Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સિવીલ હોસ્પીટલમાં ૧.૫ T એમઆરઆઈ અને મલ્ટી સ્લાઈસ સીટીસ્કેન સેન્ટર ચલાવતી કંપનીની કામગીરીથી દર્દીઓ પરેશાન : કલેકટરને વિસ્તૃત પત્ર

દર્દીઓને ગંભીર પરિણામ ભોગવવા પડે છેઃ જવાબદારો સામે ફોજદારી કરોઃ ગાયત્રીબા વાઘેલા આકરા પાણીએ : ડોકટરની જગ્યા લાંબા સમયથી ખાલીઃ દર્દીના સગા પાસેથી ૧૫૦૦થી ૫ હજાર વસુલાય છેઃ રીપોર્ટ મોડા મળે છે

રાજકોટ, તા. ૨૦ :. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલાએ જીલ્લા કલેકટરને મહત્વનો પત્ર પાઠવી રાજકોટ પી.ડી.યુ. સરકારી સિવીલ હોસ્પીટલમાં ૧.૫ ટી - એમ.આર.આઈ. અને મલ્ટી સ્લાઈસ સીટી સ્કેન સેન્ટર ચલાવતી (સહયોગ ઈમેજીંગ સેન્ટર) કંપનીની કામગીરીથી સૌરાષ્ટ્રભરના દર્દીઓ પરેશાન હોય જે બાબતે તાકીદે પગલાઓ ભરવા માગણી કરી હતી.

પત્રમાં ઉમેર્યુ હતુ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ ઈલાજ માટે રાજકોટની પી.ડી.યુ. સરકારી સિવીલ હોસ્પીટલમાં આવતા હોય છે ત્યારે મોટા ભાગના રોગના સચોટ નિદાન માટે પ્રજાના ટેક્ષના કરોડો રૂપિયાનો ખર્ચ કરી આધુનિક મશીનરી વસાવવામાં આવતી હોય છે, પરંતુ સરકાર દ્વારા સરકારી હોસ્પીટલોમાં પણ જુદી જુદી કામગીરીઓ માટે ખાનગી કંપનીઓને કોન્ટ્રાકટ આપી દેવામાં આવે છે. જેમાં લોકહીત કે સંસ્થાનું હીત ઓછું જોવામાં આવે છે અને કંપનીના હીતને વધારે ધ્યાને લેવાનું હોય છે.

એ જ રીતે રાજકોટ સિવીલ હોસ્પીટલમાં સહયોગ ઈમેજીંગ સેન્ટર કંપની દ્વારા ચલાવવામાં આવે છે જેમાં દર્દીઓને સીટી સ્કેન એમ.આર.આઈ.ની સુવિધાઓ નોમીનલ ચાર્જમાં પુરી પાડવાની હોય છે, ત્યારે આ કામગીરી સંભાળતી કંપની અંગેના મહત્વના મુદ્દાઓ તાકિદે કાર્યવાહી અર્થે આપના ધ્યાન ઉપર મુકીએ છીએ.

એમ.આર.આઈ. સીટી સ્કેન કરતા ડોકટરની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે જેથી દર્દી અને સારવાર કરતા ડોકટરને નિદાનમાં મુશ્કેલી સર્જાય છે. જેનું ગંભીર પરિણામ દર્દીએ ભોગવવું પડતુ હોય છે.

લાંબા સમયથી સેન્ટરમાં રીપોર્ટ બનાવનાર ડોકટરની જગ્યા ખાલી હોવાના કારણે દર્દીના સગા-સંબંધી પાસેથી રૂ. ૧,૫૦૦, થી રૂ. ૩,૫૦૦, રૂ. ૫,૦૦૦ રીપોર્ટના વસુલ્યા બાદ પણ સવારનો રીપોર્ટ બીજા દિવસ સુધી મળતો નથી જેથી દર્દીની મુશ્કેલી વધે છે. આવા રીપોર્ટને કંપની દ્વારા પોતાના મહેસાણા આવેલા સેન્ટર ખાતે ઓનલાઈન મોકલ્યા બાદ ત્યાંથી ડોકટરનો રીપોર્ટ આવ્યા બાદ દર્દીને મળે છે જેના લીધે સમયસરની સારવારમાં ઘોર-વિલંબ થાય છે જેના કારણે તાત્કાલીક સારવારના દર્દીને જીવ ગુમાવવાનો વખત આવે છે. ડોકટર દ્વારા સીટી સ્કેન માટે લખી આપ્યા બાદ દર્દીનું ઓપરેશન રાજકોટ સિવીલમાં થવાનું ન હોવા છતાં કંપની દ્વારા ગરીબ દર્દીઓને નિયમ મુજબ રીપોર્ટના વસુલવામાં આવેલ નાણા પરત કરવાના હોય છે જે પરત આપવામાં નથી આવતા અને ઓળવી જવામાં આવે છે.

બીપીએલ અમૃતમ કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પણ એમઆરઆઈ અને સીટી સ્કેન રીપોર્ટ માટેના નાણા રૂ. ૧,૫૦૦ થી રૂ. ૩,૫૦૦, રૂ. ૫,૦૦૦ એડવાન્સમાં ફરજીયાત ભરાવવામાં આવે છે જે કંપની દ્વારા કયારેય પરત કરવામાં નથી આવતા.

ઉપરોકત વિષય વિગતે અને મુદ્દાઓને ધ્યાને લઈ યોગ્ય તપાસ કરી આ કામગીરીના સક્ષમ જવાબદાર અધિકારી આ કામની કંપની અને તેને સંલગ્ન આ કામના જવાબદારો સામે કામગીરીમાં બેદરકારી શરતોનો ભંગ સહીતની ખાતાકીય કાર્યવાહી કરવા તેમજ આ કામગીરીમાં બેદરકારી સબબ કોઈ દર્દીને કોઈપણ પ્રકારની નુકશાની પહોંચી હોય તો તેની પણ તપાસ કરવામાં આવે અને જેટલા સમયથી આ કામના જવાબદારો સામે ફોજદારી સહિતના પગલા ભરવામાં આવે તેવી વિનંતી છે.(

(3:18 pm IST)