Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગ્રામસેવકો ખુશખુશાલ : જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ઓપન હાઉસ બઢતી - બદલી

૬૦ ગ્રામસેવકોની બદલી : ૨૫ ગ્રામસેવકોને વિસ્‍તરણ અધિકારી તરીકે બઢતી : ટીમ ડી.ડી.ઓ.ની પ્રશંસનીય કામગીરી

રાજકોટ તા. ૨૧ : જિલ્લા પંચાયતમાં વર્ગ-૩ના ગ્રામસેવક અને વિસ્‍તરણ અધિકારી કક્ષાના કર્મચારીઓની બઢતી બદલી માટે સિનીયોરીટીના આધારે સંપૂર્ણ પારદર્શક પધ્‍ધતિથી નિર્ણય કરવામાં આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ગઇકાલે આ અંગેનો કેમ્‍પ રાખવામાં આવેલ. પંચાયતમાં ગ્રામસેવક કક્ષાએ બઢતી અને બદલી માટે ઓપન હાઉસ પધ્‍ધતિ અપનાવવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્‍યું છે. મેરીટ મુજબ પસંદગીની જગ્‍યાએ નિમણુંક મળતા બઢતી કે બદલી પામેલા કર્મચારીઓમાં સંતોષની લાગણી છે.
પંચાયતના ૮૫ ગ્રામસેવકો પૈકી ૨૫ ગ્રામસેવકોને એ જ વર્ગમાં વિસ્‍તરણ અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. અન્‍ય ૬૦ ગ્રામસેવક અને ૨૦ વિસ્‍તરણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગ્રામસેવકોની ૪૨ જેટલી જગ્‍યાઓ ખાલી પડી છે. તેના માટે સરકારમાં માંગણી કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્‍પર્ધાત્‍મક પરીક્ષા લઇ ગ્રામસેવકની નિમણુંક કરવાની પ્રક્રિયા અંતિમચરણમાં છે. ટુંક સમયમાં જિલ્લા પંચાયતને ૪૨ ગ્રામ સેવકો ફાળવાશે તેથી બધી ખાલી જગ્‍યા ભરાઇ જશે.
પારદર્શક બઢતી - બદલી કેમ્‍પ માટે ડીડીઓ દેવ ચૌધરી, ડે.ડીડીઓ બ્રિજેશ કાલરિયા, કાર્યકારી જિલ્લા ખેતીવાડી અધિકારી એ.એલ.સોજીત્રા વગેરેએ મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

 

(3:55 pm IST)