Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

કોરોના : હવે ૧૫ દિ' મહત્વના : ટેસ્ટીંગ વધારી સંક્રમણ અટકાવવું પડશે : પુષ્કર પટેલ

બસ પોર્ટ - રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળે મેડીકલ સ્ક્રીનીંગ માટે વધુ સ્ટાફ મુકાશે : હાલમાં દરરોજ ૧૫૦૦ ટેસ્ટીંગ સામે રોજ સરેરાશ પાંચથી વધુ કેસ નોંધાય છે : ગઇકાલે વધુ ત્રણ કેસ નોંધાતા ૫૦ સારવાર હેઠળઃ શહેરમાં ૨૮ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત : આરોગ્ય અધિકારીને વિવિધ સુચનો કરતા સ્ટેન્ડીંગ ચેરમેન

રાજકોટ તા. ૨૦ : શહેરમાં હવે કોરોનાનો ખતરો વધવા લાગ્યો છે. દરરોજ સરેરાશ ૫થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે હવે આવતા ૧૫ દિવસ હવે ખૂબ ધ્યાન રાખવું પડે તેમ હોય અને સંક્રમણ વધું અટકાવવા ટેસ્ટીંગ વધારવા સહિતની બાબતો અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે આજે આરોગ્ય અધિકારીને વિવિધ સુચનો કર્યા હતા.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનશ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસ નોંધાવાનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા હવે આગામી ૧૫ દિવસ ખૂબ જ મહત્વના છે આથી હવે શહેરમાં બહારથી આવતા લોકોનું મેડીકલ સ્ક્રીનીંગ વધારવું જરૂરી છે. આથી બસ પોર્ટ તેમજ રેલવે સ્ટેશન ઉપર થર્મલ ગનથી મેડિકલ સ્ક્રીનીંગ માટે સ્ટાફ વધારવા તેમજ એન્ટીજન કોરોના ટેસ્ટીંગ વધારવા સુચવાયું છે.

ઉપરાંત શહેરમાં પણ જે રૂટીન કોરોના ટેસ્ટીંગ થાય છે તેમાં હાલમાં રોજ ૧૫૦૦ ટેસ્ટ થાય છે. તેને વધારવા પણ સુચવાયું છે. હાલમાં જે લોકો કોરોના પોઝિટિવ છે તેમાં મોટાભાગના હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. આથી આ માટે ૨૮ જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે અને કુલ ૫૦ લોકો સારવાર હેઠળ છે. ગઇકાલે વધુ ત્રણ કેસ નોંધાયા હતા.

આમ, કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું હોય તેને અટકાવવા માટે મ.ન.પા. તંત્ર બનતા તમામ પ્રયત્નો કરી રહેલ છે ત્યારે નાગરિકો પણ માસ્ક પહેરીને જ બહાર જવાનું અને ભીડવાળી જગ્યાએ ન જવાનું તેમજ સેનેટાઇઝેશન સહિતની કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરે તે જરૂરી છે તેમ અંતમાં ચેરમેનશ્રીએ જણાવ્યું હતું.

(3:02 pm IST)