Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાજકોટ શહેર-જીલ્લાના કારખાનાઓમાં ચોરી કરતી તસ્કર ત્રિપુટી પકડાઇ : ૯ બાઇક પણ ચોર્યા'તા

પકડાયેલ વિક્રમ ઉર્ફે વિકુ રાજકોટની ત્રણ ઘરફોડ તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થવાના ગુન્હામાં વોન્ટેડ હતોઃ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહીલ તથા ટીમને સફળતા : ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રેકી કરી ચોરાઉ બાઇક ઉપર જઇ ચોરી કરી બાદમાં બાઇક રેઢુ મુકી દેતા

તસ્વીરમાં પકડાયેલ તસ્કર ત્રિપુટી (નીચે બેઠેલ) સાથે રૂરલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૦: રાજકોટ શહેર તથા જીલ્લાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનાઓમાં ચોરી કરી તસ્કર ત્રિપુટીને રૂરલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી પુછપરછ કરતા ૯ બાઇક સહીત ૧૪ ચોરીનો ભેદ ખુલ્યો હતો.

જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવાની રૂરલ એસપી બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.આર.ગોહીલ તથા પીએસઆઇ એસ.જે.રાણાની ટીમ પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બહોરાને મળેલ બાતમી આધારે ગોંડલના ભરૂડી ગામના પાટીયા પાસેથી ચોરાઉ બાઇક અને ચોરાઉ મોબાઇલ સાથે નિકળેલ વિક્રમ ઉર્ફે વિકુ મચ્છાભાઇ રામભાઇ વાજેલીયા (રહે. હાલ ભચાઉ, મૂળ ગામ બગદળીયા, તા. કોટડા સાંગાણી),  દિનેશ બાવનજીભાઇ ચારોલીયા (રહે. રણુજા ચોકડી, રાજકોટ) તથા જીગા વલ્લભભાઇ સાડમીયા (રહે. પુનીતનગરના પાણીના ટાંકા પાસે રાજકોટ)ને ઝડપી લીધા હતા અને ઉકત ત્રણેય પાસેથી બે બાઇક, એલઇડી ટીવી, મોબાઇલ ફોન, ચાંદીનો ચેઇન, બાઇકના સ્પેર પાર્ટસ તથા લાકડાના હાથાવાળી છરી સહીત એક લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો.  પકડાયેલ તસ્કર ત્રિપુટીએ ૧ મહિના પુર્વે રીબડા ચોકડી આગળ ખોડીયાર હોટલના પાછળના ભાગે આવેલ કારખાનામાંથી પ મોબાઇલની ચોરી કરી અને આગળના એક કારખાનામાંથી બાઇકની ચોરી કરેલ હતી. ૧ર દિવસ પુર્વે પીપલાણા વિસ્તારના કારખાનામાંથી મોબાઇલ ફોન તથા રોકડની ચોરી કરી હતી. એક મહિના પુર્વે શાપર પડવલા રોડ પર આવેલ કારખાનામાંથી એલઇડી ટીવી તથા મોબાઇલ ફોનની ચોરી કરી હતી. બે મહિના પુર્વે કોઠારીયા સોલવન્ટના કારખાનામાંથી તથા એક મહિના પુર્વે લોઠડાના કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરી હતી. આ તસ્કર ત્રિપુટીએ રાજકોટ શહેર તથા જીલ્લાના કારખાના વિસ્તારમાંથી અલગ-અલગ ૯ બાઇકની ચોરી કર્યાની કબુલાત આપી છે.  તસ્કર ત્રિપુટી બાઇકની ચોરી કરી ચોરાઉ બાઇક ઉપર જઇ કારખાનામાં ચોરી કરતા અને બાદમાં બાઇક રેઢુ મુકી દેતા હતા.

પકડાયેલ તસ્કર ત્રિપુટી પૈકી વિક્રમ ઉર્ફે વિકુ રાજકોટની ૩ ચોરીના ગુન્હામાં વોન્ટેડ છે. તેમજ ચોરીના ગુન્હામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડતા તે તથા તેના સાગ્રીત હરસુખ ઉર્ફે પોપટનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા બંન્નેને રાજકોટ સિવિલ હોસ્પીટલના કોવીડ વોર્ડમાં દાખલ કરાયેલ. જયાંથી બન્ને પોલીસ જાપ્તામાંથી નાસી છુટતા તે ગુન્હામાં પણ વોન્ટેડ છે.

આ તસ્કર ત્રિપુટીને ઝડપી લેવામાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ મહેશભાઇ જાની, ભાવેશભાઇ મકવાણા, ડ્રાઇવર એએસઆઇ અમુભાઇ વિરડા તથા પોલીસ કોન્સ્ટેબલ સાહીલભાઇ ખોખર સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(12:54 pm IST)