Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

તંત્રના તાબોટા સામે સ્કુલવાન ચાલકોમાં રોષ ભભુકયો

હજુ તો ધંધા ચાલુ કર્યાને ૧૫ દિ' થયા ત્યાં જ આરટીઓએ ઓડોડાઇ શરૂ કરી દીધી : કોરોના ગાઇડ લાઇનના નામે વાહનો ડીટઇન કરે છે : સીટી બસ-એસ.ટી.બસ અને સ્કુલની મોટી બસોમાં પણ સંખ્યા મર્યાદા નથી જળવાતી તો તેમની સામે કેમ કોઇ પગલા નહીં? શું નાના ધંધાર્થીઓ જ નજરમાં આવે છે? આવુ જ ચાલ્યુ તો અમે સ્કુલવાનની સેવા આપવાનું જ બંધ કરી દેશુ : સરકાર પાસે છે કોઇ વિકલ્પ?: તંત્ર સહયોગમા રહે તેવી સ્કુલવાન ચાલકોની માંગણી

રાજકોટ તા. ૨૦ : કોરોના ગાઇડ લાઇન જાળવવાના બહાને આર.ટી.ઓ. દ્વારા સ્કુલવાન ડીટેઇન કરવાનું શરૂ કરાતા આવા વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે.

'અકિલા' ખાતે રાજકોટ શહેર સ્કુલવાન એસોસીએશનના આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ કે અમે બાળકોને સ્કુલ તેડવા મુકવા જવાની સેવા ચલાવીએ છીએ. શહેરમાં વેન, ઇકો, રીક્ષા સહીતની અમારી ૩૫૦ થી વધુ સેવાઓ ચાલી રહી છે.

છેલ્લા બે વર્ષથી અમારા ધંધા બંધ હતા. રોજીરોટીનો પ્રશ્ન પેચીદો બન્યો હતો. ત્યારે કોઇ ભાવ પુછવા પણ નહોતુ આવ્યુ અને હવે છેલ્લા પંદરેક દિવસથી શાળાઓ ચાલુ થતા અમારા ઠપ્પ થયેલા ધંધા રોજગારમાં થોડો જીવ આવ્યો છે. પરંતુ હજુ તો સ્કુલવાનોની ગાડી પાટે ચડે તે પહેલા જ આર.ટી.ઓ સહીતના તંત્રવાહકોએ ચેકીંગના બહાને યેનકેન પ્રકારે સ્કુલવાહનોને ટાર્ગેટ બનાવી ડીટેઇન કરવાનું શરૂ કરી દીધુ છે.

સ્કુલવાન ચાલકોએ આક્રોશભેર જણાવ્યુ હતુ કે તંત્રને શું અમારા જેવા નાના ધંધાર્થીઓ જ નજરમાં આવે છે? સોશ્યલ ડીસ્ટન્સ જેવા બહાના બતાવી સરકારી ગાઇડ લાઇનના ભંગ બદલ સ્કુલવેન રીક્ષા જેવા વાહનો ડીટેન કરવામાં આવી રહ્યા છે. વળી સામે સીટી બસ, એસ.ટી. તેમજ સ્કુલની પોતાની મોટી બસો દોડી રહી છે. તેમા તો કયાય સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ નથી. કોઇ નિયમ પાલન થતુ નથી તો તેમની સામે શા માટે આંખ મિચામણા કરવામાં આવે છે?

કોરોના સમયે અમારા ધંધા બંધ હતા ત્યારે કોઇપણ જાતની સહાય માટે સરકારી તંત્ર આગળ આવ્યુ નહોતુ. મુખ્યમંત્રી આત્મ નિર્ભર લોન સહાય પણ અમને અપાઇ નહોતી. સ્કુલવાળાઓ તો ફી ઉઘરાવી ને ખીસ્સા ભરી લેતા હતા. પરંતુ કોઇ સ્કુલવાહન ચાલકોએ આ બે વર્ષના સમયગાળમાં એક પૈસોય ફી લીધી નહોતી. તેમને પણ ઘર પરીવાર હોય છે. ઉછીના પૈસા લઇ લઇને ગુજરાન ચલાવ્યુ હતુ. ઘણાએ તો ધંધા સંકેલી પણ લીધા હતા. તોય તંત્રને એ બધુ કેમ દેખાતુ નથી. હવે જયારે શાળાઓ ખુલી છે અને બે પૈસા કમાવવા સ્કુલ વાહન ચાલકો મહેનત કરી રહ્યા છે તો શા માટે તેમને ગળે ટુંપો દેવા જેવા પ્રયાસો તંત્ર આદરી રહ્યુ છે તેવો આક્રોશ સ્કુલવાન ચાલકોએ વ્યકત કર્યો હતો.

