Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

નાણાવટી ચોકમાં થયેલ હત્‍યા એટ્રોસીટીના કેસમાં પકડાયેલ મુખ્‍ય આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૧: નાણાવટી ચોકમાં થયેલ હત્‍યા અને એટ્રોસીટીના ગુન્‍હામાં મુખ્‍ય આરોપીના જામીન રાજકોટ સેશન્‍સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્‍યા હતાં.

એફ.આઇ.આર. મુજબ બનાવની ટૂંકી વિગત એ છે કે તારીખ ૧૯-૦૭-ર૦૧૯ ના રોજ રાત્રીના ૧ (એક) વાગ્‍યાની આસપાસ નાણાવટી ચોક પાસે મરણજનાર આકાશ ભગવાનજીભાઇ રાઠોડ અને મુખ્‍ય આરોપી સેજાદ ઉર્ફે નવાબ સુલતાનભાઇ જલવાણીનું વાહન અથડાતા બંને વચ્‍ચે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી એ ઝઘડાનું રૂપ ધારણ કર્યું હતું. ઝઘડા બાદ મુખ્‍ય આરોપીના મિત્રો વિનય ઉર્ફે ભૂરો ઉર્ફે મુસ્‍તાન રાજુભાઇ ઉકેડિયા, અંકિત ઉર્ફે અંકિજ રાજુભાઇ અજલાણી અને ફૈઝલ રાજુભાઇ અજલાણી આવી ગયા હતા. આ લોકોએ શિવપરામાં રહેતા આકાશ ઉર્ફે આકલો ભગવાનજીભાઇ રાઠોડને પકડી રાખેલ હતો અને મુખ્‍ય આરોપી સેજાદ ઉર્ફે નવાબ સુલતાનભાઇ જલવાણીએ આકાશ રાઠોડને છરીના અસંખ્‍યા ઘા માર્ય હતા.

બાદમાં આકાશ રાઠોડ ઢળી પડતાં તેના મિત્રો તેને રિક્ષામાં સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા જયાં ફરજ પર હાજર તબીબી અધિકારી દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્‍યો હતો અને ગાંધીગ્રામ પો. સ્‍ટે.માં મૃતકના ભાઇ આશિષ ભગવાનજીભાઇ રાઠોડ એ ફરિયાદ દાખલ કરાવી હતી. ત્‍યારબાદ પોલિસે આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

પોલિસ દ્વારા હત્‍યા અંગે તપાસ કરતાં હથિયાર તથા આરોપીના કપડાં કબ્‍જે કર્યા હતા. જે હથિયાર અને આરોપીના કપડા પર મૃતક આકાશ રાઠોડના લોહીના નિશાન મળ્‍યા હતા અને બનાવની જગ્‍યાએ પણ આવા લોહીના નિશાન જોવા મળ્‍યા હતા અને ત્‍યારબાદ હત્‍યા અને એટ્રોસિટીના મુખ્‍ય આરોપી સેજાદ ઉર્ફે નવાબ સુલતાનભાઇ જલવાણી એ પોતાના વકીલ મારફત જામીન ઉપર છૂટવા અરજી દાખલ કરી હતી. સદરહું જામીન અરજી ચાલતા બનાવને નજરે જોનાર સાહેદના નિવેદનો, કુટુંબીજનોના નિવેદન, અન્‍ય સહેદોના નિવેદનો, અંગેબ ચાવપક્ષ દ્વારા લંબાણપૂર્વક દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષોની રજૂઆત અને ઉચ્‍ચ ન્‍યાયાલયોના ચૂકાદાઓ તેમજ કેસના સંજોથોને ધ્‍યાને લઇ રાજકોટના એડી. સેશન્‍સ જજ દ્વારા મુખ્‍ય આરોપીની રેગ્‍યુલર જામીન અરજી મંજુર કરવામાં આવેલ હતી.

આ કામના મુખ્‍ય આરોપી સેજાદ ઉર્ફે નવાબ સુલતાનભાઇ જલવાણી વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર, હુસૈનભાઇ હેરંજા, શકિત ગઢવી, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઇ લાલ, જીત શાહ અને ફૈઝાન સમા રોકાયા હતા.

(4:27 pm IST)