Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સુરતના વલ્લભ હડીયાએ રાજકોટના મહિલાનું ફેસબૂક એકાઉન્‍ટ હેક કરી પોતાના ભાઇનો ફોટો અપલોડ કર્યો

મહિલાને તેના પતિ મારફત જાણ થતાં ફરિયાદ કરીઃ શહેર સાયબર ક્રાઇમ પોલીસે સુરતી શખ્‍સને દબોચ્‍યો

રાજકોટ તા. ૨૦: સાયબર ક્રાઇમનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં રાજકોટના મહિલાનું ફેસબૂક એકાઉન્‍ટ હેક કરી સુરતના શખ્‍સે તેમાં પોતાના મોટા ભાઇનો ફોટો અપલોડ કરી તેમજ મેસેજીસ, ઇમોજીસ મોકલી, ફોન કોલ, વિડીયો કોલ કરી મહિલાની બદનામી કરતાં આઇટી એક્‍ટ હેઠળ ગુનો નોંધી સુરતના શખ્‍સને પકડી લેવામાં આવ્‍યો છે.

શહેર સાયબર ક્રાઇમ પોલીસે આ બારામાં  રાજકોટમાં રહેતાં ૪૩ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી મુકિતધામ સોસાયટી પ્‍લોટ નં. ૪૭૫, અર્ચનાસ્‍કૂલ પાસે પુના માર્કેટ રોડ સુરત ખાતે રહેતાં વલ્લભ બચુભાઇ હડીયા (ઉ.વ.૨૪) વિરૂધ્‍ધ આઇટી એક્‍ટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

ભોગ બનેલા મહિલાએ પોલીસને જણાવ્‍યું છે કે તા. ૯/૩ના રોજ મારા પતિએ મને ફોન કરી કહ્યું હતું કે તમારા ફેસબૂક આઇડીના સ્‍ટેટસમાં કોઇ અજાણ્‍યા વ્‍યક્‍તિએ ફોટો મુક્‍યો છે. જેથી મેં મારા મોબાઇલફમાં ફેસબૂક એપ્‍લીકેશનમાં મારું એકાઉન્‍ટ ચેક કરતાં તેમાં અજાણ્‍યા શખ્‍સનો ફોટો અપલોડ થયેલો દેખાયો હતો અને તેમાંથી હડીયા હમસુખ નામના એકાઉન્‍ટમાં મેસેજીસ તથા ફોન કોલ અને વિડીયો કોલ કરાયા હતાં. જેથી મારું ફેસબૂક આઇડી કોઇએ હેક કરી બીજા લોકોને મેસેજીસ, ફોન કોલ અને વિડીયો કોલ કર્યા હોવાનું જણાયું હતું.

આ કારણે મેં પોલીસમાં અરજી કરી હતી અને સાથે મેસેજીસ, વિડીયો કોલ થયા હોઇ તેના સ્‍ક્રીન શોટની પ્રિન્‍ટ કાઢી તે પણ અરજી સાથે જોડી હતી. આ અરજીની તપાસ સાયબર ક્રાઇમ પોલીસને સોંપાઇ હતી. એ પછી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરી સીડીઆર મોબાઇલ કંપની પાસેથી મંગાવતાં મોબાઇલનું સિમકાર્ડ જીઓ કંપનીનું હોઇ અને તે હડીયા વિલ્લભ બચુભાઇ (રહે. સુરત મુક્‍તિધામ સોસાયટી)ના નામે રજીસ્‍ટર્ડ થયેલું હોઇ પોલીસે તેના વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

વલ્લભ હડીયાએ તેના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી મારા ફેસબૂક આઇડીને હેક કરી તેમાંથી તેના મોટા ભાઇ હડીયા હસમુખભાઇને ઇમોજી મેસેજીસ તથા કોલીંગ, વિડીયો કોલીંગ કરી મારી સ્‍ટોરીમાં હડીયા હસમુખનો ફોટો અપલોડ કરી મારી બદનામી કરી હોઇ તેના વિરૂધ્‍ધ ફરિયાદ કરી છે. તેમ મહિલાએ જણાવતાં પીએસઆઇ જે. આર. સરવૈયાએ ફરિયાદ નોંધતાં પીએસઆઇ દિપકભાઇ પંડિતે ગુનો દાખલ કર્યો હતો. એસીપી સાયબર ક્રાઇમ વિશાલ એમ. રબારીની રાહબરીમાં પીઆઇ જે. એમ. વાઘેલા અને ટીમે તપાસ કરી આરોપીને સકંજામાં લઇ લીધો છે. આરોપી વલ્લભ હડીયા હીરા ઘસવાનું કામ કરે છે.

(11:38 am IST)