Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ખાલી વાયદાઓથી અચ્‍છે દિન નથી આવતા-મોંઘવારીમાં સામાન્‍ય વર્ગ હેરાનઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ર૦: જસદણનાં પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયા (મો. ૯૮ર૪ ૩ર૪૯૦) એ જણાવ્‍યું છે કે, નવસારીના ખુડવેલના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ અમે ચૂંટણી જીતવા કે મત મેળવવા માટે નહીં પરંતુ લોકોનું ભલું કરવા નીકળ્‍યા છીએ. છેવાડાના માણસની ચિંતા એ જ અમારા સંસ્‍કાર કે સંકલ્‍પ હોવાની વાત કરેલી. આદિવાસીના વિકાસની અવગણના બાબતે કોંગ્રેસ પ્રત્‍યે એલર્જી હોવાથી ચાબખા મારવાનું ચુકયા નથી. ચૂંટણીના નજીકના સમયે ઘણાં વરસો પછી આદિવાસી વિસ્‍તારના લોકોનું જીવન ધોરણ સુધારવા માટે વિકાસ કાર્યો થાય એ સારી આવકાર દાયક બાબત છે.

ચૂંટણી જીતવા કે મત મેળવવાની લાલસા નથી તો શા માટે ગુજરાતમાં ભાજપ સરકારની બહુમતી છે છતાં કયા પ્રકારની મજબૂરી છે કે કોંગ્રેસના ધારાસભ્‍યો અને હોદેદારોના રાજીનામા અપાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવે છે. વડોદરામાં મહિલા સંમેલન માટે લાખોની સંખ્‍યામાં મહિલાઓને એકત્રીત કરવા માટે કાર્યકરોને ટાર્ગેટ આપવામાં આવ્‍યા છે તેમ જ વંદે ગુજરાત યાત્રાનું આયોજન કરેલ છે આ બધા કાર્યક્રમો ચૂંટણી લક્ષી છે એ સાબિત થાય છે.

જનધન યોજના, નોટબંધી, ભ્રષ્‍ટાચાર નાબુદી, મોંઘવારી, ઉજજવલા યોજના, બેરોજગારી તેમ જ અન્‍ય પ્રશ્‍નો બાબતે અમલવારીમાં કેટલી સફળતા મળી છે એ સૌ કોઇ જાણે છે સામાન્‍ય વર્ગના લોકો મોંઘવારીના લીધે હેરાન પરેશાન છે. ખાલી વાયદા, વચનો અને યોજનાઓની જાહેરાતથી સબકે અચ્‍છે દિન આવી જતાં નથી. ઉદ્યોગો, બુલેટ ટ્રેન, એરપોર્ટ વિગેરે વિકાસના કામો જરૂરી છે. પરંતુ છેવાડાના માનવીનો પણ વિકાસ થાય એ બાબતને અગ્રિમતા આપવી જોઇએ. દરેક ધારાસભ્‍યનુે ૧ાા કરોડની ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે છતાં રાજયની મહાનગરપાલિકા વિસ્‍તારના ધારાસભ્‍યોને ર કરોડની ગ્રાન્‍ટ આપવાનો જે નિર્ણય કરવામાં આવ્‍યો છે તેને ચૂંટણીલક્ષી કહેવા કે નહિં. લોકોને કાંઇ ખબર પડતી નથી એવું માનવાને કોઇ કારણ નથી તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(5:01 pm IST)