વાલીઓને અમારા ઉપર વિશ્વાસ છે એટલે તો તેમના બાળકોને અમારી સાથે મોકલે છે? અમે કયાં કોઇ સાથે બળજબરી કરવા જઇએ છીએ. જો ઓવર લોડ વાહન જણાતા હોય તો વાલીઓ જ તેમના સંતાનોને ન મોકલને? પરંતુ જયારે વાલીઓ અને સ્કુલવાળાઓ અમારા સહયોગમાં છે તો તંત્રને આડોડાઇ કરવાની શું મજા આવે છે. જો આવુજ ચાલ્યુ તો અમે અમારા ધંધા ફરી સંકેલી લેશું. પછી તંત્ર પાસે શાળાએ જતા બાળકોને તેડી મુકી આવવા છે કોઇ વિકલ્પ? અમારી બસ એક જ વિનંતી છે કે અમારી સાથે થોડુ સહકાર ભર્યુ વલણ અપનાવવામાં આવે. અમે પણ નિયમ પાલનમાં સહકાર આપવા તૈયાર છીએ.

શહેર સ્કુલવાન એસોસીએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલ (મો.૯૩૭૪૧ ૧૩૭૪૫), ઉપપ્રમુખ જયરાજસિંહ રાઠોડ (મો.૯૮૯૮૯ ૯૨૯૯૯), દીપકભાઇ ગઢવી, જયેશભાઇ સબાડ, ગૌરવભાઇ પરમાર, કુલદીપસિંહ ભટ્ટી, વિજયસિંહ પરમાર, બાબુભાઇ રાતડીયા, જયેશભાઇ બોરીચા, રમેશભાઇ ડાભી, વજુભાઇ પરમાર સહીતના સભ્યોએ 'અકિલા' ખાતે પોતાની સમસ્યા વર્ણવી હતી તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)

 

ખરાબ પરિસ્થિતિમાં સંજીવની રથ સહીતની મદદ માટે સ્કુલવાન ચાલકો જ મદદે આવ્યા હતા તે ભુલી ગયા?

જીવના જોખમે ડેડ બોડીઓ પણ અમે વહન કરી છે હવે અમારા ઉપર જ ઘોષ?

રાજકોટ : સ્કુલવાન ચાલકોએ એવુ પણ જણાવ્યુ હતુ કે જયારે કોરોનાના કારણે ખરાબ પરિસ્થિતિ સર્જાઇ હતી, ત્યારે અમે  પુરા સહયોગમાં રહ્યા હતા. મહાનગરપાલીકા સહીત સરકારી તંત્રને વાહનની જરૂર પડી ત્યારે સ્કુલવાન ચાલકો જ મદદે આવ્યા હતા. સંજીવની રથ, ધનવંતરી રથ માટે અમારા વાહનો જ પુરા પાડવામાં આવ્યા હતા. એટલુ જ નહીં જીવના જોખમે સ્કુલવાન ચાલકોએ ડેડ બોડીના વહનની જવાબદારી પણ સ્વીકારી લીધી હતી. આ બધા કાર્યોમાં પીઠ થાબડવાની વાત તો બાજુએ રહી પણ હવે જયારે અમારા ધંધા રોજગારની ગાડી પાટે ચડવાનો સમય આવ્યો ત્યારે ઉલ્ટા અમારા ઉપર જ ચેકીંગના બહાને હેરાન કરવાનું તંત્રએ શરૂ કર્યુ તેનો અમને રંજ છે. અમે સહયોગ માટે તૈયાર છીએ તંત્ર પણ થોડુ માનવતાવાદી વલણ અપનાવી સહયોગમાં રહે તેવી અમારી માંગણી છે. તેમ શહેર સ્કુલવાન એસો.ના આગેવાનોએ જણાવ્યુ હતુ.

(12:34 pm IST)