Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

એમેઝોન પેના QR કોર્ડ અપાવી દેવા માટે વિશ્વાસમાં લઇ વેપારી ભરતભાઇ નામે ૪ લોન લઇ ૧.૪૮ લાખની ઠગાઇ

મેટોડા જીઆઇડીસીમાં રહેતા ભરતભાઇ મકવાણાની ફરિયાદ પરથી મહાવીરસિંહ સોલંકી સામે ગુનો

રાજકોટ તા. ૨૨ : મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ માં સિધ્‍ધી ટાઉનશીપમાં રહેતા વેપારી સાથે રૂા. ૧,૪૮,૬૦૦ની છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ લોધીકા પોલીસ મથકમાં થઇ છે.

મળતી વિગત મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩માં આવેલા સિધ્‍ધી ટાઉનશીપ બ્‍લોક નં. ૧૬માં રહેતા અને જીઆઇડીસીના ગેઇટ નં. ૩ પાસે સહયોગ કોમ્‍પ્‍લેક્ષમાં મકવાણા ટેલરીંગ મટીરીયલ નામની દુકાન ધરાવતા ભરતભાઇ હસમુખભાઇ મકવાણા (ઉ.વ.૪૦) એ લોધીકા પોલીસ મથકમાં મહાવીરસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. ભરતભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, આશરે દોઢેક વર્ષ પહેલા, તેમની દુકાને એમેઝોન પેના ક્‍યુઆર કોડ અપાવવા માટે આરોપી મહાવીરસિંહ સોલંકી આવ્‍યો હતો અને પોતે એમેઝોન કંપનીમાંથી આવે છે તેવું કહ્યું હતું. બાદ તેણે પોતાનો મોબાઇલ નંબર તથા બેંક એકાઉન્‍ટની વિગતો લઇ તેણે એમેઝોન પેના ક્‍યુઆર કોડ આપી પોતાનું એકાઉન્‍ટ એમેઝોન પેના ક્‍યુઆર કોડમાં ખોલી દીધું હતું. બાદ ઓગસ્‍ટ ૨૦૨૧માં તે ફરી દુકાને આવ્‍યો હતો અને કહ્યું હતું કે, લોનની જરૂરીયાત હોય તો કહેજો હું તમને નવી એપ્‍લીકેશનમાંથી લોન કરાવી આપીશ જેથી પોતે તેના પર વિશ્વાસ કરી કહ્યું હતું કે, ૫૦ હજારની જરૂરીયાત છે. તો આરોપી મહાવીરસિંહએ કહેલ કે ‘હું તમને એક લાખ વીસ હજારની લોન કરાવી આપીશ બાકીના પૈસાની તમારી જરૂરીયાત ન હોય, તો તે પૈસા જમા થઇ જશે.' બાદમાં તેના પર વિશ્વાસ કરી પોતે પોતાના જરૂરી દસ્‍તાવેજો આપ્‍યા હતા અને નવી એપ્‍લીકેશન પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી લોન કરાવી હતી. એક લાખ વીસ હજારની લોનમાંથી રૂા. ૭૩૬૦૦ જેમાં પ્રોસેસિંગ ફીના ૩૮૦૦ સહિત મહાવીરસિંહ સોલંકી ભરતભાઇના ફોનમાંથી પોતાના બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવી લીધા હતા. આ લોનના હપ્‍તા પેટે દર મહિને ભરતભાઇએ ૭૬૦૮ ચૂકવતા હતા. બાકીની રકમ એપ્‍લિકેશનમાં જમા થઇ જશે તેવી વાત કરી હતી પરંતુ આ રકમ જમા થઇ ન હોઇ જેથી ભરતભાઇએ કહ્યું હતું કે, તાકીદે રકમ જમા કરાવી નાખો મારે વધુ હપ્‍તા ભરવા પડે છે.

 બાદમાં આરોપી ગત તારીખ ૨૯/૯/૨૦૨૧ ના ફરિયાદીની દુકાને આવ્‍યો હતો અને બાકીની રકમ નાવી એપ્‍લિકેશનમાં જમા કરાવી છે તેવું કહ્યું હતું તમારા ફોનમાં જોઈ આપું તેમ કહી તેને ફોન માંગ્‍યો હતો આ દિવસે બુધવાર હોવાથી ફરિયાદી ગ્રાહકોમાં વ્‍યસ્‍ત હતા દરમિયાન આરોપીએ મોબાઈલમાંથી બીજી અલગ અલગ ત્રણ કંપનીમાંથી લોન લઈ લીધી હતી બાદમાં તે ચાલ્‍યો ગયો હતો ફરિયાદીએ પોતાનો મોબાઈલ જોતા અને તેની ડિટેલ ચકાસતા આરોપીએ અન્‍ય ત્રણ લોન લીધી હોવાનું માલુમ પડયું હતું તેથી તેણે મહાવીરસિંહ સોલંકીને ફોન કરી જણાવતા તેણે કહ્યું હતું કે, તેના હપ્તા હું કરી આપીશ આમ કહી એક લોનનો હપ્તો ભર્યો હતો અને ત્‍યારબાદ તેણે પોતાનો મોબાઈલ સ્‍વીચ ઓફ કરી દીધો હતો આમ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેની સાથે રૂપિયા ૧,૪૮,૬૦૦ ની છેતરપીંડી કરી કરી હતી. જે અંગે ફરિયાદીએ લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૪૨૦,૪૦૬ મુજબ ગુનો નોંધી આરોપી મહાવીરસિંહ સોલંકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(2:34 pm IST)