Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કલેકટર તંત્રે બીનખેતીની ૧૨૫થી વધુ ફાઈલો રીજેકટ કરતા રેવન્યુ બાર એસો.માં દેકારો : સીએમ તથા પાટીલને રજૂઆતો થશે

અશાંતધારામાં પણ ૧૦૦થી ૧૫૦ ફાઈલો પેન્ડીંગ હોવાનો આરોપઃ અરજદારોમાં દેકારો : કોઈપણ સાંભળ્યા વગર કે પૂર્તતાનો ચાન્સ આપ્યા વગર રીજેકટ કરાઈ છેઃ રેવન્યુ બારના પ્રમુખનો આક્ષેપ કાલે મહેસુલ મંત્રીની ૧૬ જેટલા મુદ્દા અંગે તમામ કલેકટરો સાથે પ્રથમ વીસી, બીનખેતી મહત્વનો મુદ્દો, અશાંત ધારા અંગે પણ સમીક્ષા

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ છેલ્લા ૨ થી ૩ મહિનામાં કડક અને પ્રમાણિક નિર્ણય લઈ બીનખેતીની ૨૫૦થી ૩૦૦ જેટલી ફાઈલોમાંથી ૧૨૫થી ૧૫૦ જેટલી ફાઈલો દફતરે એટલે કે રીજેકટ કરતા રાજકોટ રેવન્યુ બાર એસો. અને અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો છે.

દરમિયાન આ મુદ્દે આજે રાજકોટ રેવન્યુ બાર એસો.ના પ્રમુખ શ્રી ચંદ્રકાંત પટેલે 'અકિલા'ને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે કલેકટરશ્રીએ ભલે ફાઈલો રીજેકટ કરી પરંતુ અરજદારોને રીજેકટ કરતા પહેલા સાંભળવા જોઈએ, કવેરી સોલ કરવાનો કે કોઈપણ પૂર્તતા પુરી કરવાનો ચાન્સ તંત્રે આપવો જોઈએ.. આ તો ચાન્સ આપ્યા વગર રીજેકટ કરાઈ છે.ઙ્ગઙ્ગ

શ્રી ચંદ્રકાંત પટેલે 'અકિલા'ને જણાવ્યુ હતુ કે, આ બાબતે અમે ૨ થી ૩ દિવસમાં ટાઈમ આપે તો રાજ્યના મુખ્યમંત્રીને તથા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલને લેખીતમાં રજૂઆત કરવાના છીએ.

તેમણે જણાવેલ કે અશાંતધારામાં પણ આ જ હાલત છે, તેમા પણ હિન્દુ-હિન્દુ, મુસ્લીમ-મુસ્લીમ અને હિન્દુ-મુસ્લીમની ૧૦૦થી ૧૫૦ ફાઈલો ૩ થી ૪ મહિનાથી પેન્ડીંગ છે. જમીન, મકાન, પ્લોટ, ફલેટ વિગેરે ખરીદ કે વેચાણ કરનાર વર્ગ ભારે હેરાન-પરેશાન થઈ ગયા છે.

દરમિયાન આવતીકાલે સવારે ૧૧ વાગ્યે રાજ્યના મહેસુલ મંત્રીની રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે ૧૬ જેટલા મહેસુલી મુદ્દા અંગે ખાસ વીસી યોજાઈ છે. જેમાં બીનખેતી કેસોનો નિકાલ, અશાંતધારો, તુમાર, રેશનીંગ કામગીરી, ઓનલાઈન તમામ કામગીરી, દર શુક્ર-શનિ યોજવાના થતા સેવા સેતુ સહિતના મુદ્દે ખાસ સમીક્ષા થશે. તમામ પ્રાંતને પણ વીસીમાં બોલાવાયા છે. રાજકોટ કલેકટર કચેરીમાં વીસી અંગે ૨ દિ'થી તૈયારીઓ ચાલી રહી છે.

(3:21 pm IST)