Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

એસઓજીએ નામીચા ઇમ્તિયાઝ ઉર્ફ ઇનીયો ઉર્ફ ઠુઠો શેખ અને બજરંગવાડીની યાસ્મીનને ગાંજા સાથે દબોચ્યા

૧૬ ગુનામાં સામેલ અને છ દિ' પહેલા રૂખડીયાપરાનો શખ્સ જેલમાંથી છુટ્યો અને ત્યકતા મિત્રનો સાથ લઇ માદક પદાર્થ લઇ આવ્યોઃ જુની કલેકટર કચેરીવાળા રોડ પરથી પકડાયાઃ ૭ કિલો ૬૦ ગ્રામ ગાંજો કબ્જેઃ સુરત તરફથી લાવ્યાનું બંનેનું રટણઃ આગળની તપાસ માટે પ્ર.નગર પોલીસે બંનેનો કબ્જો સંભાળ્યોઃ કોઇને શંકા ન જાય એટલે યાસ્મીને પોતાના માસુમ બાળકને પણ સાથે રાખ્યું હતું: કોન્સ. અજયભાઇ શુકલા અને રણછોડભાઇ આલની બાતમી પરથી પીઆઇ આર.વાય. રાવલ અને ટીમની વધુ એક કામગીરી

રાજકોટ તા. ૨૨: શહેરમાં ગાંજાના બંધાણીઓ વધી ગયા હોવાનું અને તેનું વેંચાણ પણ થઇ રહ્યાનું હવે છાનુ રહ્યું નથી. શહેર એસઓજીની ટીમ માદક પદાર્થોની હેરાફેરી કે વેંચાણ કરનારાઓને અવાર-નવાર શોધી કાઢે છે. વધુ એક વખત રૂખડીયાપરાના નામનીચ મુસ્લિમ શખ્સ અને તેની સાથે બજરંગવાડીની એક મુસ્લિમ મહિલાને જુની કલેકટર કચેરીવાળા રોડ પર મામા સાહેબના મંદિર નજીકથી સાત કિલો ગાંજા સાથે પકડી લીધા છે. મુસ્લિમ શખ્સ તો હજુ છ દિવસ પહેલા જ એક ગુનામાં જેલમાંથી છુટ્યો છે. તે પોતાની ત્યકતા બહેનપણીનો સાથ લઇ સુરતથી ગાંજો લાવ્યાનું રટણ કરી રહ્યો છે. બંનેનો કબ્જો પ્ર.નગર પોલીસ મેળવી કોવિડ ટેસ્ટ કરાવી આગળ તપાસ કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ એસઓજીના કોન્સ. અજયભાઇ શુકલા અને રણછોડભાઇ આલને ચોક્કસ બાતમી મળી હતી કે બજરંગવાડીની એક મહિલા તેના બાળક સાથે તેમજ  તેના પરિચીત રૂખડીયાપરામાં હાજીપીરની દરગાહ પાસે રેલ્વે સ્ટેશન પાછળ રહેતાં નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ ઇનિયો ઉર્ફ ઠુઠો અલ્લારખાભાઇ શેખ (ઉ.વ.૩૫) સાથે થેલામાં નશાકાર પદાર્થ ગાંજો લઇને નીકળી રહી છે. આ બાતમી પરથી પીઆઇ આર.વાય. રાવલ અને ટીમે વોચ રાખતાં બાતમી મુજબ મહિલા એક બાળક અને ઇમ્તિયાઝ સાથે નીકળતાં અટકાવી તલાસી લેતાં થેલામાંથી રૂ. ૪૫,૬૦૦નો ૭.૬૦ કિ.ગ્રા. ગાંજો મળી આવતાં કબ્જે લઇ બંને સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

એસઓજીએ ગાંજો, રોકડા રૂ. ૭૦૦, એક મોબાઇલ ફોન અને થેલો મળી રૂ. ૪૬૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહિલાએ પુછતાછમાં પોતાનું નામ યાસ્મીન ગુલાબ સેલત (પિતાનું નામ યુસુફભાઇ સમા) (ઉ.વ.૩૪-રહે. બજરંગવાડી-૫, સમા મંજીલ) જણાવ્યું હતું.  પ્રાથમિક પુછતાછમાં આ બંને સુરતથી ગાંજો વેંચવા માટે લાવ્યાનું બંનેએ રટણ કર્યુ હતું.

પોલીસ સુત્રોના કહેવા મુજબ ઇમ્તિયાઝ ઉર્ફ ઇનિયો ઉર્ફ ઠુઠો અગાઉ મારામારી, લૂંટ  સહિતના ૧૬ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે અને અગાઉ બે વાર પાસામાં પણ જઇ આવ્યો છે. હજુ છ દિવસ પહેલા જ તે  એક ગુનામાં જેલમાંથી બહાર આવ્યો છે. આવતાની સાથે જ પરિચીત યાસ્મીનને લઇ સુરત ગયો હતો અને ગાંજો લાવ્યો હતો. પડીકીઓ બનાવી બંધાણીઓને વેંચે એ પહેલા એસઓજીએ બંનેને દબોચી લીધા હતાં. મહિલા ત્યકતા છે અને ઇમ્તિયાઝ ઉર્ફ ઇનિયાની મિત્ર છે. જેલમાંથી નીકળ્યા પછી ઇનિયાને પૈસાની જરૂર હોઇ અને યાસ્મીનને પણ પૈસાની જરૂર હોઇ બંને ગાંજો લેવા ગયા હતાં. કોઇને શંકા ન જાય એટલે યાસ્મીને પોતાનું બાળક (દિકરો)ને પણ સાથે લીધુ હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ આર.વાય. રાવલ, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અજયભાઇ શુકલા, રણછોડભાઇ આલ, હિતેષભાઇ રબારી, કૃષ્ણસિંહ જાડેજા અને સોનાબેન મુળીયાએ આ કામગીરી કરી હતી.

આગળની તપાસ માટે બંને આરોપીનો કબ્જો પ્ર.નગર પોલીસને સોંપાતા પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં વિશેષ તપાસ થશે. કોવિડ રિપોર્ટ બાદ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરાશે.

(11:27 am IST)