Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

આંગડિયા કર્મી સંજયે લૂંટનું નાટક કરી ૩૦ લાખ નવાગામ રહેતાં મિત્ર કેતનને દીધા, પોલીસ ત્યાં પહોંચતા કેતને એસિડ પીધું: મોત

રાજકોટની ચોંકાવનારી ઘટનાઃ એસ. જી. આંગડિયાના માલિક નિલેષભાઇ ભાલોડીના ભાઇએ આપેલો સેલ્ફનો ૩૦ લાખનો ચેક વટાવી લીધા પછી કર્મચારી સંજય ભિમાણીએ મોટા મવા પાસે લૂંટાઇ ગયાની સ્ટોરી ઘડી પણ તાલુકા પોલીસે કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યોઃ જો કે સંજયએ શેઠને છેતરીને આપેલી રોકડ સાચવનારા તેના મિત્રનો જીવ ગયો : રેતી કપચીના ધંધામાં ખોટ જતાં અને ત્રણ મકાનની લોન અને બે ધંધાની લોન મળી ૪૬ લાખનું દેણું થઇ જતાં લૂંટનું નાટક કરનાર ૧૫૦ રીંગ રોડ પર બાંસુરી પેલેસમાં રહેતો સંજય ભિમાણી આરોપી પણ બન્યો અને મિત્રને પણ ગુમાવ્યોઃ તાલુકા પોલીસે ૨૩ લાખની રોકડ કબ્જે કરીઃ બાકીની રોકડ અંગે તપાસ : સંજય ભિમાણીના ૨૩મી સુધી રિમાન્ડ :. તાલુકા પોલીસે આ ગુનામાં પકડેલા આરોપી સંજય ભિમાણીને કોર્ટમાં રજૂ કરતાં ૨૩મી બપોર સુધીના રિમાન્ડ મંજુર થતાં વિશેષ પુછતાછ શરૂ થઇ છે.

મિત્રએ ઉભા કરેલા લૂંટના નાટકના રૂ. ત્રીસ લાખ પોતાની પાસેથી પોલીસ કબ્જે કરવા આવતાં ગભરાયેલા નવાગામના કેતન સદાદીયાએ એસિડ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન આજે સવારે દમ તોડી દીધો હતો. તસ્વીરમાં કેતનનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો તથા શોકમય સ્વજનો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) :  લૂંટની ખોટી સ્ટોરી ઘડનાર સંજય ભિમાણી તથા તે અંગે વિગતો આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ જે. વી. ધોળા અને તાલુકા પોલીસની ટીમ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૧: મવડી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલી આંગડિયા પેઢીમાં કામ કરતાં કર્મચારી પટેલ શખ્સે પેઢી સંચાલકના ભાઇએ આપેલો રૂ. ૩૦ લાખનો સેલ્ફનો ચેક વટાવી બેંકમાંથી રૂપિયા વટાવી પૈસા શેઠને પેઢીમાં આપવાને બદલે મવડી કણકોટ રોડ પરથી બે અજાણ્યા શખ્સો આ રોકડનો થેલો લૂંટી ગયાની સ્ટોરી ઘડતાં પેઢી સંચાલક વકિલે મામલો પોલીસ સુધી પહોંચાડતાં તાલુકા પોલીસે ગણતરીના સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાંખ્યું હતું. કર્મચારીએ લૂંટની ખોટી સ્ટોરી ઉભી કર્યાનું અને રોકડનો થેલો નવાગામમાં કારખાનુ ધરાવતાં મિત્રને આપ્યાનું કબુલતાં પોલીસ ત્યાં પહોંચી હતી. પણ પોલીસને જોતાં જ રોકડનો થેલો પોતાની પાસે રાખનારા યુવાને જલદ એસિડ પી લીધું હતું. સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં ઘટનામાં નવો જ વળાંક આવ્યો હતો.

