Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

રાજકોટના ધરતીબેન ગાંધીને લગ્નના ત્રણ માસ બાદ નજીવી બાબતે ભાવનગરમાં સાસરિયાનો ત્રાસ

લગ્ન પહેલા અભ્યાસ કરવાની છૂટ આપ્યા બાદ પરિક્ષા આપવા ન દીધી : ભાવનગર રહેતા પતિ, રાહુલ, સાસુ કુંદનબેન, સસરા ગીરીશભાઇ અને નણંદ અમીબેન સામે ગુનો

રાજકોટ,તા. ૨૦ : મીલપરામાં માવતરના ઘરે રહેત પરિણીતાને લગ્નના ત્રણ મહિના બાદ ભાવનગરમાં રહેતા પતિ, સાસુ, સસરા અને નણંદ નાની-નાની વાતમાં ઝઘડો કરી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મીલપરા શેરી નં.૩માં આવેલ સર્વનાથ એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે છેલ્લા ચાર મહિનાથી રહેતા ધરતીબેન રાહુલ ગાંધી (ઉવ.૨૭)એ ભાવનગર વાઘાવાડી રોડ પર સુંદરમ ફલેટ બ્લોક નં. ૩માં રહેતો પતિ રાહુલ ગીરીશભાઇ ગાંધી, સસરા ગીરીશભાઇ અમુલખરાયભાઇ ગાંધી, સાસુ કુંદનબેન ગાંધી અને શિહોરમાં પાલીતણા ચોકડી ઓસવાળ યાંત્રીક ભવનમાં રહેતા નણંદ અમીબેન હિતેશભાઇ શાહ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ધરતીબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતાના ૨૦૨૦ના નવેમ્બર માસમાં જ્ઞાતીના રીતરિવાજ મુજબ કોર્ટમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે ભાવનગરમાં સંયુકત પરિવાર સાથે રહેતા હતા. લગ્ન બાદ પતિ, સાસુ, સસરાએ ત્રણ-ચાર મહિના પોતાને સારી રીતે રાખેલ ત્યારબાદ તેઓ નાની-નાની બાબતે શારીરીક માનસીક ત્રાસ આપવા લાગ્યા હતા પતિ પોતાની સાથે નાની નાની વાતમાં બોલાચારી કરી મારકૂટ કરતો હતો. પોતે એમ.કોમ સુધી અભ્યાસ કરેલ હોય, લગ્ન પહેલા પોતાને અભ્યાસ  કરવા દેવાની છૂટ આપી હતી. પરંતુ પોતાને પરીક્ષા આપવા ન દીધી. ત્યારે પણ પતિએ પોતાની સાથે ઝઘડો કરી મારકૂટ કરી હતી. લગ્ન બાદ પોતાને પોતાના પરિવાર સાથે વાતચીત પણ કરવા દેતા નહી અને જો ફોન કરે તો સ્પીકરમાં ફોનરાખવાનું કહેતા હતા અને સાસુ-સસરા કરીયાવર બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતા. નણંદના લગ્ન થઇ ગયા હોય, તે ઘરે આવે ત્યારે ઘરની બાબતમાં ચઢામણી કરતા પતિ ઝઘડો કરતા હતા. એક વખત દુકાન બાબતે ઝઘડો થતા પતિ જેમ તેમ બોલતા મહિલા હેલ્પલાઇનની ગાડી બોલાવેલ અને ભાવનગર મહિલા પોલીસ મથકે લઇ જવાયા હતા. બાદ પોતે આ બાબતે પોતાના ભાઇને વાત કરતા તે ભાવનગર આવતા પોતે તેની સાથે રાજકોટ આવી ગયા હતા. બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ વી.જી.બોરીચાએ તપાસ હાથ ધરી છે. 

(3:28 pm IST)