Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

મેરીટ બેઇઝ પ્રોગ્રેશન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧ લાખથી વધુ પરીક્ષાર્થીઓને મળશે લાભ

બાકી રહેલી પરીક્ષાની સ્થિતિની સમીક્ષા બાદ લેવાશે : કુલપતિ

રાજકોટ તા. ૨૨ : કોરોના મહામારીમાં બીજી લહેરે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે અસર કરી છે. કોરોના કાળમાં શાળા - કોલેજો મહદ અંશે બંધ રહ્યા છે ત્યારે શાળા કક્ષાએ માસ પ્રમોશન આપ્યા બાદ શિક્ષણ વિભાગે હવે સ્નાતક કક્ષાએ ઇન્ટરમીડીયેટ વિદ્યાર્થીઓને મેરીટના આધારે માસ પ્રોગ્રેશન આપવાનો નિર્ણય કર્યો છે.

સ્નાતક કક્ષાએ મેરીટ બેઇઝ પ્રોગ્રેશન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧ લાખથી વધુ તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૯ લાખ ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે. ગઇકાલે ગુજરાત રાજ્યની કોર કમિટિમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની સરકારી, ખાનગી યુનિવર્સિટી, કોલેજોમાં મેડીકલ અને પેરામેડીકલ સિવાયના સ્નાતક કક્ષાના ચાલતા અભ્યાસક્રમના બીજા - ચોથા સેમેસ્ટરના છાત્રોને મેરીટ બેઇઝ પ્રોગ્રેશન અપાશે.

શિક્ષણ વિભાગે જરૂરી ઉલ્લેખ કર્યા છે કે ૨ - ૪ અને ૬ સેમેસ્ટર ઇન્ટરમીડીયેટ એટલે કે અભ્યાસક્રમના વચ્ચેના સેમેસ્ટર હોય તેવા સેમેસ્ટરમાં જ પ્રોગ્રેશન અપાશે. એટલે કે સેમેસ્ટર ૬ અભ્યાસક્રમનું અંતિમ સેમેસ્ટર હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોગ્રેશન નહી પણ પરીક્ષા આપવી પડશે. જેમાં માર્કસની ગણતરી માટે ૫૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના ૫૦ ટકા ગુણ તરક અગાઉના સેમેસ્ટરના આધારે આપવાના રહેશે.

કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણીએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ની સ્થિતિમાં માત્ર સ્નાતક કક્ષાએ જ એમબીપીનો નિર્ણય થયો છે. ડીગ્રી મળવાની અંતિમ સેમેસ્ટરની પરીક્ષા યોગ્ય સમયે લેવાશે.

(3:26 pm IST)