Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જીવનમાં જરૂરીયાતના ક્ષેત્રે પાળ બાંધવી રહી : પૂ. પદ્મદર્શન વિ.મ.

ગિરનાર દર્શન યાત્રીક ભવન-જુનાગઢ ખાતે ચાતુર્માસ આરાધના

રાજકોટ તા. ર૦ : ગૌરવવંતા ગિરનારતીર્થની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મહારાજ અને પૂ.પંન્‍યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજની પાવન નિશ્રામાં ચાતુર્માસની આરાધના ચાલી રહી છે.પૂ.પંન્‍યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજે સત્‍સંગીઓ સમક્ષ વિચાર સંગોષ્‍ઠિ દરમ્‍યાન કહ્યું કે, ‘નાનુ કુટુંબ, સુખી કુટુંબ' સરકારે બનાવેલું સૂત્ર છે, તો ‘ગુણીકુટુંબ, સુખી કુટુંબ'એ સંતોએ બનાવેલું સૂત્ર છે, અને ‘જરૂરીયાત ઓછી, પ્રસન્‍નતા વધુ' આ સૂત્ર અનંત જ્ઞાનીઓએ બતાવેલું સૂત્ર છે.

દરેકને સુખી થવું છે. સત્તા, સંપત્તિ અને સાધનોના ખડકલાથી સહુને સજ્જ થવું છે. જેની પાસે ઘણુ હોય છે એ સુખી નથી હોતો પણ ઘણા બધા વિના જે ચલાવી શકે છે એ જ સુખી હોય છે ઘરને ગોડાઉન બનાવવામાં આજનો માણસ માહીર બન્‍યો છે કયાં સુધી ‘લાવ લાવ' કરશો? કયાંક અનેકયારેક તો અટકવું જ પડશે.જો નહીં અટકશો તો જીંદગી પાયમાલ થઇ જશે.

તળાવને કે સરોવરને પાળ હોય છે. નદીને બે કાંઠા હોય છે એમ જીવનમાં જરૂરિયાતના ક્ષેત્રે પાળ બાંધવી રહી કેટલું જોઇએ છે ? કેટલુ મળ્‍યું છે ? હોસ્‍પિટલના ખર્ચા બંધ કરવા હોય તો હોટલ અભક્ષ્ય અને અપેયનો ત્‍યાગ કરો. એક શાકથી  ચાલતુ હોય તો બે-ત્રણ શાકના ટેસડા શા માટે ? ઘરમાં જો ખુરશીથી ચાલતુ હોય તો સોફાસેટ શા માટે વસાવો છો ? પથારીમાં આરામ થઇ શકતો હોય તો ડનલોપ-પીલોની ગાદીઓ શા માટે લાવો છો?

જે મળ્‍યું છે તે ઓછુ જ લાગે છે, જે નથી મળ્‍યું એ મેળવવા મન સતત લાલાચિત બન્‍યું છે અસંતોષ અને અતૃપ્‍તિની આગમાં જીવન સ્‍વાહા થતુ જાય છે. કુટુંબ મોટુ હોય છતા પારસ્‍પરિક પ્રેમ લાગણી અને સ્‍નેહના સેતુથી સહુ બંધાયેલા હોય તો સદા સુખી હોય છે. જયા ગુણોની સ્‍પર્ધા ચાલતી હોય ત્‍યાં પરિવાર સદા મસ્‍ત હોય, છે અત્‍યારે તો દોષદર્શનની સ્‍પર્ધા ચાલી રહી છે. જેને ‘કાકવૃત્તિ' કહેવામાં આવે છે. આપણે કાગડા નહીં પણ કોયલ બનવાનું છે.પ્રત્‍યેક વ્‍યકિતમાં ગુણો પડેલા છે પણ એ માટે દ્રષ્‍ટિ બદલવી પડશે.

(3:36 pm IST)