Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

''પાણી બચાવો પાણી તમને બચાવશે''

 આજે વિશ્વ જળ દિવસ છે. જળ એજ જીવન છે. જો આપણે જળનો યોગ્ય અને સમજીને ઉપયોગ નહીં કરીએ તો પાછળથી પસ્તાવા સિવાય કાંઈ જ હાથમાં નહીં આવે.

ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે. એવા સમાચારો આપણે વારંવાર વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતા નથી. આ વાત જ્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા કહેવાઈ ત્યારે એ વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે.  સમગ્ર વિશ્વમાં ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઈ.સ.૧૯૯૩ના વર્ષની સંયુકત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કરેલો છે.

યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તીવ્ર અછતથી પીડાઈ રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિને વકરતી અટકાવવા માટે પાણીનો બચાવ કરવામાં નહીં આવે તો વિશ્વ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે તેમ છે. વિશ્વની પાણીની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરીને સંયુકત રાષ્ટ્ર સંઘે અહેવાલમાં નોંધ કરી છે કે, વિશ્વમાં દિવસે ને દિવસે ખોરાકની માંગ અને જળની અછત આવી રીતે જ વધતી જશે તો આવનારા વર્ષોમાં વિશ્વના અમુક દેશો ખોરાક અને પાણી માટે રીતસરના વલખાં મારતા હશે. કહેવાય છે કે ''જળ એ જ જીવન છે''. ત્યારે વાસ્તવિકતા એ છે કે વિશ્વમાં આશરે ૧૨૦ કરોડ લોકોને રોજ પીવાલાયક પાણી મળતું નથી. તો કેટલાક વિસ્તારમાં પાણી મોટાપાયે વેડફાતું હોય છે. એટલા જ માટે પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો સંદેશ આપવા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે.

પાણી પણ લોહી જેવું કુદરતી પ્રવાહી છે. જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. પૃથ્વી પરના સમુદ્રો તથા મહા સાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧ % જેટલો જળ જથ્થો વાતાવરણમાં ભેજ અને સપાટી પરના જળ સ્વરૂપે છે. માનવ અને સજીવ સૃષ્ટિ માટે પીવાલાયક પાણી માત્ર ૨% જેટલું જ છે.

પાંચ મિનિટના શાવર સ્નાાનમાં સરેરાશ ૯૫ લીટર પાણી બગાડે છે. પાણીનાં બેડાં માથે લઈને પાણી શોધવા નીકળતી મહિલાઓના જીવનનો ૨૫ ટકા હિસ્સો પાણીમાં જાય છે.  નળમાંથી એક સેકન્ડમાં એક ટીપું પાણી ટપકતું હોય તો એક અઠવાડિયામાં ૫૦૦ લીટર પાણીનો બગાડ થાય છે.

(4:23 pm IST)