Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ખળભળાટઃ એક તરફ સિવિલમાં દાખલ થવા કોરોના દર્દીઓની કતારો, બીજી તરફ ૯ હજાર લઇ બેડ અપાવી દેતા લેભાગૂઓ!

ચોૈધરીના મેદાનમાં આવો, નવ હજાર આપો અને અડધી કલાકમાં કોરોના પેશન્ટની એન્ટ્રીઃ અમારે બે દર્દી છે, સરખુ સમજો...આગળ પણ દર્દી આપતા રહેશું...તેવી આજીજી સામે ૮૦૦૦માં નક્કી કરી છેલ્લે પોતાને જગદીશ તરીકે ઓળખાવતો શખ્સ એટીએમમાંથી ૭૦૦૦ ઉપડાવી રોકડી કરી ચાલતો થાય છે! : પૈસા ફેંકો સિવિલમાં બેડ મેળવોઃ લેભાગુ બેશરમ બની કહે છે-૫૦૦૦ ન ચાલે, મારે ઉપર સુધી આપવાના હોયઃ દર્દીને દાખલ કરાવી આપતો શખ્સ કોણ? ઉપર કોણ-કોણ પૈસા ખાય છે?: કઇ રીતે સેટીંગ થતું? તે સહિતના અનેક તપાસ માંગી લેતાં સવાલો : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાકીદે તપાસના આદેશ કરતાં ક્રાઇમ બ્રાંચની ટીમે લેભાગુને દબોચી લેવા દોડધામ શરૂ કરી

૯ હજાર રૂપિયામાં કોરોના પેશન્ટને અડધા કલાકની અંદર સિવિલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાવી આપશે તેવો દાવો કરનારો વચેટીયો (પીળા ચશ્માવાળા) ચર્ચા કરતો અને છેલ્લે ભાવતાલ ૮૦૦૦માં નક્કી કરી અંતે રોકડા ૭૦૦૦ સ્વીકારતો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહેરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે અને રોજેરોજ નવા નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કોરોનાના સંક્રિમતોને દાખલ કરવા માટે એક તરફ સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી અને દરરોજ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરાવવા માટે એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોની કતારો ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં જામી જાય છે તેમજ દર્દીઓને દાખલ કરવામાં કલાકો સુધી તેમના સ્વજનોને વારાની રાહ જોવી પડે છે અને હેરાન થવું પડે છે, યાતના વેઠવી પડે છે ત્યારે બીજી તરફ એક ખળભળાટ મચાવતું કારસ્તાન સામે આવ્યું છે. વચેટીયા-લેભાગુઓ કોરોનાના દર્દીઓની, તેમના સગાઓની મજબૂરીનો લાભ લઇ કઇ રીતે 'રોકડી' કરી રહ્યા છે તેનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. રૂ. ૯ હજાર લઇને આવો એટલે અડધી કલાકમાં તમારા કોરોના પેશન્ટની સિવિલમાં બેડ મળી જાય તેવો દાવો લેભાગૂ વચેટીયો કરી રહ્યો છે. સગાઓની આજીજી બાદ અંતે રૂ. ૭૦૦૦ રોકડા લઇ દર્દીને વચેટીયાએ દાખલ કરાવી દીધાની વાત સામે આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વિડીયોમાં રૂપિયા લઇ સિવિલ હોસ્પિટલમાં બેડ અપાવી દેતાં લેભાગૂ ચશ્માધારી કે જે પોતાનું નામ જગદીશ જણાવે છે તેની અને પોતાના દર્દીને દાખલ કરવવા આજીજી કરતાં સ્વજન વચ્ચે શું વાતચીત થાય છે અને ૯૦૦૦થી શરૂ થયેલા ભાવતાલને અંતે ચશ્માધારી વચેટીયો રૂ. ૭૦૦૦ લઇને રવાના થઇ જાય છે ત્યાં સુધીના દ્રશ્યો અને સંવાદોની વિગત અહિ પ્રસ્તુત છે.

ર્દીના સગાઃ કેટલા દેવાના ઇ કયો...૯ હજાર થોડા હોય...એક વાત મારી સાંભળો અત્યારે અમે સિવિલમાં કયારે આવ્યા હોઇ, અમારી પરિસ્થિતિ ખરાબ છે, નહિતર તો હું સિનર્જીમાં ન જાવ...

વચેટીયોઃ પણ અત્યારે ખાટલો મળવાની એકદમ મુશ્કેલી છે, તમે જોઇ'તી ને લાઇન?

