Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

રાજકોટમાં પટેલ સેવા સમાજ દ્વારા નિબંધ-વકતૃત્‍વ સ્‍પર્ધા યોજાઇ : ૩૩૭ છાત્રોએ ભાગ લીધો

તમામ સ્‍પર્ધકને ઇનામ અપાયા : સર્વ જ્ઞાતિના છાત્રો માટેની સ્‍પર્ધાનું નવતર આયોજનઃ દરેક કેટેગરીમાં પ્રથમ પાંચ સ્‍પર્ધકને હજારોના ઇનામઃ દરેક સ્‍પર્ધકને પણ રોકડ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયાઃ સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ-કારોબારી સદસ્‍યોની વિશાળ હાજરીઃ સ્‍પર્ધકોના વાલીઓ પણ સમારોહમાં ઉપસ્‍થિત રહ્યા

રાજકોટ તા. રર : શૈક્ષણીક ક્ષેત્રે અનેકવિધ પ્રવૃતિઓ માટે નામાંકિત શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ દ્વારા રાજકોટની શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ તથા વકતૃત્‍વ સ્‍પર્ધા યોજાઇ હતી. આ સ્‍પર્ધાના વિજેતાઓને પુરસ્‍કૃત કરવા યોજાયેલા શાનદાર સમારોહમાં પ્રથમ પાંચ ક્રમાંક પર વિજેતા સ્‍પર્ધકોને હજારોના ઇનામો અપાયા હતાં. આ સ્‍પર્ધાની વિશેષ મહત્‍વની વાત એ હતી કે, જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સર્વ જ્ઞાતિના છાત્રો માટે યોજાયેલી આ સ્‍પર્ધામાં ક્રમાંક નહિ મેળવનારા સ્‍પર્ધકોને પણ રોકડ પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહિત કરાયા હતાં. સંસ્‍થાના શૈક્ષણીક ઓડીટોરીયમમાં યોજાયેલી સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામો આપવા તા. ૧૯મી ફેબ્રુઆરીએ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ખાતે વિશેષ સમારોહ આયોજીત કરાયો હતો.

સ્‍પર્ધાના વિષયોની પસંદગી પણ છાત્રોની વિચાર પ્રક્રિયાને ઉર્જા પ્રદાન કરે તે રીતે કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ તથા વકતૃત્‍વના અલગ અલગ વિષયો રખાયા હતાં. તે જ રીતે કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ તેમના શૈક્ષણીક સ્‍તરને ધ્‍યાને લઇને નિબંધ તથા વકતૃત્‍વ માટે અલગ અલગ વિષયો રખાયા હતાં.

ચાર કેટેગરીમાં યોજાયેલી આ સ્‍પર્ધામાં નિર્ણાયક તરીકે જયેશભાઇ જાની, સંજયભાઇ બોરસાણીયા, ડો. નિલેષ બામણીયા, જયેશભાઇ ટીલવા, કાલરીયા મીતલબેન નિશાંતભાઇ, ભાલોડીયા હસમુખભાઇ, પંડયા, પુનમબેન, કણઝારીયા વિજયભાઇ, ડો. ધર્મેશ પરમાર,  ડો. યશવંતભાઇ ગોસ્‍વામી, ડો. અમરીશભાઇ ત્રિવેદી, ડો. સંજયભાઇ કામદારે સેવાઓ આપી હતી. આ નિર્ણાયકોનું પણ સમારોહમાં વિશેષ સન્‍માન કરાયું હતું.

કુળદેવી માં ઉમિયાના ચરણોમાં દીપ પ્રાગટય અને સમુહ આરતી બાદ શ્રી પટેલ સેવા સમાજની યુવા સંગઠન ટીમના કન્‍વીનર શ્રી વિજયભાઇ ગોધાણીએ તેના પ્રાસંગિક પ્રવચનમાં સમગ્ર  સ્‍પર્ધાના આયોજનની વિસ્‍તૃત માહિતી આપી હતી, તેમજ ઉપસ્‍થિત મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતું.

સંસ્‍થાના ટ્રસ્‍ટી મગનભાઇ ધીંગાણીએ તમામ સ્‍પર્ધકોને બિરદાવ્‍યા હતા તથા સંસ્‍થા દ્વારા થતી શૈક્ષણીક પ્રવૃતિની પણ ભરપૂર સરાહના કરી હતી.

