Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની દયાજનક હાલત : મહિને પોણા બે લાખની પગારવાળા રજીસ્‍ટ્રારના ઈન્‍ટરવ્‍યુમાં માત્ર બે જ મુરતીયા હાજર

લાયકાત ધરાવતા અને કાર્યદક્ષ ૬ ઉમેદવારોએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ઈન્‍ટરવ્‍યુ જ ન આપ્‍યો.. * કાલે પરીક્ષા નિયામકના ઈન્‍ટરવ્‍યુ

રાજકોટ, તા. ૨૦ : સતત વિવાદમાં રહેતી તેમજ શૈક્ષણિક અને પદવીની ગરીમા તળીયે દેખાતી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની હાલત દિન - પ્રતિદિન દયાજનક બની રહી છે. દરરોજ સૂર્યોદય થતાની સાથે જ નવો વિવાદ પ્રકાશમાં આવે છે. પરિણામે અગાઉ એ ગ્રેડથી પ્રકાશિત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી હાલ બી ગ્રેડની બની ગઈ છે. તેની સમાજમાં  અસર પડી છે.
આજે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સર્વોચ્‍ચ વહીવટી પદ, કુલસચિવ (રજીસ્‍ટાર) પદના ઈન્‍ટરવ્‍યુ ગોઠવાયા હતા. કુલ ૮ ઉમેદવારોએ ઈન્‍ટરવ્‍યુ માટે અરજી કરી હતી. આજે બપોરે ૧ વાગ્‍યા સુધીમાં માત્ર બે જ મુરતીયાઓ મહિને પોણા બે લાખના પગારવાળી રજીસ્‍ટારના પદ માટે ઈન્‍ટરવ્‍યુ આપવા આવ્‍યા હતા. આજે બે ઉમેદવારો શ્રી ધડુક અને શ્રી રૂપારેલીયાએ રજીસ્‍ટાર પદના ઈન્‍ટરવ્‍યુ આપ્‍યા હતા.
મહિને પોણા બે લાખનો પગાર તેમજ માભાદાર નોકરી માટે અન્‍ય છ ઉમેદવારોએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં રજીસ્‍ટાર પદ માટે ઈન્‍ટરવ્‍યુ જ ન આપતા સૌ કોઈ ચોંકી ઉઠયા હતા. પ્રતિષ્‍ઠિત નોકરી માટે સૌરાષ્‍ટ્ર તેમજ અન્‍ય યુનિવર્સિટીના અધિકારીઓએ પણ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કામ ઓછુ અને વિવાદ વધુ તેમજ રાજકીય દૃષ્‍ટિકોણથી લેવાતા નિર્ણયો અને જવાબદારીની ફેંકાફેંકી સહિતના અનેક પ્રશ્નોને લઈને મોટા ભાગના ૬ કાર્યદક્ષ અધિકારીઓએ ઈન્‍ટરવ્‍યુ આપવાનું જ ટાળ્‍યુ છે.
આજે લેવાયેલા ઈન્‍ટરવ્‍યુમાં પસંદગી પામનાર ઉમેદવારનું નામ સીલ બંધ કવરમાં રાજય સરકારને મોકલવામાં આવશે. જયાં તેના સર્ટીફીકેટ અનુભવ સહિતના મુદ્દે ચકાસણી થયા બાદ સત્તાવાર જાહેરાત થશે.  આવતીકાલે પરીક્ષા નિયામકના ઈન્‍ટરવ્‍યુ ગોઠવાયા છે.

 

(5:00 pm IST)