Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ક્રપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરાયેલાઓનો આંક સેંકડોમાં પહોંચશેઃ બે કોૈભાંડી ૧૨ દિ'ના રિમાન્ડ પર

ઉદયપુરમાં મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ યોજી ગુજરાતભરના રોકાણકારોને જાળમાં ફસાવ્યા : એસીપી ડી.વી. બસિયાની રાહબરીૅં પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઇ બી.ટી. ગોહિલ, યોગેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યોઃ ૩૮.૩૦ લાખની ઠગાઇનો આંકડો હાલમાં એક કરોડ આસપાસ પહોંચ્યો : ઉદયપુરની હોટેલમાં યોજાયેલા લોન્ચીંગ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ રોકાણકારો હાજર હતાં: જેમાં રાજકોટના ૬૦ જેટલા રોકાણકારો સામેલ થયા હતાં : બ્રિજેશ પહેલા શેર બ્રોકીંગનું કાયદેસરનું કામ કરતોઃ માલદાર થવા ધવલની મદદથી WWW.Cybertron.live વેબસાઇટ ઉભી કરી જાળ બીછાવીઃ બ્રિજેશ અને કિરણ રિમાન્ડ પરઃ ધવલ લહેરી અને હિતેષ ગુપ્તા દુબઇ ભાગી ગયાનું રટણ

રાજકોટ તા. ૨૦: ઓનલાઇન છેતરપીંડીના અનેક નુસ્ખાઓ વચ્ચે ઓનલાઇન ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને રોકાણકારોને લલચાવી છેતરી લેવાના કોૈભાંડમાં રાજકોટના એડવોકેટ સહિતના સાથે રૂ. ૩૮.૩૦ લાખની છેતરપીંડી થયાની ફરિયાદમાં ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી સુરતના સુત્રધાર સહિત બે શખ્સને દબોચી લઇ કોર્ટમાં રજૂ કરતાં ૧૨ દિવસના રિમાન્ડ મળતાં વિશેષ તપાસ આગળ ધપાવાઇ છે. બીજા બે આરોપી દુબઇ ભાગી ગયાનું બહાર આવ્યું છે. છેતરાયેલાઓનો આંકડો સેંકડોની સંખ્યામાં પહોંચવાની અને કોૈભાડમાં કરોડોની ઠગાઇ થયાનું ખુલવાની શકયતા છે.

રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ-૨ રવિકુંજ ઉમિયા પાર્ક ચોક ખાતે રહેતાં એડવોકેટ મહેન્દ્રભાઇ દાદભાઇ વાળા (ઉ.૪૮)ની ફરિયાદ પરથી સુરતના ચાર સહિત તપાસમાં ખુલે તેની સામે આઇપીસી  ૪૦૬, ૪૨૦, ૧૧૪ તથા ગુજરાત પ્રોેટેકશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્સીયલ ઇસ્ટાબ્લીશમેન્ટસ) એકટ ૨૦૦૩ની કલમ ૩ મુજબ બ્રીજેશ જગદીશચંદ્ર ગડીયાલી (કોળી) (રહે. ડી-૧૨૦૨, હેપ્પી રેસિડેન્સી, વેશુ સુરત) તથા કિરણકુમાર વનમાળીદાસ પંચાસરા (સુથાર)  (ઉ.૪૧-રહે. જે-૧૦૧, અંબિકા હાઇટ્સ દેવધ રોડ ગોડાદરા સુરત મેટ્રોસીટીની બાજુમાં) તથા ધવલ લહેરી અને હિતેષ ગુપ્તા સામે ગુનો નોંધી હાલ બ્રિજેશ તથા કિરણને દબોચી લેવાયા છે.

  ફરિયાદમાં જણાવાયું છે કે એક વર્ષ પહેલા બ્રિજેશ ગડીયાલી સહિતની ટોળકીએ  ઓનલાઈન સાયબરટ્રોન નામની વેબસાઇટ ચાલુ કરી તેના આધારે અલગ અલગ લોકોને રોકાણ કરવા લલચાવ્યા હતા઼. બાદમાં મેગાટ્રોન લોન્ચીંગનો રાજસ્થાના ઉદયપુર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજી રોકાણકારોને બોલાવી પૈસા કમાવવાની લાલચ આપી હતી. તેઓએ ઓનલાઇન WWW.Cybertron.live માં સ્માર્ટ કોન્ટ્રાકટ બનાવી ફરીયાદી તથા અન્ય સાહેદોને સ્માર્ટ કોન્ટ્રાકટ આધારે ટ્રોનમાં રોકાણ કરવા જણાવી અને તેમાં રોકાણ કરવાથી ૧૫૦ દિવસ સુધી બે ટકા વળતર રોજે રોજ મળશે તેવી લોભામણી સ્કીમ આપી ફરીયાદી તથા સાહેદોને અલગ અલગ સમયે અલગ અલગ રકમ રોકાણ કરાવી  કુલ રૂ. ૫૨,૨૦,૧૦૦ નું રોકાણ કરાવ્યું હતું.

