Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા ફલડ કંટ્રોલ સેલનો ધમધમાટ : ૧લી જૂનથી થશે શરૂ

ડે. ઈજનેર - મદદનીશ ઈજનેર - વાયરલેસ સેટ ઓપરેટર સહિતનું સ્ટાફ સેટ-અપ : ૨૪ કલાક કંટ્રોલરૂમ ચાલુ રહેશે : ડેમ લેવલ - ફલડ કન્ટ્રોલ - ચેતવણી અને ડેમનો દર બે કલાકનો વરસાદ નોંધવા સહિતની કામગીરી : હાલમાં ડેમો પ્રિ-મોન્સુન ચેકીંગ : ગાંધીનગરથી ખાસ અધિકારીઓની ટુકડી દ્વારા ડેમ સાઈટની મુલાકાત

રાજકોટ, તા. ૨૧ : ચોમાસુ હવે ઢુકડુ છે ત્યારે રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ગામડાઓ તથા શહેરને પાણી પૂરૂ પાડતા તેમજ સિંચાઈના ડેમો માટેનો ફલડ કન્ટ્રોલ સેલ શરૂ કરી દીધો છે અને આગામી ૧ જૂનથી આ ફલડ કંટ્રોલ સેલ શરૂ કરી દેવા તૈયારીઓ આરંભી દીધી છે.

આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ દર વર્ષે ચોમાસાના પ્રારંભથી લઈ અને ચોમાસાના વિદાય થાય ત્યાં સુધી અંદાજે ૪ થી ૫ મહિના સુધી સિંંચાઈ વિભાગ દ્વારા તેના કાર્યક્ષેત્રમાં આવતા ડેમો માટે ફલડ કન્ટ્રોલ સેલ કાર્યરત રાખવામાં આવે છે.

ડેમ સાઈટ પર પ્રિ-મોન્સુન ચેકીંગ

ચોમાસા અગાઉ ડેમ સાઈટમાં પ્રિ-મોન્સુન ચેકીંગ કરવામાં આવે છે. જેનો પ્રારંભ કરી દેવાયો છે જે અંતર્ગત ડેમસાઈટના દરવાજા, વાળા સહિતની ક્ષતિ હોય તો મેનુ રીપેરીંગ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે ગાંધીનગરથી અધિકારીઓની ટુકડી આવીને પણ ડેમ સાઈટનું નિરીક્ષણ કરી રહી છે.

૧ જૂનથી ફલડ સેલનો પ્રારંભ

હવે ચોમાસાનો પ્રારંભ થવામાં છે ત્યારે ૧ જૂનથી રાજકોટ સિંચાઇ વિભાગ દ્વારા ફલડ કંટ્રોલ સેલ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે.

આ માટે ૧ ડેપ્યુટી ઈજનેર, ૧ મદદનીશ ઈજનેર, ૨ વાયરલેસ ઓપરેટર સહિતનું સ્ટાફ સેટ અપ ગોઠવવામાં આવ્યુ છે.

આ ફલડ કન્ટ્રોલ સેલ ૨૪ કલાક કાર્યરત રહેશે. જે દરરોજ ડેમ લેવલ, નવા પાણીની આવક, ઓવરફલો કન્ટ્રોલ માટે દરવાજા ખોલવા, ડેમના નિચાણવાસમાં આવતા ગામોમાં તથા નદી કાંઠામાં ચેતવણી  અને દરેક ડેમ ઉપર પડતો દર બે કલાકનો વરસાદ નોંધવા સહિતની કામગીરી થશે.

આમ ૧લી જૂનથી રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના ડેમો માટે ફલડ કન્ટ્રોલ સેલ શરૂ થઈ જશે.

હાલમાં કયાં ડેમમાં કેટલા ટકા પાણી છે તેની વિગત

ડેમનું નામ      પાણીના ભરાવાની  ટકાવારી

આજી-૧      ૫૧.૩૯%

ન્યારી-૧     ૪૪.૨૩%

લાલપરી     ૬૧.૦૮%

ન્યારી-૨     ૪૭.૮૪%

આજી-૩      ૪૨.૦૨%

ભાદર-૧     ૩૬.૪૨%

મચ્છુ-૧      ૧૮.૧૦

મચ્છુ-૨      ૫૦.૯૨%

(12:52 pm IST)