Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ધૂમ ગ્રુપ દ્વારા શુક્રવારે વેલકમ નવરાત્રીનું આયોજન

વિરાણીના મેદાનમાં યોજાશે દાંડીયા વિથ ડિનરઃ ગાયકોના સથવારે ખેલૈયાઓ ઝુમશે

રાજકોટઃ શહેરમાં છેલ્લા ૧૦ વર્ષથી વેલકમ નવરાત્રીનું અદકેરૂ આયોજન ધૂમ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ અમદાવાદ ફિલ્‍મ સીટી વીલા પ્રાયોજિત અને આજકાલ અખબારના સહયોગથી ધૂમ ગ્રુપ દ્વારા તા.૨૩ શુક્રવારે વિરાણી સ્‍કૂલના વિશાળ ગ્રાઉન્‍ડમાં વેલકમ નવરાત્રી (વન-ડે)નું પારિવારિક દાંડિયા વિથ ડિનરનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

ગુજરાતની ઓળખ નવરાત્રી. ત્‍યારે રાજકોટની પણ નવરાત્રીને લઈને એક અલગ જ ઓળખ છે. રાજકોટમાં નવરાત્રી નવ દિવસ નહીં પરંતુ એક મહિને ચાલે છે. જેમાં નવરાત્રીના નવ દિવસ પહેલાના પંદર દિવસ વેલકમ નવરાત્રી અને નવ દિવસ બાદના પંદર દિવસ બાય- બાય નવરાત્રીના આયોજન કરવામાં આવે છે. જેમાં નાના ભૂલકાઓ, યુવાહૈયાનો અને સિનિયર સીટીઝન ગરબાની રમઝટ બોલાવતા જોવા મળે છે.

ગરબા પહેલા ગરબા એટલે વેલકમ નવરાત્રી અને ગરબા પછી ગરબા એટલે બાય બાય નવરાત્રીએ રાજકોટની ઓળખ બની ગઈ છે. શહેરની રંગીલી જનતા દરેક તહેવારને રંગે ચંગે ઉજવતી હોય છે અને એમાં પણ ગરબા એટલે રાજકોટવાસીઓનો પ્રિય તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રી પર્વની ઉજવણી ઉમંગ અને ઉત્‍સાહ સાથે થવાની છે. ત્‍યારે અગાઉની જેમ આ વર્ષે પણ રાજકોટવાસીઓએ ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં રાસની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે. ત્‍યારે ગરબાના આયોજકો દ્વારા નવ દિવસના ગરબા પૂર્વે વેલકમ નવરાત્રીનું વન-ડેનું જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા એક દાયકાથી ધૂમ ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રીના ઉપલક્ષમાં ફેમીલી ગરબાનું વન-ડે આયોજન આજકાલના જનરલ મેનેજર અતુલભાઈ જોશી અને ફોટોગ્રાફર રાજુભાઈ વાડોલિયાની રાહબરીમાં આ વર્ષે પણ વિશાળ વિરાણી સ્‍કૂલના ગ્રાઉન્‍ડમાં તા.૨૩ને શુક્રવારના રોજ કરવામાં આવ્‍યું છે. વિરાણી ગ્રાઉન્‍ડમાં જેબીએલ વર્ટિકસની હાઈવોટ સાઉન્‍ડ સિસ્‍ટમ અને મુંબઈ- સૌરાષ્‍ટ્રના સુપ્રસિધ્‍ધ સિંગર્સ સોમાલી રોય, અમી ગોસાઈ, દિપક રાજના સુમધુર કંઠની સાથે રિધમ ઓફ ઈન્‍ડિયા ઓર્કેસ્‍ટ્રાના સંગાથે ભવ્‍ય રાસોત્‍સવ જામશે.

વેલકમ નવરાત્રીના ધમાકેદાર આયોજનના પાસ માટે ઈવેન્‍ટના કો- ઓર્ડીનેટર યશ જોષી (ક્રિએટિવ હેડ) (મો.૯૧૦૬૦ ૨૩૨૬૩) અને કરણ વાડોલિયા (કે.વી.ફોટોગ્રાફી વિડીયો)નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)