Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પૈસાનો ડખ્ખોઃ જીમ સંચાલક રવિ પટેલને માર મારી સોનાના બે ચેઇન, રિવોલ્વર અને કાર પડાવી લીધાઃ એક સકંજામાં

અંબિકા ટાઉનશીપમાં રહેતાં રવિએ કોૈશિક દેપાણી પાસેથી લીધેલી રકમનો હપ્તો ચુકવવામાં મોડુ થતાં કોૈશિક, પ્રિત અને સાગરે માર મારી મત્તા પડાવ્યાનો આરોપઃ તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૧: નાના મવા રોડ પર અંબકા ટાઉનશીપમાં રહેતાં અને પ્રેમ મંદિર પાસે જીમ ચલાવતાં યુવાને વ્યાજે લીધેલી રકમનો હપ્તો ગઇકાલે સવારે ચુકવવાનો હોઇ તે સમયસર પહોંચાડવામાં મોડુ થઇ જતાં અને તે રાતે આ હપ્તાની રકમ દેવા જતાં લેણદારે મોડુ કેમ કર્યુ? કહી ગાળો દઇ બીજા બે જણા સાથે મળી જીમ સંચાલકને માર મારી તેના સોનાના  બે ચેઇન, લાયસન્સવાળી રિવોલ્વર તથા વેગનઆર કાર પડાવી લેતાં તેણે પોલીસને જાણ કરતાં પોલીસે તુરંત પહોંચી કાર્યવાહી કરી આરોપીઓ પૈકી એકને સકંજામાં લઇ મુદ્દામાલ કબ્જે કરવા તજવીજ કરી હતી.

આ અંગે તાલુકા પોલીસે નાના મવા રોડ અંબિકા ટાઉનશીપ સિધ્ધી સિલ્વર એપાર્ટમેન્ટ પાંચમા માળે બ્લોક નં. ૫૦૨માં રહેતાં અને પ્રેમ મંદિર પાસે આર. બી. ફિટનેસ નામે જીમ ચલાવતાં રવિ બેચરભાઇ પટેલ (ઉ.૩૦)ની ફરિયાદ પરથી કોૈશિક દેપાણી, પ્રિત પટેલ તથા સાગર પટેલ સામે આઇપીસી ૩૮૪, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

રવિએ પોલીસને જણાવ્યું છે કે હું રાતે સાડા નવેક વાગ્યે મારા જીમથી વેગનઆર કાર જીજે૦૩જેએલ-૪૫૯૩ હંકારીને કોૈશિક દેપાણી કે જેને મારે પૈસા આપવાના હોઇ તે આપવા તેના ઘરે ઇશ્કોન એમ્બીટો શ્યામલ ઉપવન બિલ્ડીંગની બાજુમાં ૮૦ ફુટ રોડ ખાતે ગયો હતો. મારે તેમને પૈસા આપવામાં મોડુ થયું હોઇ જેથી અમારી વચ્ચે ત્યાં બોલાચાલી થઇ હતી. જેથી તેણે ઉશ્કેરાઇ જઇ મને ગાડીમાંથી બહાર કાઢી ગાળો દીધી હતી.

મેં તેને ગાળો નહિ આપવા અને સમજાવવાની કોશિષ કરી હતી પરંતુ તે સમજેલ નહિ. ત્યાં તેના મિત્રો પ્રિત પટેલ અને સાગર પટેલ પણ આવી ગયા હતાં. આ બંનેએ મને પકડી રાખ્યો હતો અને કોૈશિકે મને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ કોૈશિકે મારા ગળામાંથી બળજબરીથી ઝોંટ મારી સોનાનો ચેઇન રૂ. ૯૫ હજારનો તથા બીજો રૂ. ૬૮ હજારનો ખેંચી લીધો હતો. આ ઉપરાંત મારી લાયસન્સવાળી રિવોલ્વર માર્કફોર કાનપુર ઇન્ડિયા બનાવટની જે પાંચ કાર્ટીસ સાથે લોડ કરેલી હતી તે રૂ. ૧,૧૮,૦૦૦ની તેમજ મારી વેગનઆર કાર જીજે૦૩જેએલ-૪૫૯૩ રૂ. ૨ લાખની બળજબરીથી પડાવી ભાગી ગયા હતાં. આમ કુલ રૂ. ૪,૮૧,૦૦૦ની માલમત્તા મને ગાળો દઇ મારકુટ કરી પડાવીને ત્રણેય ભાગી ગયા હતાં.

તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. કે. રાજપુરોહીત સહિતની ટીમે તત્કાળ કાર્યવાહી કરી ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લીધા હતાં. જીમ સંચાલક રવિ પટેલે વધુમાં કહ્યું હતું કે તેને ધંધા માટે પૈસાની જરૂર હોઇ કારખાનેદાર કોૈશિક દેપાણી પાસેથી રૂપિયા ત્રણ લાખ વ્યાજે લીધા હતાં. દર મહિને તેનો રૂ. ૧૩૫૦૦નો હપ્તો ચુકવે છે. ગઇકાલે સવારે આ હપ્તો ચુકવવાનો હોઇ તેના બદલે સાંજે કોૈશિકના ઘર પાસે આ રકમ ચુકવવા જતાં માથાકુટ થઇ હતી.

પોતાને મારકુટ થતાં પોતે કાર રેઢી મુકી દૂર રોડ પર જતો રહ્યો હતો અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી પોતાની કાર, રિવોલ્વર, ચેઇન લૂંટી લેવાયાની જાણ કરતાં તાલુકા પોલીસે ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે હાલ કોૈશિક દેપાણીને સકંજામાં લઇ રિવોલ્વર સહિતની ચીજવસ્તુઓ કબ્જે લીધી છે. તેની પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે રવિ મારો નાનપણનો ભાઇબંધ છે. તેને જીમ માટે ચીનથી મશીન મંગાવવા હોઇ છ લાખની લોન મેં મારા નામે લઇને તેને રકમ આપી હતી. તે હવે પૈસા ચુકવતો નથી. ગઇકાલે આ બાબતની વાતચીત કરવા ભેગા થયા હતાં ત્યારે તેણે માથાકુટ કરી હતી અને ઝઘડો થયો હતો.

(3:34 pm IST)