દર્દીના સગાઃ તમે અમારું ભગવાન જેવું કામ કરી દીધું છે.

વચેટીયોઃ આમા મારું કાંઇ નથી હાલતું, અંદરના માણસોને પણ સાચવવાના હોય. ...(વચ્ચે વચેટીયાને ફોન આવે છે-પૈસા ૯થી નીચે નહિ આવે, જો ૯ હજાર હોય તો સાંજે ચોૈધરી સ્કૂલમાં આવી જાય. ચોૈધરી સ્કૂલમાં આવીને મને કોલ કરજો. તમે આવો અડધી કલાક થાય એડમીટ કરતાં...હા એ રાજનભાઇ પાસેથી મારા નંબર લઇ લેજો)

દર્દીના સગાઃ અમે એક બે હજાર નથી કહેતાં પણ એવું બોલો કે બેયને તકલીફ ન થાય. હજી એક પેશન્ટ છે એ જુનાગઢ છે, કાલે રાતે અમે તમારી સાથે વાત કરી હતી અને તમને કહ્યું હતું કે ૯૦૦૦ રૂપિયા ન હોય. (વચ્ચે ફોન સતત આવતા રહે છે, એ ફોન કરનારને બે મિનીટ બે મિનીટ એવું કહે છે). બેયનું એકહારે કરી દો તો બીજા દર્દીને બોલાવી લઉ, એક પેશન્ટ જુનાગઢનું છે.

વચેટીયોઃ ૮ હજાર તો મિનીમમ એકના લાગે, મારે ઉપર બધાયને દેવાના હોય. અત્યારે આ વસ્તુ જોવો બ્લેકમાં જાય છે બધું. અત્યારે આ મળવું બહુ મુશ્કેલ છે. (સગા કહે છે અમારૂ માન રાખો), લેભાગૂ કહે છે-છેલ્લે આઠ દેવા હોય તો બોલો.

દર્દીના સગાઃ મારી પાંચની ઇચ્છા છે, તને ઇચ્છા કહુ છું...તારા ઉપર દબાણ નથી કરતો. મારી પાસે પેશન્ટ ઘણાય આવશે હું તને જ કોલ કરીશ. એકમાં આપણે કામ નથી કરવું, તે કામ ઉચુ કરાવ્યું, થાતું હોય તો મોટા ઓછુ લે, રાજા તું આઠ કહે છે અને હું પાંચ કહુ છું. બેય ભાઇને મોજ આવે એવું તું કહે.

વચેટીયોઃ-ઉપર સુધી બધાયને દેવાના હોય? (દર્દીના સગા સાથેના વ્યકિત પુછે છે-મને એમ કે તમારા એકના જ હશે, ડોકટર પણ આવી જાય એમાં?) વચેટીયો કહે છે એકનું નામ લઇ તો ખાલી ખોટા બધાય આમાં આવી જાય. માણસો રિશ્ક કેવું લે છે.

દર્દીના સગાઃ એક વાત તો માની લે, પાંચ હજારમાં...

વચેટીયોઃ ના ના નથી પોષાય એમ, મારે વેઇટીંગ કેવડું છે, એમાં પડ્યા છે જ એને નો બોલાવી લઉ.

દર્દીના સગા-ના ના રાજા તે કામ તો કર્યુ જ છે તને કાયમ યાદ રાખવાનો છે, મજબૂરીમાં હો. દર્દીના સગા પુછે છે-ગૂગલ પે કરો છો?...વચેટીયો કહે છે-ના ના કેશ જ ચાલે.

દર્દીના સગાઃ હાલો સાત લઇ લ્યો...વચેટીયો-ના આઠ જ, મારે ઉપર જવાબ દેવો પડશે. એનું નામ હિતેષ, મારું નામ જગદીશ...

અંતે દર્દીના સગા એસબીઆઇના એટીએમમાંથી ઉપાડીને ૭ હજાર રોકડા ચુકવે છે. આ રકમ લઇ ચશ્માધારી વચેટીયો  હાથ મીલાવી પૈસા લઇ એટીએમમાંથી બહાર નીકળી જાય છે.

આ કારસ્તાન સોશિયલ મિડીયામાં ધડાધડ વાયરલ થઇ જતાં છેક ગાંધીનગર સુધી પડઘા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાકીદે તપાસના આદેશો આપતાં કલેકટરશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વચેટીયાને શોધી લેવા ટીમો કામે લગાડી છે.

(3:18 pm IST)