગ, સારવાર, દવા વિતરણ વગેરે માટે રૂ. ૬.૭૦ કરોડનો ખર્ચ કર્યો હતો.

એમ્બ્યુલન્સ માટે ૪.પ૦ લાખ વાહન ભાડામાં વપરાયા

જયારે કોરોના સંક્રમણના છેલ્લા ૪ મહીનામાં તંત્રએ એમ્બ્યુલન્સ માટે ૧પ દિવસ માટે વાહનો ભાડે રાખ્યા હતા. જેનો ખર્ચ ૪.પ૦ લાખ થયો હતો.

આરોગ્ય માટે  ૧૯૮ વાહનો ભાડે

જયારે આરોગ વિભાગે ૭પ સંજીવની રથ, ૪૮ ધન્વંતરી રથનાં ૧૦૪ હેલ્પલાઇન માટે ૩૯ અને કોવીડ ટેસ્ટીંગ માટે ૩૬ એમ કુલ ૧૯૮ વાહનો ભાડે રખાયા હતા. જેનો ખર્ચ રૂ. ૧.૮૧ લાખ થયો હતો.

૬૫૦ તો મેડીકલ સ્ટાફ

જયારે કોરોના માટે ૧ર મેડીકલ ઓફીસર, ૧૧ રેગ્યુલર મેડીકલ ઓફીસર, ૩૦ આરોગ્ય કેન્દ્રના ડોકટરો, પ૯ કોવીડ મેડીકલ ઓફીસર, ૧૪ લેબ ટેકનીશ્યન, ૧૬ ફાર્માસીસ્ટ ૧૯ સ્ટાફ નર્સ, ૧ર૪ નર્સીગ સ્ટાફ સહીત ૬પ૦નો મેેડીકલ સ્ટાફ કાર્યરત છે.

માસ્ક માટે ૭૭.૭૭ લાખનો દંડ વસુલ્યો

જયારે આ છેલ્લા ૪ મહીનામાં માફક નહી પહેરનારા લોકો પાસેથી કુલ ૭૭.૭૭ લાખનો દંડ વસુલ્યો હતો.

૮ નવા આરોગ્ય કર્મચારીની ભરતી

કોરોના સંક્રમણનાં છેલ્લા ૪ મહીનામાં ૮ નવા આરોગ્ય કર્મીઓની ભરતી કરાઇ છે. જેમાં ૩ મજુર, ૧ સેનેટરી ઇન્સ્પેકટર, ૧ આયુર્વેદિક મેડિકલ ઓફીસર, ર કેશિયર અને ૧ ડેટા ઓપરેટર.

ર.ર૩ લાખ લોકોનું નિદાન-સારવાર

જયારે ફેબ્રુઆરીથી ૧૦ મે સુધીમાં ૧૪.ર૪ લાખ ઘરોમાં કોરોના સર્વે કરી ર.૬૩ લાખ લોકોનું નિદાન સારવાર કરાયેલ.

૯ લાખ એન્ટીજન ટેસ્ટ ૧ લાખ આર.ટી.પી.સી.આર.

આ ઉપરાંત છેલ્લા ૪ મહીનામાં શહેરના કુલ ૯.૧૭ લાખ લોકોનો એન્ટીજન ટેસ્ટ અને ૧.૬૧ લાખ લોકોનો આર.ટી.પી.સી. આર.ટેસ્ટ કરવામાં આવેલ.

સોલીડ વેસ્ટમાં સૌથી વધુ સંક્રમણઃ સ્માર્ટ સીટી સેલમાં ઓછા કેસ

મ.ન.પા.નાં કુલ ૬૮૯ કર્મચારીઓ કોરોના સંક્રમીત થયેલ જેમાં સૌથી વધુ સોલીડ વેસ્ટનાં ર૦૧ કર્મચારીઓ સંક્રમીત થયેલ. જયારે સૌથી ઓછા સ્માર્ટ સીટી સેલમાં સૌથી ઓછા માત્ર ૪ કર્મચારી સંક્રમીત થયા હતા. જયારે લીગલમાં ૧, રાજકોટ રાજપથ લી.ના ૧, ગાર્ડનમાં ૧, જગ્યા રોકાણમાં ૧, ગાર્ડનમાં-૧, જગ્યા રોકાણમાં-૧ અને સુરક્ષા વિભાગમાં-૧ સહીત કુલ ૧૧ કર્મચારીઓ કોરોના સામે જંગ હારી ગયા હતા.

(4:01 pm IST)