સવાણી કીડની હોસ્‍પીટલના મેનેજીંગ ટ્રસ્‍ટી અને શ્રી પટેલ સેવા સમાજના વરિષ્‍ઠ અગ્રણી શ્રી જયંતીભાઇ ફળદુએ જણાવ્‍યું હતું કે આવી સ્‍પર્ધાઓ દેશના ભાવી નાગરીકોનું વૈચારિક ઘડતર કરવામાં મદદરૂપ થતી હોય છે. આ સુક્ષ્મ પ્રક્રિયા છે પણ આવશ્‍યક પણ એટલી જ છે. આવી પરિપકવ વૈચારિક સમૃધ્‍ધિથી યુવાન ઘડાય ત્‍યારે જ દેશને નરેન્‍દ્રભાઇ મોદી જેવું નેતૃત્‍વ મળે છે.

સંસ્‍થાના યુવા સંગઠન ટીમના ચેરમેન મનીષભાઇ ચાંગેલાએ સંસ્‍થા દ્વારા શૈક્ષણીક ક્ષેત્રે થતી પ્રવૃતિનો ચિતાર આપી સૌ સ્‍પર્ધકોની સરાહના કરી હતી.

સંસ્‍થાના કારોબારી સદસ્‍ય રમેશભાઇ ઘોડાસરાએ કહયું હતું કે વિવિધ સામાજિક સંગઠનોમાં પાટીદાર સમાજના વિભિન્ન સંગઠનો પાસેથી સમાજને વધુ અપેક્ષા અને કશું નવતર અને ફળદાયી આયોજનની આકાંક્ષા હોય છે. સમાજની આ આકાંક્ષા પૂરી કરવા શ્રી પટેલ સેવા સમાજે હરહમેંશ પ્રયાસ કર્યો છે.

સંજોગોવશાત સમારોહમાં ઉપસ્‍થિત નહી રહી શકનારા સંસ્‍થાના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્‍ડ માર્શલ) એ શુભેચ્‍છા સંદેશમાં સફળ અને ઉત્‍કૃષ્‍ઠ આયોજન માટે યુવા સંગઠન ટીમના તમામ કાર્યકરોને અભિનંદન આપ્‍યા હતાં. તેમણે તમામ વિજેતાઓને અને સ્‍પર્ધકોને ઉજજવળ ભાવિની શુભેચ્‍છા પાઠવી હતી. તમામ નિર્ણાયકો વતી વિજયભાઇ કણજારીયાએ જણાવ્‍યું હતું કે તમામ સ્‍પર્ધકોએ એટલી સરસ તૈયારી કરી હતી કે નિર્ણય કરવો મુશ્‍કેલ હતો. તેમણે તમામ સ્‍પર્ધકોને બિરદાવ્‍યા હતાં.

આ વિશેષ સમારોહમાં સંસ્‍થાના ટ્રસ્‍ટી તેમજ ઉપપ્રમુખ નરોતમભાઇ કણસાગરા વિઠલભાઇ ઝાલાવડીયા, મગનભાઇ ધીગાણી, પ્રભુદાસભાઇ કણસાગરા, નાથાભાઇ કાલરીયા, મનસુખભાઇ જાગાણી, જમનભાઇ ભલાણી ઉપસ્‍થિત રહયા હતા. સંસ્‍થાના માનદમંત્રી કિશોરભાઇ ઘોડાસરા, સહમાનદમંત્રી મનીષભાઇ ચાંગેલા, ખજાનચી, કાંતિભાઇ મકાતી, તેમજ પટેલ પ્રગતિ મંડળના મંત્રી સંજયભાઇ કનેરીયા, ખજાનચી જગદીશભાઇ પરસાણીયા, વિશેષ ઉપસ્‍થિત રહયા હતા. ઉપરાંત સમાજના આગેવાનો સર્વે રમણીકભાઇ ઝાલાવડીયા, જમનભાઇ વાછાણી, મગનભાઇ વાછાણી, તથા ભરતભાઇ ડઢાણીયાએ પણ ઉપસ્‍થિત રહી પ્રોત્‍સાહન આપ્‍યુ હતુ.

સંસ્‍થાની મહિલા સંગઠન ટીમના અગ્રેસરો વિજયાબેન વાછાણી, શ્રીમતી હેતલબેન કાલરીયા,  અંજુબેન કણસાગરાએ પણ પ્રેરક હાજરી આપી હતી. સંસ્‍થાના યુવા ટીમના પ્રમુખ ડેનિશભાઇ કાલરીયાના નેતૃત્‍વમાં વિજયભાઇ ગોધાણી, વિનુભાઇ ઇસોટીયા, શ્રી હરૂભાઇ રતનપરા, પ્રો. વિનુભાઇ ઇસોટીયા તથા યુવા સંગઠનની આખી ટીમે ભરપુર જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

ઇનામ વિતરણનું સંચાલન કેવીનભાઇ અઘેરાએ કર્યુ હતુ. સંચાલન ચેતનભાઇ ચનીયારાએ આગવી છટામાં કર્યુ હતુ. આભારવિધિ પ્રફુલભાઇ સાપરીયાએ કરેલ હતી.

(3:05 pm IST)