Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

બાબુ ચુનાના નકલી પાઉચ બનાવનાર સામે ગુનો, પણ નકલી રોલ પ્લાસ્ટીક છાપનાર સામે કાર્યવાહી કેમ નહિ?

એસ.પી. પ્રોડકટ્સના પરષોત્તમભાઇ લુણાગરીયાની સુરેન્દ્રનગર એસપીને લેખિત ફરિયાદઃ શાપર વેરાવળમાં નકલી પ્લાસ્ટીક છાપનાર સિધ્ધી પોલીપ્લાસ્ટવાળા સામે પણ કાર્યવાહી કરવા માંગણી

રાજકોટ તા. ૨૧: બે મહિના પહેલા સુરેન્દ્રનગરના દશાળા પોલીસે રાજકોટના ખુબ જાણીતા એસપી પ્રોડકટસના બાબુ ચુનાના ડુપ્લીકેટ પાર્સલ વેંચવા અંગેનો કોપીરાઇટ ભંગ હેઠળનો કેસ નોંધી દશાળાના મેરા ગામના નાસીરખાન નસીબખાન મલેક વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ. બે લાખથી વધુના પાઉચ કબ્જે કર્યા હતાં. તે ડુપ્લીકેટ ખાવાના ચુનાના પાર્સલ બનાવતો હોવાનું ખુલતાં તે મુજબની કાર્યવાહી થઇ હતી. ત્યાંથી મશીન, ઓરીજીનલ પાઉચને મળતાં ડુપ્લીકેટ ચુનાના પાઉચના ઝબલા, એસ. કે. બાબુ નામવાળો પ્રિન્ટીંગ રોલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પરંતુ આ નકલી પાર્સલ બનાવવા રોલ છાપનારા શાપર વેરાવળના કારખાનેદાર વિરૂધ્ધ કોઇ કાર્યવાહી ન થતાં બાબુ ચુનાના ઉત્પાદક રાજકોટના પટેલ ઉદ્યોગપતિએ સુરેન્દ્રનગર એસપીને લેખિત ફરિયાદ કરી ન્યાયી કાર્યવાહીની માંગણી કરી છે. 

શહેરના પચાસ ફુટ રોડ પર મારૂતિનગરમાં મારૂતિ પાન સામે રહેતાં એસ. પી. પ્રોડકટ્સ નામે બાબુ ચુના પાર્સલ- ખાવાના ચુનાના પાર્સલનું ઉત્પાદન  કરતાં પરષોત્તમભાઇ ધરમશીભાઇ લુણાગરીયાએ આ મામલે સુરેન્દ્રનગર રૂરલ એસપીશ્રીને લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે દશાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોપીરાઇટ એકટની કલમ ૬૩, ૬૪, ૬૫ અંતર્ગતના તા. ૧૦/૬/૨૦ના ગુનામાં બાબુ ચુના માટેનું નકલી પ્લાસ્ટીક છાપનાર સિધ્ધી પોલીપ્લાસ્ટવાળા ધવલભાઇ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ગુનાહિત પ્રવૃતિમાં વપરાયેલા સિલિન્ડર, બ્લોક, ડાય અને રોલ પ્લાસ્ટીક છાપવાની મશીનરી પણ સીઝ કરી કબ્જે કરવામાં આવી નથી. આ મામલે યોગ્ય તપાસ કરાવી ન્યાય અપાવવા અમારી માંગણી છે.

પરષોત્તમભાઇ લુણાગરીયાએ રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે સુરેન્દ્રનગરના દશાળા પોલીસ મથકમાં કોપીરાઇટ એકટ અંતર્ગત પાટડી તાલુકાના મેરા ગામના નાસીરખાન નસિબખાન મલેક વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો અને તેની પાસેથી ખાવાના ચુનાના ડુપ્લીકેટ પાઉચ રૂ. ૨,૦૯,૩૨૦ના કબ્જે કરવામાં આવ્યા હતાં.  કોઇપણ વ્યકિત કે જે પ્રિન્ટીંગના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તે કોપીરાઇટનો ભંગ કરી કોપીરાઇટ રજીસ્ટર્ડ કોઇપણ કંપ્નીના લોગો, નામ, બ્રાન્ડ, રંગ, ડિઝાઇનની છાપણી રજીસ્ટર્ડ થયેલી જે તે કંપનીની મંજુરી પરવાનગી વગર છાપી શકે નહિ. અમે એસ.પી. પ્રોડકટસ અંતર્ગત બાબુ પાર્સલ ખાવાના ચુનાનું ઉત્પાદન કરીએ છીએ. જે આખા દેશમાં પ્રખ્યાત છે.

