Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મુમુક્ષુ રાજુભાઇ શાહનું રવિવારે પૂ. આ. યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં અભિવાદન

મહાવીર પંથે પ્રયાણ કરનાર સમસ્ત મહાજનના ટ્રસ્ટી, જીવદયાપ્રેમી : ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળના ટ્રસ્ટીઓ-સંચાલકો હાજર રહેશેઃ સંમેલન યોજાશેઃ જૈન ભવન ખાતે આયોજન

'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલ કુમારપાળભાઇ શાહ, વિમલભાઇ શેઠ, અમિતભાઇ દેસાઇ, કેતન સંઘવી, પરિમલભાઇ મહેતાએ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૦ :.. વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જાનવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા 'સમસ્ત મહાજન'ના ટ્રસ્ટી, જીવદયાના અનેક કાર્યોને સાકાર કરનારા, લાખો જીવોની રક્ષા અને સંભાળ કરી ચૂકેલા યોગેશભાઇ (રાજુભાઇ) અમૃતલાલ શાહ સઘળાં'ય સંસારનો ત્યાગ કરી સંયમ પંથે સંન્યસ્ત થવા જઇ રહ્યા છે. રાજકોટનાં જૈન અગ્રણી, સમસ્ત મહાજન રાજકોટ શાખાના સંચાલક, જીવદયાપ્રેમી તથા ધર્માનુરાગી રાજૂભાઇ અમૃતલાલ શાહ ભગવાન મહાવીર સ્વામીના પંથે જવાનો નિર્ણય કરતાં સંઘમાં ધર્મોલ્લાસ છવાયો છે. મુમુક્ષુ રાજુભાઇ શાહ વર્ષોથી જીવદયાની પ્રવૃતિમાં સંકળાયેલ છે. મોરબીમાં પાંજરાપોળની જવાબદારી તેમણે સંભાળી હતી અને તેના વિકાસમાં તેમની ભૂમિકા પ્રશંસનીય રહી હતી.

તેઓ ઘણા વર્ષોથી જિનાજ્ઞાનુસાર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. દૈનિક આરાધના તેમનો જીવનક્રમ બન્યો હતો. અબોલ જીવા માટે તેમણે કરેલા કાર્યને અભિનંદવા, તેમનો સંન્યાસ માર્ગ નિષ્કંટક બને તેવી શુભકામના પાઠવવા પૂ. આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન ઉપસ્થિતિમાં તથા પ.પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત તિર્થભદ્ર સુરીશ્વરજી મહારાજના આશીર્વાદ સાથે અભિવાદન સમારોહનું અને ગૌશાળા- પાંજરાપોળોના સંમેલનનું તા. ર૪ રવિવારે જૈન ભવન, ર૧-ન્યુ જાગનાથ પ્લોટ, ડો. યાજ્ઞિક રોડ, ખાતે સવારે ૧૦ થી બપોરે ૧ર-૩૦ કલાક દરમ્યાન આયોજન કરાયેલ ેછે. આ અંગે સમારોહના સમગ્ર આયોજન અંગે વસંતબેન વાડીલાલ વસા પરીવાર (ધોરાજીવાળા)નો ઋણ સ્વીકાર કર્યો છે.

આ પ્રસંગે રામભાઇ મોકરીયા (સાંસદશ્રી, રાજયસભા), ડો. પ્રદીપભાઇ ડવ (મેયર), કમલેશભાઇ મીરાણી (પ્રમુખ શહેર ભાજપ), ગીરીશભાઇ શાહ (મેનેજીંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન), જયોતિન્દ્રમામા મહેતા (સહકારી અગ્રણી), ડો.   દર્શીતાબેન શાહ (ડેપ્યુટી મેયરશ્રી), ચંદ્રકાંતભાઇ શેઠ (પ્રમુખ, રોયલ પાર્ક જૈન સંઘ), જીતુભાઇ દેસાઇ (પ્રમુખ, દાદાવાડી સંઘ), હરેશભાઇ વોરા (પ્રમુખ, સ્થાનકવાસી જૈન મોટા સંઘ), દિનેશભાઇ પારેખ (પ્રમુખ, જાગનાથ જૈન સંઘ), અમીનેષભાઇ રૂપાણી (જૈન શ્રેષ્ઠી), એડવોકેટ દિલેશભાઇ શાહ (જૈન શ્રેષ્ઠી), વિમલભાઇ શેઠ (વિહાર સેવા ગ્રુપ કેપ્ટન, રાજકોટ) સહિતનાં અનેકો શ્રેષ્ઠીઓ તેમજ ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળોનાં ટ્રસ્ટીઓ, સંચાલકો ખાસ ઉપસ્થિત રહેશે.

અભિવાદન સમારોહની સાથો સાથ યોજાયેલ ગૌશાળા-પાંજરાપોળોનાં સમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃ સ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ -આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌસંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, છોડ વૃક્ષ ન બને ત્યાં સુધી જાળવી, જળસંરક્ષણ, ખેડૂત સમૃધ્ધિ, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક-સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેક મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરાશે. ગૌશાળા સંચાલન તથા વ્યવસ્થાની સંપુર્ણ માહિતી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સમસ્ત મહાજનના ગીરીશભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાત ખાતે રાજુભાઇ શાહ અને સમસ્ત મહાજનની ટીમ દ્વારા ગુજરાતની ૨૪૨ પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે છેલ્લા ૧૦ વર્ષથી અતિ દુષ્કર કાર્ય સમસ્ત મહાજન કરી રહ્યુ છે. સમગ્ર આયોજન અંગે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩), કુમારપાળ શાહ (મો.૯૪૨૬૨ ૧૦૨૨૬), કેતન સંઘવી (મો.૭૭૭૮૯ ૫૨૪૪૮), ધીરેન્દ્ર કાનાબાર (મો.૯૮૨૫૦ ૭૭૩૦૬), રમેશભાઇ ઠક્કર (મો.૯૯૦૯૯ ૭૧૧૧૬), અમીત દેસાઇ (મો.૯૮૨૪૨ ૧૮૧૮૫) તથા પરિમલભાઇ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:42 pm IST)