Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કાલે ક્ષમાનું મહાપર્વ સંવત્સરીઃ જૈનો ક્ષમાપના માંગશે

ગુરૂ ભગવંતોના ઓનલાઇન પ્રવચનોનું શ્રાવક-શ્રાવીકાઓ દ્વારા શ્રવણઃ સામુહીક ધાર્મિક અનુષ્ઠાનો બંધ હોવાથી ઘરે જ પ્રતિક્રમણ કરાશેઃ પર્યુષણ પર્વ કાલે સંવત્સરી સાથે સંપન્ન થશે. જૈન સમાજ દ્વારા કોરોનાના સમયમાં પણ તપ, ત્યાગ અને આરાધનાની હેલી છે. દરરોજ પૂ. ગુરૂભગવંતોના ઓનલાઇન પ્રવચનોનો હજારો જૈનો લાભ લઇ રહ્યા છે. દેરાસરોમાં પ્રભુજીની આંગી કરવામાં આવી રહી છે. કોરોના ગાઇડ લાઇન સાથે ભાવિકો દર્શનનો લાભ લે છે. પંચવટી દેરાસર ખાતે શ્રી સીમંધર દાદાની નયનરમ્ય આંગી રચવામાં આવેલ.

રાજકોટ તા. ર૧ :.. તપ, ત્યાગ અને ધર્મ આરાધના સાથે પર્વાધીરાજ પર્યુષણના દિવસો પસાર થઇ રહ્યા છે. આજે સાતમા દિવસે જૈનોમાં હર્ષોલ્લાસ છવાયો છે. દેરાસરોમાં પરમાત્માનો ભવ્ય આંગી રચવામાં આવી છે. દર્શન માટે ભાવિકો કોરોના ગાઇડ લાઇનને અનુસરી રહ્યા છે. સંઘો દ્વારા પણ પુરી તકેદારી રાખવામાં આવી રહી છે.

આવતીકાલે શનીવારે ક્ષમાપનાનો પર્વ સંવત્સરી સાથે મહાપર્વ પર્યુષણનું સમાપન થશે. દેરાસરોમાં કલ્પસૂત્ર વ્યાખ્યાનો પણ પુર્ણ થાય છે. હાલની પરિસ્થિતિમાં વ્યાખ્યાન યોજવામાં નથી આવ્યા. કાલે સંવત્સરીના પાવન પર્વે પ્રતિક્રમણ સાથે જૈનો એક-બીજાની ક્ષમાપના યાચશે. રવિવારે તપસ્વીઓ તપના પારણા ઘરે જ કરશે.

જૈનો દ્વારા કોરોનાની વૈશ્વીક મહામારીના કારણે ઘરે જ પર્યુષણ આરાધના કરાઇ રહી છે. વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા ભકિતમાં લીન છે. ગુરૂભગવંતોના પ્રવચનો પણ સોશ્યલ મિડીયા અને ધાર્મિક ટીવી ચેનલોમાં યોજાય રહ્યા છે. જૈનો શ્રાવક-શ્રાવીકાઓ લાભ લઇ રહ્યા છે.

ગઇકાલે પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે કલ્પસૂત્રના પાંચમા અને છઠ્ઠા વ્યાખ્યાન પુરા થયેલ. પૂ. ગુરૂ ભગવંતોને બારસા સૂત્રની પોથી વહોરાવવાની અને બારસા સૂત્ર શ્રવણ સહિતના ધાર્મિક અનુષ્ઠાનો કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવ્યા છે.

આજે પર્યુષણ પર્વના સાતમા દિવસે કલ્પસૂત્રના સાતમા અને આઠમા વ્યાખ્યાનમાં ગુરૂ ભગવંતો દ્વારા સામાન્ય દિવસોમાં પ્રભુ પાર્શ્વનાથ, પ્રભુ નેમીનાથ તથા ભગવાન ઋષભદેવના ચારિત્ર ઉપર પ્રવચન આપે છે. વિર પ્રભુની પાટ પરંપરાનું વર્ણન કરવામાં આવે છે. જંબુસ્વામી, ભદ્રબાહુ સ્વામી, શ્રી સ્થુલભદ્ર સ્વામી, આચાર્ય સુહસ્તિસૂરી, વ્રજસ્વામી વગેરેનું વર્ણન કરાય છે.

(11:29 am IST)