જેમાંથી ફરીયાદીએ અલગ અલગ સમયે રૂપિયા પરત માંગતા જેમાંથી રૂ. ૧૩,૯૦,૦૦૦ પરત અપાયા હતાં. બાકીના રૂ. ૩૮,૩૦,૧૦૦ નું તેમાં રોકાણ હોઇ જેનુ આરોપીઓએ ફરીયાદીના TronLink Pro વોલેટમાં ટ્રોન જમા કરી તેમાં પ્રથમ રોજે રોજ બે ટકા વળતર રૂપે ટ્રોન જમાં કરી બાદ આરોપીઓ પોતે પોતાના મેગાટ્રોન (ક્રીપ્ટો કરન્સી) બહાર પાડવાના હોવાનુ જણાવી તે મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ ઉદયપુર ખાતે યોજી ફરીયાદી તથા અન્ય રોકાણકારોને ટ્રોન તથા મેગાટ્રોનની કિંમત સરખીજ હશે તેવું વચન અને વિશ્વાસ અપાવી અને મેગાટ્રોનમાં ટ્રોન ટ્રાન્સફર કર્યા બાદ તેના વળતર રૂપે ૫૦ ટકા ટ્રોેન તથા ૫૦ ટકા મેગાટ્રોન આપવાનુ વચન અને વિશ્વાસ આપી તમામ રોકાણકારોના ટ્રોન ઓનલાઇન મેગાટ્રોનમાં ફેરવી અને જે મેગાટ્રોનની કિ.રૂ. ૦૦.૦૦૧ થતા ફરીયાદી તથા તમામ રોકાણકારોના રૂપિયા ઓળવી જવાયા હતાં.

મામલો રાજકોટ પોલીસ સુધી પહોંચતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ગુનો દાખલ કરી તપાસ કરવા અને આરોપીઓને શોધી કાઢવા સુચના આપતાં એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. વી.કે.ગઢવી તથા ટીમના પીએસઆઇ બી. ટી. ગોહિલ, હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાએ તપાસ શરૂ કરી સુરતના સુત્રધાર બ્રિજેશ ગડીયાલી તથા કિરણ પંચાસરાને પકડી લઇ કોર્ટમાં રજૂ કરતાં ૧૨ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. બીજા આરોપીઓ ધવલ અને હિતેષ દુબઇ ભાગી ગયાનું ખુલ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બ્રિજેશ અગાઉ શેર બ્રોકીંગનું કાયદેસરનું કામ કરતો હતો. ધવલ લહેરી સાથે સંપર્ક થતાં ધવલ ક્રિપ્ટો કરન્સીનું કામ જાણતો હોઇ તેણે ઓનલાઇન વેબસાઇટ ખોલી કામ કરવાનું કહેતાં બ્રિજેશ, ધવલ, કિરણ અને હિતેષે મળી જાળ બિછાવી હતી. આ ગઠીયાઓની જાળમાં ગુજરાતભરના સેંકડો રોકાણકારો ફસાયાની, છેતરાયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. તેમજ છેતરપીંડીનો આંકડો પણ કરોડ ઉપર પહોંચી ગયો છે. રિમાન્ડ પર રહેલા બંનેની વિશેષ પુછતાછમાં વધુ ધડાકા થવાની શકયતા છે. અગાઉ આરોપી કિરણ વિરૂધ્ધ  મુંબઇમાં પણ ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઇનો ગુનો નોંધાયો હતો.  પકડાયેલ આરોપીઓએ સાહેદોના કેટલા રૂપિયા ઓળવી જઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ છે તે બાબતે તેમજ અન્ય કોઇ રોકાણકારોના રૂપિયા ઓળવી જઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ છે કે કેમ? તેમજ પકડવાના બાકી આરોપીઓ બાબતે પુછતાછ બાકી હોઈ પકડાયેલ આરોપીઓના રિમાન્ડની તજવીજ થઈ રહી છે. ડી.સી.બી. પો.સ્ટે. પો.ઇન્સ. વી.કે.ગઢવી, સ્પેશ્યલ શાખા પો.સબ.ઇન્સ. બી.ટી.ગોહિલ, ડી.સી.બી. પો.સ્ટે. પો.હેઙ.કોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા વધુ તપાસ કરે છે. 

(3:21 pm IST)