તાલુકા પોલીસે આ મામલે મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક રવેચી હોટેલ પાસે એસ. જી. એન્ટરપ્રાઇઝ નામે આંગડિયા પેઢી ચલાવતાં  અને વકિલાત પણ કરતાં નિલેષભાઇ મનસુખલાલ ભાલોડી (પટેલ) (ઉ.વ.૪૦-રહે. ૧૫૦ રીંગ રોડ માધવ રેસિડેન્સી ફલેટ નં. ૩૦૨, સુખસાગર સોસાયટી સામે)ની ફરિયાદ પરથી ૧૫૦ રીંગ રોડ કુંજન ટાઉનશીપ સામે બાંસુરી પેલેસ એ-વીંગ ફલેટ ન. ૩૨માં રહેતાં અને પોતાની પેઢીમાં કામ કરતાં સંજય અંબાવીભાઇ ભીમાણી સામે આઇપીસી ૩૮૧, ૪૦૬ મુજબ પેઢીનો સેલ્ફનો રૂ. ૩૦ લાખનો ચેક એકસીસ બેંકમાંથી વટાવી આ રકમ પેઢીમાં જમા કરાવવાને બારોબાર મિત્રને આપી દઇ લૂંટ થઇ ગયાની સ્ટોરી ઘડી છેતરપીંડી અને ચોરી કરવાનો ગુનો નોંધી સંજયની ધરપકડ કરી છે. બીજી તરફ પોલીસ જેની પાસે પૈસા હતાં તે કેતનને શોધવા નવાગામ પહોંચી ત્યારે કેતને એસિડ પી લેતાં તેને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. લોનના હપ્તા ચડી ગયા હોઇ

નિલેષભાઇ ભાલોડીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું આંગડિયા પેઢી ચલાવું છું. સાથે જેન્તીભાઇ ભિમાણી અને તેનો ભાઇ સંજય અંબાવીભાઇ ભિમાણી પણ ઓફિસમાં બેસે છે. મંગળવારે ૨૦મીએ મારા મોટા ભાઇ ભાવેશભાઇની ઓફિસ મવડી સ્મશાન પાસે આવેલી હોઇ મારા ભાઇ ભાવેશભાઇએ રૂ. ૩૦ લાખનો સેલ્ફનો ચેક મને આપ્યો હતો. આ સેલ્ફનો ચેક મેં સંજય અંબાવીભાઇ ભિમાણી જે મારી અને મારા ભાઇ ભાવેશભાઇની ઓફિસને લગતું કામ કરે છે તેને બપોરે પોણા બે આસપાસ આપ્યો હતો. આ ચેક કેકવી ચોક પાસે આવેલી એકિસસ બેંકમાં વટકાવવાનો હતો.

બપોરે ચેક લઇને સંજય વટાવવા ગયો હતો. એ પછી મારા ભાઇએ ચેક વટાવાઇ જતાં ડેબિટનો મેસેજ આવી ગયો છે તેવી વાત મને કરી હતી. એ પછી સવા ત્રણેક વાગ્યે એક અજાણ્યા ભાઇએ અમારી ઓફિસે આવી વાત કરી હતી કે સંજયભાઇ ભિમાણી તમારા પૈસા ઉપાડવા ગયો હતો તે મવડી કણકોટ રોડ પર લૂંટાયો છે. આથી મેં તથા મારા ભાઇએ સંજયને તેના ફોનમાં ફોન જોડતાં તેનો ફોન બંધ આવતો હતો. જેથી હું ઓફિસેથી મારી ગાડી લઇ નીકળ્યો હતો. રસ્તામાં ગોલ રેસિડેન્સી પાસે સંજય ચાલીને આવતો હોઇ મેં તેને અટકાવી શું થયું છે? તેમ પુછતાં તેણે કહેલું કે મેં બેંકમાંથી રૂ. ૩૦ લાખ ઉપાડ્યા હતાં એ લઇને ઓફિસ તરફ આવતો હતો ત્યારે મવડી કણકોટ રોડ ગોલટ્રાયો રેસિડેન્સી પાસે પહોંચતા બે અજાણ્યા શખ્સો રોકડનો થેલો, મારો મોબાઇલ તથા મોટરસાઇકલની ચાવી લૂંટી નાશી ગયા છે.

