Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

'સ્વચ્છ રાજકોટ' માટે કચરો ફેંકનારને દંડ

સ્વચ્છતા ઝુંબેશ સફળ બનાવવા મેયર પ્રદિપ ડવની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક સંપન્ન : શહેરના ૧૫૮ જેટલા ન્યુસન્સ પોઇન્ટ પર તંત્ર વોચ ગોઠવી લોકોને જાહેરમાં કચરો ન ફેંકવા સમજાવાશે : સફાઇના કોન્ટ્રાકટવાળા વિસ્તારમાં ૩૦% કાયમી સફાઇ કામદારો મુકાશે : અશ્વિન પાંભર

રાજકોટ તા. ૨૧ : 'સ્વચ્છ રાજકોટ' ઝુંબેશ અંતર્ગત શહેરમાં ગંદકી વધુ ફેલાતી હોય તેવા સ્થળોએ હવે મ.ન.પા. વોચ ગોઠવી ત્યાં કચરો ફેંકનારાઓને પ્રથમ સમજાવ્યા બાદ દંડ સહિતના કડક પગલા લેવાનો નિર્ણય મ.ન.પા.ના પદાધિકારીઓ - અધિકારીઓ દ્વારા કરાયો છે.

શહેરને સ્વચ્છ, રળિયામણું અને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુકત કરવા મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે મીટીંગ યોજાઈ હતી.આ મીટીંગમાં સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડેપ્યુટી કમિશનરશ્રી એસ.કે.સિંઘ, પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ અધિકારી પ્રજેશ સોલંકી, વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, તમામ વોર્ડના એસ.આઈ, એસ.એસ.આઈ. વિગેરે ઉપસ્થિત રહેલ.

આ મીટીંગમાં મેયર ડો.પ્રદીપ ડવએ જણાવેલ કે, આપણી કલ્પના છે કે, શહેર વધુ સુંદર અને સ્વચ્છ બને. આ માટે કાગળ પર નહિ પણ, ગ્રાઉન્ડ લેવલ પર જઈ કામગીરી કરશું તો પરિણામ અવશ્ય મળશે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'સ્વચ્છ ભારત મિશન'ની શરૂઆત કરેલ, જે અભિયાનનું ખુબજ સારું પરિણામ મળેલ છે. લોકોમાં તેમજ સ્કુલના બાળકોમાં પણ સફાઈ પ્રત્યે જાગૃતિ આવેલ છે. તે જ રીતે શહેરને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુકત કરવા લક્ષ્ય નક્કી કરી, કામગીરી કરવા અને ન્યુસન્સ પોઈન્ટ પર કઈ વ્યકિત દ્વારા કચરો નાખવામાં આવે છે તેની પૂરી ચકાસણી કરી, તે વ્યકિત સામે જરૂરી પગલા લેવામાં આવે તો જ પરીણામ મળશે. સ્થાનિક રહેવાસીઓમાં સફાઈ પ્રત્યે જાગૃતિ લાવવા માટે પત્રિકા વિતરણ કરવા, નિયમિત સફાઈ થાય તે અંગેની વ્યવસ્થા કરવા તેમજ  જરૂર પડે તો સિકયુરિટીની વ્યવસ્થા કરવા તેમજ શહેરના મુખ્ય માર્ગો પરના ન્યુસન્સ પોઈન્ટ શકય બને તો દૂર કરવા તેમણે જણાવેલ.

વિશેષમાં, મેયરશ્રીએ જણાવેલ કે, સ્વચ્છતા સંરક્ષણમાં ઇન્દોર શહેરનો પ્રથમ નંબર આવતો હોય  તો આપણા શહેરનો નંબર કેમ ન આવી શકે? એસ.આઈ. તેમજ એસ.એસ.આઈ. એ   ફિલ્ડમાં રહી, શહેરની સફાઈ કામગીરીનું નિયમિત મોનીટરીંગ કરવુ જોઈએ. કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ માટે અમોને જાણ કરવામાં આવશે તો આવી મુશ્કેલીઓનું પણ નિરાકરણ કરવામાં આવશે.

આ મિટિંગમાં સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભરે જણાવેલ કે, ત્રણેય ઝોનમાં સફાઈ માટે એસ.આઈ, એસ.એસ.આઈ. તેમજ મુકાદમ વિગેરેની જવાબદારી ફિકસ કરવી જોઈએ તેમજ જે વિસ્તારોમાં કોન્ટ્રાકટરોના સફાઈ કામદારો મારફત સફાઈ કરાવવામાં આવતી હોય તેવા વિસ્તારોમાં ૩૦% કાયમી સફાઈ કામદારો પણ ફાળવવા જોઈએ તેમજ કચરાથી ભરાયેલા વ્હીલબરો પડતર ન રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

આ મિટિંગમાં ડે.કમિશનરશ્રી એ.કે.સિંહે જણાવેલ કે, મેયરશ્રીએ શહેરને ગંદકી ન્યુસન્સ પોઈન્ટ મુકત શહેર બનાવવાનું અભિયાન શરૂ કરેલ છે. જેને પુરતી સફળતા મળે તે મુજબ કામગીરી કરવી આપણા સૌની ફરજ છે. વોર્ડમાં આવેલા ન્યુસન્સ પોઈન્ટની દરરોજ મુલાકાત લઇ, લોકો ત્યા કચરો ન નાખે તેવા પ્રયત્ન સતતપણે કરતા રહેવા તેમણે જણાવેલ. કર્મચારીઓનું મોનીટરીંગ જેટલું સારું તેટલી વધુ સફળતા મળશે તેમજ કર્મચારીઓને કોઈ મુશ્કેલી હોય તો તે રજૂ કરવા તેમણે જણાવેલ.

આ મીટીંગના અંતે  તમામ એસ.આઇ, એસ.એસ.આઈ. ને તેમના વોર્ડમાં સફાઈ કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

(3:54 pm IST)