Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

નરેન્‍દ્રભાઈના બે મહિનાના સૌરાષ્‍ટ્ર- ગુજરાત પ્રવાસમાં ૫૦ હજાર કરોડથી વધુ વિકાસકાર્યોના લોકાપર્ણ- ખાતમુહૂર્તઃ રાજુભાઈ ધ્રુવ

મોસાળમાં જમણ અને મા પીરસનારની કહેવત ગુજરાતમાં સાર્થક કરતી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તથા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ડબલ એન્‍જીન સરકાર

રાજકોટઃ ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઈ મોદીનો ગુજરાત પર અવિરત પ્રેમ વરસાવી રહ્યા છે એવું જણાવતા સૌરાષ્ટ્ર કચ્‍છ ભાજપ અગ્રણી પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, મોસાળમાં જમણ અને મા પીરસનાર..ની કહેવત અત્‍યારે ગુજરાત માટે અક્ષરસ બંધબેસતી બની ગઈ છે. ગુજરાતને ડબલ એન્‍જિન સરકારનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. રાજયમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ અધ્‍યક્ષ શ્રી સી.આર. પાટીલની જોડી જનહિત - જનસુખાકારીમાં વધારો કરતા વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ ગુજરાતને ધરી રહી છે તો કેન્‍દ્રમાં નરેન્‍દ્રભાઈ મોદી જનજનની સુખ, સમૃદ્ધિ, સ્‍વાસ્‍થ્‍ય, સુવિધામાં વૃદ્ધિ કરતા વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ ગુજરાતને ધરી રહ્યા છે. જો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના પાછલા પચાસ દિવસના ગુજરાત પ્રવાસની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ છેલ્લા બે મહિનાના પોતાના ગુજરાત પ્રવાસમાં ૫૦ હજાર કરોડથી વધુ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ ગુજરાતને દ્યરી છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વડોદરા, નવસારી, બનાસકાંઠા, દાહોદ, કલોલ, જસદણ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરો-નગરો-ગામોમાં વિવિધ અબજો રૂપિયાના પ્રોજેક્‍ટ્‍સનો પ્રારંભ કરાવ્‍યો છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્‍યું હતું કે, હાલમાં જ ૧૭ અને ૧૮ જૂને ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૫ હજાર કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ આપી હતી. વડોદરા ખાતે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા રેલવેવિભાગ હસ્‍તકના ગુજરાતના ૧૬.૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્‍પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્‍યુ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ૮૯૦૭ આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્‍યા હતા. વડોદરામાં ૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિ શક્‍તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનું પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું છે. આ પહેલા ૨૮ મેના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાજકોટના આટકોટમાં ૪૦ કરોડના ખર્ચે બનેલી અદ્યતન માતુશ્રી કે.ડી.પી. મલ્‍ટિસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલનું અને ૧૭૫ કરોડના ખર્ચે કલોલમાં ઈફ્‌કો નિર્મિત નેનો યુરિયા (લિક્‍વિડ) પ્‍લાન્‍ટનું ઉદ્દઘાટન કર્યું હતું.

આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી ૧૮થી ૨૦ એપ્રિલ એમ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્‍યા હતા ત્‍યારે પણ ગુજરાતને ૨૫ હજાર કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ આપી હતી. તેઓએ બનાસકાંઠા જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાસડેરીના બીજા સંકૂલનું, તેમજ પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્‍ટ યુનિટ તથા દૂધવાણી કોમ્‍યુનિટી રેડિયો સ્‍ટેશનનું લોકાર્પણ કર્યુ હતું. જામનગરના ગોરધનપર પાસે નિર્માણ પામનારા ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશ્નલ મેડિસિનનો શિલાન્‍યાસ અને ગાંધીનગરમાં ગ્‍લોબલ આયુષ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ઈનોવેશન સમિટ-૨૦૨૨નું ઉદ્‍દ્યાટન કર્યું હતું. ખાસ કરીને નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૦મી એપ્રિલે દાહોદ જિલ્લાના નાગરિકોને ૧૭૬૭.૨૨ કરોડનાં વિવિધ વિકાસકાર્યોની ભેટ ધરી હતી તેમજ ૬૧૧.૯૯ કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સ્‍માર્ટસિટી દાહોદમાં ૧૭૪.૫૫ કરોડના સાત નવા પ્રોજેક્‍ટનો પ્રારંભ અને ૪૩૭.૨૪ કરોડનાં વિકાસકાર્યોનો પણ જિલ્લામાં પ્રારંભ કરાવ્‍યો હતો જેમાં જળસંચયનાં કામો, વિવિધ જૂથ પાણીપુરવઠા યોજનાઓ, સબસ્‍ટેશન, ઓકિસજન પ્‍લાન્‍ટ, મલ્‍ટીસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ તેમજ નવા મેડિકલ કોલેજ સંકુલ સાથે નવા રહેણાક આવાસ સહિતનાં કાર્યોનો સમાવેશ થાય છે. તેમ અંતમાં જણાવાયું હતું.

(3:35 pm IST)