આથી હું સંજયને મારી ગાડીમાં બેસાડી અજાણ્યા માણસો કઇ બાજુ ગયા તે પુછી તે તરફ તપાસ કરવા ગયો હતો. મવડી ગોલટ્રાયો પાસે સંજયનું એકટીવા મળ્યું હતું. તેણે મને જગ્યા બતાવી હતી અને આ જગ્યાએથી જ લૂંટ થયાનું કહ્યું હતું. જો કે સંજયએ સ્પષ્ટ વિગતો જણાવી નહોતી. લૂંટારા શું વાહન લઇને આવ્યા હતાં? તે વિશે પણ તેણે સરખો જવાબ ન આપતાં મને શંકા ઉપજતાં પોલીસને જાણ કરી હતી.

તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, પીએસઆઇ પી. એમ. રાઠવા અને ડી. સ્ટાફની ટીમે સંજયની વિસ્તૃત પુછતાછ શરૂ કરતાં સંજયએ કબુલ્યું હતું કે પોતાને અગાઉ છુટક રેતી કપચીનો કમીશનનો ધંધો હતો જેમાંકોરોનાને કારણે મંદી આવી જતાં ખોટ ગઇ હતી. તેમજ અલગ અલગ ત્રણ મકાનની લોન અને બે ધંધાની લોન મળી ૪૬ લાખનું દેણું હોઇ જેથી પૈસાની ખુબ જરૂર હોવાથી લૂંટની ખોટી સ્ટોરી ઘડી હતી અને રોકડનો થેલો મોટા મવાથી લઇ જવા નવાગામ શ્રીનાથજી ઇન્ડસ્ટ્રી નામે કારખાનુ ધરાવતા પોતાના કાકાના દિકરા બિપીન ભિમાણીને કહેતાં તેણે પોતાના કારખાનાની સાથે જ ઇમિટેશનની ભઠ્ઠી ધરાવતાં મુળ કુવાડવાના સાતડા ગામના અને હાલ નવાગામ માંધાતા સોસાયટીમાં રહેતાં કેતન ભવાનભાઇ સદાદીયા (ઉ.વ.૩૦)ને મોકલતાં કેતન મોટા મવા પાસે આવ્યો હતો અને પોતે થેલો તેને આપી દીધો હતો.

સંજયની આ કબુલાત બાદ તાલુકા પોલીસની ટીમ નવગામ રોકડ કબ્જે કરવા કેતનની ભઠ્ઠી ખાતે પહોંચતા પોલીસને જોતાં જ તે ગભરાયો હતો કે કંઇપણ થયું હોઇ દોટ મુકીને અંદર ભાગ્યો હતો અને ફેકટરીમાં પડેલા કેરબામાંથી જલદ એસિડ પી લેતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નિપજ્યું હતું.

પોલીસે લૂંટની ખોટી સ્ટોરીમાં સાથ આપનાર બિપીન ભિમાણીને પણ સકંજામાં લઇ રૂપિયા કબ્જે કરવા તજવીજ કરી હતી. બિપીના કારખાનાની ઉપરનો ભાગ કેતને ભાડે રાખ્યો હતો અને તેમાં પોતે ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતો હતો. સંજયના કાકાના દિકરા બિપીનને મળવા તેના કારખાને આવતો જતો હોઇ જેથી તેની ભાડાથી જગ્યા રાખનાર કેતન સદાદીયા સાથે પણ તેની મિત્રતા થઇ હતી. આ કારણે જ કેતન પૈસાનો થેલો લેવા ગયો હતો.

જો કે કેતનને એ ખબર નહોતી કે આ રકમ સંજયએ કઇ રીતે અને કયાંથી મેળવી છે. તે મિત્ર દાવે મદદ કરવા ગયો હતો. સંજયના પિત્રાઇ ભાઇ બિપીનનો પણ આ ઘટનામાં મદદગારીમાં રોલ હતો કે કેમ? એ હજુ સ્પષ્ટ થયું નથી.

