Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પ્રકાશભાઇ વાંકને અંજલી રૂપે ફળાઉ રોપ વિતરણ

મોરબી, માળિયા, જોડિયાના ૧૧ ગામોમાં ૪૦૦૦ કલમી રોપનું અષાઢી બીજથી વિતરણ

તસ્વીરમાં ‘અકિલા’ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વી.ડી.બાલા, જયેશભાઇ વાંક, પ્રતાપભાઇ કુંભરવાડિયા, રાયધનભાઇ બાલા, અર્જુનભાઇ ડાંગર નજરે પડે છે.

રાજકોટ,તા. ૨૦: રાજકોટના સેવાભાવી પોલીસ કર્મચારી પ્રકાશભાઇ વાંકને શ્રધ્ધાંજલી આપવા પર્યાવરણ સેવાનું વિશિષ્ટ આયોજન કરાયું છે. અંતરિયાળ ૧૧ ગામોમાં ૪૦૦૦ ફળાઉ રોપાનું વિતરણ વિનામૂલ્યે કરાશે.

સ્વ. પ્રકાશભાઇ ખૂબ સેવાભાવી હતા. સાધુ-સંતોની સેવા કરવા ઉપરાંત વૃક્ષારોપણ અને ઉછેરના પણ શોખીન હતા. તેઓએ વિવિધ આશ્રમોમાં ૫૦૦૦ વૃક્ષો ઉછેર્યા હતા.

નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા  સ્વ. પ્રકાશભાઇ વાંક ને શ્રદ્ઘાંજલિ આપવા વિનામૂલ્યે રોપ વિતરણ કરવા આયોજન કરાયું છે.  સ્વ. પ્રકાશભાઈ વાંક (ફડસર, રાજકોટ) એ તેની જિંદગી દરમિયાન ૫૦૦૦ વૃક્ષો નું વિનામૂલ્યે વિતરણ કરી સારી રીતે તેનું જતન થાય તેવા પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરેલ છે, તેને વૃક્ષો ખૂબ ગમતા, તે દર વર્ષે ચોમાશા માં વેચાતી રોપા લઈ વિવિધ જગ્યાઓ માં જઈ વિનામૂલ્યે આપી આવતા.

 તે આ ફાની દુનિયા છોડી જતાં રહ્યા તેને શ્રદ્ઘાંજલી ના રૂપ માં આપણે કલમી રોપાઓ (કેસર આંબા, કાલીપતિ ચીકુ, નાળિયેરી) નું વિનામૂલ્યે વિતરણ કરવાના છીએ ઉપરાંત દેસી કુળ ના રોપાઓ જેવા કે લીંબુ, બોરસલી, ગુંદા, સીંગાપુર ચેરી, ફણસ, ફાલસા, જામફળ, સીતાફળ આમ કુલ ૪૦૦૦ રોપાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે.

મોરબી, માળીયા-મિયાણા અને જોડિયા તાલુકા ના ગામો (ફડસર, બેલા, જામદૂધઈ, કોઠારીયા, માવનું ગામ, કુંતાશી, ખીરસરા, દેવગઢ, સોલંકી નગર, ખાખરડા અને જાજાસર) કે જે વરસાદ આધારિત છે ત્યાં કલમી રોપા અને દેસી કુલ ના રોપા નું વિનામૂલ્યે વિતરણ કરવા થી લોકો ફળિયા માં વૃક્ષો વાવી તેનું સારી રીતે જતન કરી શકશે, દરેક ગામ દીઠ ૨ યુવાનો પોતાના ગામ ના ફળિયા માં સારી રીતે વૃક્ષો ઉછેરે તેના માટે માર્ગદર્શન આપસે.

પ્રકાશભાઇ વાંકના સગા, સ્નેહીઓ, મિત્રો અને ચાહકો દ્વારા થયેલ લોકફાળા થી આ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું  આયોજન થયું છે. રોપ વિતરણની શરૂઆત તારીખ ૦૧/૦૭/૨૦૨૨ (અષાઢી બીજ)ના રોજ ફડસર થી કરવામા આવશે. તેમ વી.ડી.બાલા મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮ની યાદીમાં જણાવાયું છે.

(4:44 pm IST)