Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

દરેક શાળામાં કોવીડ કેર કમીટી રચાશે

પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને :કમીટીમાં શાળા સંચાલક, પ્રિન્સીપાલ, વર્ગ શિક્ષક, મેડીકલ પ્રેકટીશ્નરનો સમાવેશ થશેઃ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કારોબારીમાં નિર્ણય

રાજકોટ, તા., ૨૦:  તાજેતરમાં રાજકોટ ખાતે રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કારોબારીની બેઠક યોજાઇ જેમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની દરેક શાળાએ વકરતી કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને તમામ શાળાઓમાં એક કોવિડ કેર કમિટી રચના કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કમિટીમાં સભ્યો તરીકે શાળાના સંચાલક, પ્રિન્સિપાલ, દરેક વર્ગના વર્ગ શિક્ષક, શાળાના સ્પોર્ટસના હેડ, દરેક કલાસના કલાસ રીપ્રેઝન્ટેટિવ અથવા તો મોનિટર, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ૩ થી ૭  વાલીઓ, તેમજ શાળાની આસપાસ જે મેડીકલ પ્રેકટીશનર ડોકટર હોય તો તેને પણ આ કમિટીમાં સભ્ય તરીકે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કમિટીનું કાર્ય શાળામાં આવતા વિદ્યાર્થીઓની કોરોના સમયમાં સાર-સંભાળ અંગેની જાણકારી આપવી, ઉપરાંત કોરોના નિવારણ અંગેના સૂચનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને જરૂર મુજબ કાઉન્સેલિંગ કરવું વગેરે રહેશે. આ કમિટી શાળામાં નિયમિત રીતે મિટિંગનું આયોજન કરી, કોઈ વિદ્યાર્થીઓ કે શિક્ષકોને કોરોના કે તાવ, શરદી, ઉધરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત તેના ઉપર પગલા લેવા, તેમના કુટુંબીજનોને કેવી સાર-સંભાળ લેવી તે અંગે માર્ગદર્શન આપવું, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને નિરાકરણ લાવવા જેવી મહત્વની કામગીરી કરવાની રહેશે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.  વી. મહેતાના જણાવ્યા અનુસાર, આ કમિટી, શિક્ષણ વિભાગ દ્વારા સુચવેલ ગાઇડલાઇન, ઉપરાંત તાજેતરમાં રાજકોટ આઇએમએ (ત્પ્ખ્) દ્વારા સૂચવવામાં આવેલ ઓમિક્રોનની ગાઈડલાઈનનું પણ ચુસ્ત રીતે પાલન થાય તે માટે વાલીઓ, વિદ્યાર્થીઓ, અને શિક્ષકોને સમજણ આપવાનું કાર્ય પણ કરશે. આ કમિટી રચવાનો એક અન્ય હેતુ એ પણ છે કે કોરોનાના નવા વેરિયન્ટને લઈને જે ભયનો માહોલ ફેલાયો છે, તેને લીધે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર અવળી અસર ન થાય, તેમનું આરોગ્ય પણ ન જોખમાય અને શિક્ષણ કાર્ય પણ સુચારુ રુપથી ચાલે તે જોવાનું કામ આ કોવિડ કેર કમિટીનું રહેશે. આ ઉપરાંત જે હાલની કોરોનાની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, તેમાં અત્યાર સુધી વિદ્યાર્થીઓના જે કેસ સામે આવ્યા છે તેમાં તેઓ પારિવારીક પ્રસંગોમાં કે તહેવારોમાં બહાર ફરવા ગયા હોય તેવી હિસ્ટ્રી જણાય છે. વાલીઓને પણ આ અંગે જાગૃત કરવા આ કોવિડ કેર કમિટીઓને મંડળ  દ્વારા ભલામણ કરવામાં આવે છે.

આ કારોબારી બેઠકમાં કોર કમિટીના સભ્યો જેમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી.વી મહેતા, મહામંત્રી શ્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી શ્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર શ્રી જયદીપભાઇ જલુ, એફ.આર.સી કમિટીના સભ્ય શ્રી અજયભાઈ પટેલ, તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના દરેક ઝોનના પ્રમુખશ્રી, તેમજ ઉપપ્રમુખશ્રીઓ અને કારોબારી સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહી કોરોનાની આ પરિસ્થિતિને પહોંચી વળવા, કોવિડ કેર કમિટીની રચના કરવાનો ઠરાવ કર્યો હતો.

(11:48 am IST)