Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

બાલભવનમાં ભુલકાઓ માતાજીની આરાધના કરશેઃ અર્વાચીન દાંડીયારાસ

ઓરકેસ્‍ટ્રાના તાલે રાસ- ગરબાની જમાવટઃ વિજેતાઓને ઈનામોની વણઝારઃ ફોર્મ વિતરણ ચાલુ

રાજકોટઃ દરવર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જયાં ફકત બાળકો ઓરકેસ્‍ટ્રાનાં તાલમાં, જગમગાટ રોશની તેમજ વિઝયુઅલ સ્‍ક્રીન ઈફેકટ અને માતાજીની આરાધના સાથે ઝુમી ઉઠે છે. ત્રણ વર્ષ બાદ બાલભવન રાજકોટનાં માનદ મંત્રી શ્રી મનસુખભાઈ જોષી અને ટ્રસ્‍ટશ્રી ડો.અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન)નાં માર્ગદર્શન હેઠળ બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે ફરી એવા જ આયોજન માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

નવરાત્રી મહોત્‍સવ તા.૨૬/૯ થી તા.૫/૧૦ બાલભવનનાં વિશાળ જોકર ગ્રાઉન્‍ડમાં ઓરકેસ્‍ટ્રાનાં તાલે રાસ- ગરબા નૃત્‍યનાં પડઘમ સાથે દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમ્‍યાન ઉજવાશે.

જેમાં ૫ થી ૧૬ વર્ષનાં દરેક બાળકો ભાગ લઈ શકે છે. (ગ્રુપ- એ) ૫ થી ૧૦ વર્ષ અને (ગ્રુપ-બી) ૧૧ થી ૧૬ વર્ષ પ્રમાણે બાળ ખેલૈયાઓ ફોર્મ ભરી શકે છે. સીઝન પાસ ધરાવનાર દરેક બાળકને પ્રિન્‍સ/ પ્રિન્‍સેસ જાહેર કરી ઈનામ પૂરસ્‍કાર આપી સન્‍માનીત કરવામાં આવે છે. જેના ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૫/૯સુધી લંબાવાઈ છે. સવારે ૧૧ થી ૧:૩૦ અને સાંજે ૫ થી ૮ દરમ્‍યાન ફોર્મ ભરી શકાશે.

બાળકો માટે અર્વાચીન દાંડિયારાસનું આ એકમાત્ર આયોજન હોય છે ને ફકત ૫ થી ૧૬ વર્ષનાં બાળકો એમાં પણ (ગ્રુપ-એ) ૫ થી ૧૦ વર્ષ અને (ગ્રુપ-બી) ૧૧ થી ૧૬ વર્ષ (જનરલ રાઉન્‍ડ સિવાય) બે ગ્રુપમાં રમવાનું હોય લાઈવ ઓરકેસ્‍ટ્રા અદ્દભૂત સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ તથા વિવિધ લાઈટીંગ સાથે બાળકો નિડરતાથી રમી શકે છે. સીઝન પાસ ધરાવતા બાળકનાં વાલીઓ માટે જોવા માટેનાં બે ફ્રી પાસ અને બેઠક વ્‍યવસ્‍થા અને એક (છેલ્લા) દિવસનો રમવાનો ફ્રી પાસ પણ આપવામાં આવે છે. ઉપરાંત આરતી શણગાર, દાંડિયા શણગાર, ગરબા શણગાર જેવી ઘણી બધી સ્‍પર્ધાઓ પણ યોજાય છે. બાળ ખેલૈયાઓએ બાલભવન ખાતે રૂબરૂ સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(4:14 pm IST)