લૂંટની ખોટી સ્ટોરી ઘડવામાં સંજય સાથે તેના કાકાના દિકરા અને કેતને પણ ભાગ ભજવ્યો હોવાની શંકાએ પોલીસે સંજયની પુછતાછ કરતાં તેણે પોતે એકલો જ આ કાવત્રામાં સામેલ હોવાનું કબુલ્યું છે. પોલીસે ૩૦ પૈકી ૨૩ લાખની રોકડ કબ્જે કરી છે. બાકીની રોકડ અંગે અને બીજા કોઇની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ આગળ વધારી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, ડી. વી. બસીયાની સુચના અને રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, પી. એમ. રાઠવા, એએસઆઇ ભરતભાઇ વનાણી, આર. બી. જાડેજા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર, અરજણભાઇ ઓડેદરા, હરસુખભાઇ સબડા, મનિષભાઇ સોંઢીયા, ધર્મરાજસિંહ અને હર્ષરાજસિંહે ડિટેકશનની કામગીરી કરી હતી.

બીજી તરફ ગત રાતે એસિડ પી લેનાર કેતનને ગંભીર હાલતમાં સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે સવારે તેણે દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવમાં બી-ડિવીઝનના હેડકોન્સ. વિક્રમસિંહ સોલંકીએ એ.ડી. નોંધી હતી.

મૃત્યુ પામનાર કેતન બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેને ચાર દિકરીઓ છે. તેના માતા-પિતા સહિતના સ્વજનો સાતડા ગામે રહે છે. તે પત્નિ-બાળકો સાથે નવાગામ માંધાતા સોસાયટીમાં રહી ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતો હતો. તેના મોતથી સદાદીયા-કોળી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.

  • મૃત્યુ પામનાર કેતન મુળ કુવાડવાના સાતડાનો વતની હતોઃ નવાગામ રહી ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતો હતોઃ કેતનના મોતથી ૪ માસુમ દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કોળી પરિવારમાં કલ્પાંત

. મિત્ર સંજય ભિમાણીએ પોતે જ્યાં કામ કરતો હતો એ આંગડિયા પેઢીના માલિકના ભાઇના રૂ. ૩૦ લાખ બેંકમાંથી સેલ્ફના ચેકથી ઉપાડ્યા બાદ આ પૈસા લૂંટાઇ ગયાની સ્ટોરી ઉભી કરી શેઠને છેતર્યા હતાં. હકિકતે તેણે આ રકમ નવાગામમાં ઇમિટેશનની ભઠ્ઠી ધરાવતાં મિત્ર કેતનને આપી દીધા હતાં. કેતન પાસે પોલીસ આ પૈસા કબ્જે કરવા પહોંચી ત્યારે કેતને એસિડ પી લીધું હતું. તેનું મોત નિપજતાં તેના પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. કેતન બે ભાઇમાં નાનો અને પરિણીત હતો. તેના માતા-પિતા સહિતના પરિવારજનો કુવાડવાના સાતડા ગામે રહે છે. પોતે નવાગામ પત્નિ-બાળકો સાથે રહી શ્રીનાથજી ઇન્ડસ્ટ્રી નામના સંજયના કાકાના દિકરા બિપીન ભિમાણીના કારખાનાની ઉપરના માળે જગ્યા ભાડે રાખી પોતે ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતો હતો. મિત્ર સંજયએ કરેલા ખોટા કામમાં અજાણતા સાથ આપવા જતાં કેતનને જિંદગીથી હાથ ધોવાની વેળા આવી હતી. કેતનના મોતથી ૧વર્ષથી માંડી ૭ વર્ષ સુધીની ચાર-ચાર દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

કેતન બે ભાઇ અને બે બહેનમાં સોૈથી નાનો હતો. તે વર્ષોથી નવાગામ સ્થાયી થયો હતો. માતા-પિતા સાતડા રહે છે. માતાનું નામ જીવુબેન અને પિતાનું નામ ભવાનભાઇ છે. આ ઘટનાથી તળપદા કોળી પરિવારમાં ગમગીની છવાઇગઇ છે.

(3:53 pm IST)