Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જેકે ચોકમાં ફલેટમાંથી નીકળવાનું કહેતાં રાજ વાઢેરને પાંચ યુવાનોએ ફટકાર્યો

પરિક્ષા હોઇ થોડા દિવસ માટે ભાડાના ફલેટમાં શુભમ્ને રહેવા દીધો હતોઃ હવે જતો ન હોઇ માથાકુટઃ યુનિવર્સિટી પોલીસે ત્રણ શખ્સની અટકાયત કરી

રાજકોટ તા. ૨૨: યુનિવર્સિટી રોડ પર જેકે ચોકમાં આવેલા ભોમેશ્વર એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતાં રાજ જગતસિંહ વાઢેર (ઉ.વ.૨૭)ને પાંચ શખ્સોએ રાતે અગિયારેક વાગ્યે ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ત્રણને સકંજામાં લીધા છે.રાજ રાતે હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોતાને માર મારવામાં આવ્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ રાજુભાઇ ગીડાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. અજયસિંહ ચુડાસમાએ તેની ફરિયાદ નોંધી હતી. રાજના કહેવા મુજબ પોતે જે ફલેટમાં ભાડેથી રહે છે તે ફલેટના કર્તાહર્તા કિશોરસિંહ છે. શુભમ્ને પરિક્ષા હોઇ તેણે કિશોરસિંહનો કોન્ટેકટ કરી ફલેટમાં થોડા દિવસ રહેવા દેવાનું કહેતાં તેને ભાડુ લીધા વગર રાજએ રહેવા દીધો હતો. ફરિયાદી રાજ લેખન કાર્ય કરે છે.

હવે પરિક્ષા પુરી થઇ ગઇ હોવા છતાં તે જતો ન હોઇ તેને ફલેટમાંથી નીકળવાનું કહેતાં તેણે માથાકુટ કરી હતી અને પોતાના ચાર મિત્રોને બોલાવી મારામારી કરી લીધી હતી. પોલીસે શુભમ્ ઇશ્વરભાઇ પુરોહિત (ઉ.૧૯-ભોમેશ્વર એપાર્ટમેન્ટ જે. કે. ચોક), ભવ્ય બિપીનભાઇ દવે (ઉ.૨૦-રહે. દ્વારકેશ પાર્ક-૩ રૈયા રોડ) અને શાહિદ ફિરોઝભાઇ શેખ (ઉ.૨૦-રહે. રૈયા રોડ નહેરૃનગર રઝાનગર)ની ધરપકડ કરી છે.

(4:31 pm IST)