Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વિરાણી હાઇસ્કુલમાં નેત્ર નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પ

રાજકોટઃ કોરોના કાળમાં તાજેતરમાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્યનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓના બાલસહજ કલબલાટથી શાળાઓનું વાતાવરણ ખીલી ઉઠયું છે. ત્યારે આ પ્રત્યક્ષ શિક્ષણના આરંભે શાળાના વર્ગખંડમાં ગણિત વિષયના શિક્ષણમાં છેલ્લી બેંચમાં બેસેલા વિદ્યાર્થીએ શિક્ષકને પૂછયું કે હું આગળ બેસું? શિક્ષકે તેને આગળ બેસવા માટેનું કારણ પૂછયું તો જાણવા મળ્યું કે તેને છેલ્લી બેંચથી બ્લેક બોર્ડનું લખાણ સ્પષ્ટ વચાતું નથી. સાંદિપની વિદ્યાપીઠ દ્વારા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર, સાયન્સના અનુસ્નાતક, પી.એચ.ડી. પ્રયોગશીલ શિક્ષક ડો. કૃષ્ણકુમાર મહેતાને વાત સમજતા વાર ન લાગી. આ શિક્ષકે શાળાના આચાર્યની સંમતિ લઇને સહજ આઇ કેર સેન્ટરના બાળકોની આંખના નિષ્ણાત આઇ સર્જન ડો. પૂજાબેન લાખાણી શેઠનો સંપર્ક કર્યો અને કેમ્પ. ગોઠવી નાખ્યો. ડો. પૂજાબેને પોતાની હોસ્પિટલના આસિસ્ટન્ટ સ્ટાફને આંખ ચકાસણીના સાધનો સાથે વિરાણી હાઇસ્કૂલમાં મોકલીને બે તબકકામાં ધો. ૯ અને ૧૦ના આશરે ૬૦૦ વિદ્યાર્થીઓની આંખની અદ્યતન સાધન દ્વારા વ્યકિતગત તપાસ કરી, જેમાં ૮પ જેટલા વિદ્યાર્થીઓને આંખમાં ચશ્માના નંબરનું નિદાન થયું. ગ્રાન્ટેડ શાળામાં ભણતા આ છાત્રોને નિઃશુલ્ક ધોરણે નંબરવાળા ચશ્મા મળી રહે તે માટે ડો. તારાબેન ગાંધી સાથે પરામર્શન કર્યું. લાયન્સ કલબ રાજકોટ મિડટાઉનના સૌજન્યથી તેમજ સત્યમ સેવા ફાઉન્ડેશનના ચંદ્રકાન્તભાઇ મણિયાર, સચિનભાઇ મણિયારના આર્થિક સહયોગથી આ સેવાકાર્ય સાકાર થયું. વિરાણી હાઇસ્કૂલના પ્રાર્થના સભાખંડમાં માસ્ક, સોશિઅલ ડિસ્ટન્સના કોરોના પ્રોટોકોલ સાથે છાત્રોને આકર્ષક ટકાઉ ફ્રેમવાળા ચશ્મા વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં સંપન્ન થયો. સાદગીપૂર્ણ એવં ગરિમાયુકત આ સેવાકાર્યમાં લાયન્સ કલબ મિડટાઉન રાજકોટના ચેરમેન જે. કે. પટેલ, સત્યમ સેવા ફાઉન્ડેશનના સેક્રેટરી સચિનભાઇ મણિયાર, વરિષ્ઠ તબીબ ડો. તારાબેન ગાંધી, સહજ આઇ. કેર સેન્ટરના ડો. પૂજાબેન લાખાણી, શેઠ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જે. કે. પટેલ અને સચિનભાઇ મણિયારે પ્રાસંગિક ઉદ્દબોધનમાં વિરાણી હાઇસ્કૂલના દ્રષ્ટિવાન શિક્ષક ડો. કૃષ્ણકુમાર મહેતાના આ વિદ્યાર્થીલક્ષી અભિગમને તથા આચાર્યનાં સહયોગે બિરદાવ્યો હતો. શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયાએ શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિષે જણાવીને આ સેવાકાર્યમાં સહભાગી થવા બદલ ડો. પૂજાબેન લાખાણી શેઠ, સત્યમ સેવા ફાઉન્ડેશન, લાયન્સ કલબ મિડટાઉનનો આભાર વ્યકત કર્યો હતો. વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટનાં પ્રમુખ જયંતભાઇ દેસાઇએ આ સેવા પ્રવૃત્તિમાં જોડાયેલ સૌને અભિનંદન પાઠવીને અન્ય સૌ શાળા સંચાલકોને પણ પોતાની શાળાઓમાં આ પ્રકારે સૌ વિદ્યાર્થીઓની આંખચકાસણી કરવા તેમણે અનુરોધ કર્યો છે. 

(2:56 pm IST)