કોપીરાઇટ ગુનામાં જે કંપની-પેઢીનું કોપીરાઇટ રજીસ્ટ્રેશન થયું છે તેની રજા વગર કોઇપણ પ્રિન્ટીંગ કરનાર વ્યકિત-પેઢી-કંપની કોપીરાઇટનો ભંગ કરી ગેરકાયદેસર પ્લાસ્ટીક રોલની છાપણી કરે તો તે છાપણી કરનારની મશીનરી, સિલીન્ડર, બ્લોક, ડાય, રોલ, પ્રિન્ટીંગ મશીન એ બધુ જ ગુનાના કામે કબ્જે કરવાનું થતું હોય છે અને તેના માલિકની ધરપકડ કરવાની હોય છે. આ સંદર્ભે રેફરન્સ તરીકે મોરબી તાલુકા પોલીસ મથકમાં રજીસ્ટર્ડ થયેલા ગુના નં. ૪૫૪/૨૦૧૮ના કોપીરાઇટ એકટ સહિતની વિગતો જોઇ શકાય છે. આ ગુનો તા. ૨૨/૦૯/૨૦૧૮ના નોંધાયો હતો. જેમાં પોલીસે તે વખતે ગેરકાયદેસર પ્રિન્ટીંગ કરનાર સામે પણ કાર્યવાહી કરી હતી.

દશાળા પોલીસે નોંધેલા ગુનામાં આરોપી નાસિરખાને કોપીરાઇટ ભંગક રી જે પ્લાસ્ટીક છપાવ્યું છે તેને અમે ફરિયાદીએ કોઇ પરવાનગી કે રજા આપી નથી. આમ છતાં રાજકોટના શાપર વેરાવળ શાંતિધામ મેઇન રોડ પર અક્ષર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા સિધ્ધી પોલીપ્લાસ્ટના માલિક ધવલભાઇનું નામ ગુનાના કામે ખુલવા છતાં અને રૂબરૂ મળી રજૂઆત કરવા છતાં તેની ધરપકડની કે પછી તેની પાસેથી મશીનરી સહિતનું કંઇપણ જપ્ત કરવામાં આવ્યું નથી જે અમારા ફરિયાદી માટે દુઃખદ અને ખેદજનક છે. આ જોતાં એમ જણાય છે કે ગુનાહિત પ્રવૃતિ આચરનારને ઇન્ડાયરેકટ આવી પ્રવૃતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવા કૃત્યને કારણે અમારી પેઢીને નુકસાન થઇ રહ્યું છે. જો કાર્યવાહી નહિ થાય તો બીજા લોકો પણ આ રીતે અમારી પેઢીના માલનું ડુપ્લીકેટ પેકીંગ બનાવતાં રહેશે. આ મામલે ઉંડી તપાસ કરાવી જે કોઇ સંડોવાયા હોય તે તમામ સામે કડક કાર્યવાહી કરાવવા અમારી માંગણી છે. તેમ વધુમાં પરષોત્તમભાઇ લુણાગરીયાએ જણાવ્યું છે.

આ અંગેની રજૂઆતની નકલ રાજ્યપાલ, મુખ્યમંત્રી ગૃહમંત્રી, ગૃહસચિવ, રેન્જ આઇજી, રાજ્યના પોલીસ વડા તેમજ કલેકટર સુરેન્દ્રનગર અને પીઆઇ દશાળા પોલીસ સ્ટેશનને પણ પરષોત્તમભાઇએ મોકલી ન્યાયની માંગણી કરી છે.

(1:06 pm IST)