Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ઘરવિહોણા ૭૬ લોકોનું રેનબસેરા ખાતે સ્‍થળાંતર

મહાનગરપાલિકા દ્વારા

રાજકોટ તા. ૨૦ : મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્‍યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં ૬ આશ્રયસ્‍થાન (રેનબસેરા) કાર્યરત છે.

જેમાં શાળા નં. ૧૦ હોસ્‍પિટલ ચોક, ડોરમેટરી, ભોમેશ્વર વાડી શેરી નં. ૨, બેડી નાકા આજી નદીના કાંઠે, મરચા પીઠ જુના ઢોર ડબ્‍બા (ષાી વિભાગ), આજીડેમ ચોકડી જુના જકાતનાકા તથા રામનગર આજી વસાહત ૮૦ ફુટ રોડ ખાતે કાર્યરત છે.

આશ્રયસ્‍થાનોનો લાભ વધુમાં વધુ ઘરવિહોણા લોકો મેળવે તે માટે તા.૧ તથા તા.૧૯ના રોજ શહેરના સોરઠીયા વાડી, જીલ્લા ગાર્ડન, વેલનાથ પુલ નીચે, મોરબી રોડ, આજી ડેમ ચોકડી થી ભાવનગર રોડ તરફ, રવિવાર બજાર પાસે, રેસકોર્ષ રિંગ રોડ, ગ્રીનલેન્‍ડ ચોક આસપાસનો વિસ્‍તાર વગેરે જગ્‍યાએ ડ્રાઈવ કરવામાં આવેલ. જેમાં ૭૬ ઘરવિહોણા લોકોને રેનબસેરા અંગે માહિતી પ્રદાન કરવામાં આવી તથા આશ્રયસ્‍થાન ખાતે સ્‍થળાંતર કરવામાં આવેલ છે.

આ ડ્રાઈવમાં આસી. મેનેજર  ડી. એમ. ડોડીયા, કેપ્‍ટન પી. જે. બારિયા, પ્રોજેક્‍ટ શાખાના સીનીયર કોમ્‍યુનીટી ઓર્ગેનાઈઝર આર.એ. મુનિયા તથા વોર્ડના વોર્ડ ઓફીસરો તેમજ સંચાલક સંસ્‍થાઓ જોડાયેલ હતી.

(3:32 pm IST)