Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિધાનસભા ચૂંટણી : તમામ અધિકારીઓને એકશન મોડમાં આવી જવા કલેકટરની સુચનાઃ નિયમો તાકિદે જાણી લો

રાજકોટ , તા.૨૧: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૌ અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે એકશન મોડમાં આવી જવા તેમણે સૂચના આપી હતી.

જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે સવારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દૈવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર, જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી તથા અધિક કલેકટરશ્રી એસ. જે. ખાચર તેમજ વિવિધ વિભાગોના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વિભાગવાર કામગીરીની વહેંચણી કરી, ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે દરેક અધિકારી-કર્મચારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા, લોકપ્રતિનિધિત્વ ધારો, કંડકટ ઓફ ઇલેકશન રૂલ્સ સહિતના સાહિત્યનો અભ્યાસ કરી લેવા જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણી માટે હવે મર્યાદિત સમય હોવાથી સૌને એકશન મોડમાં કામ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત મતદારો લોકશાહીના પર્વનો લાભ લઈને, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યકમો યોજવા સૂચના આપી હતી. ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંતરિત થતા મતદારો મતદાન કરી શકે તે માટે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને આયોજન કરવા પણ જણાવ્યું હતું.

(3:52 pm IST)