Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

કર્ફયુમાં ઇન્જેકશન લેવા પગપાળા નીકળેલા યુવાનને એસીપી એસ. આર. ટંડેલે ગાડીની વ્યવસ્થા કરી આપી

સ્ટાફ સાથે મોકલ્યોઃ ગદ્દગદ્દિત થયેલા રવિભાઇ લાખાણીએ વર્ણવી 'પોલીસ પ્રજાનો મિત્ર'ની દાસ્તાન

રાજકોટ તા. ૨૨:  'પોલીસ પ્રજાનો મિત્ર' એ સુત્રનો અનુભવ રાજકોટ પોલીસ અવાર નવાર લોકોને કરાવતી રહે છે. પોરબંદરના નાગરિક રવિભાઇ ડી. લાખાણીને કઇ રીતે શહેરના એસીપી એસ. આર. ટંડેલ કઇ રીતે મદદરૂપ થયા તેની વાત તેના જ શબ્દોમાં જોઇએ...તા.૨૧ મેના રોજ થયેલો યાદગાર અનુભવ ચોક્કસ શેર કરવો ગમશે. સાથોસાથ દરેકને કોરોના વોરિયર્સ પર પણ વિશ્વાસ વધશે.આ યાદગાર અનુભવ સાથે વિનંતી કે દરેક લોકો નીતિ નિયમોનું ચોક્કસ પાલન કરે. આ લોકો આપણા માટે જ કામ કરે છે. આપણે તેઓને શકય તેટલો સપોર્ટ આપવો પડશે.આ કપરી સ્થિતિમાં પણ રાજકોટ પોલીસ અને ગુજરાત પોલીસ જે કુનેહ, પ્રમાણિકતા અને ધૈર્યપૂર્વક કામગીરી કરે છે તો તેની કદર થવી પણ આવશ્યક છે.

મેં મારા પિતાશ્રીને લઈને ૨૧ મેના રોજ  રાજકોટ ઓર્થો પ્લસ હોસ્પિટલ ખાતે તેમની જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે એડમિટ કર્યા છે.

 બીજા દિવસે ૨૨ મેના રોજ સવારે ઓપરેશન હોય તે સંદર્ભમાં મને જણાવાયું કે જરૂરી ઇન્જેકશન મંગાવવા પડશે. ત્યારે લગભગ રાત્રીના ૯ આસપાસનો સમય હતો. તેમજ કરફ્યુ સમય પણ હતો. તેથી હું નજીકના મેડિકલ સ્ટોર પર ગયો પરંતુ ત્યાં ઇન્જેકશન મળે તેમ ન હોવાથી થોડે દૂર ઇન્દિરા સર્કલ નજીક આવેલા મેડિકલ સ્ટોર પર ચાલીને પહોંચ્યો તો ત્યાં પણ ઇન્જેકશન ન મળ્યા. ઇન્જેકશન જરૂરી હોય પૂછતાછ કરતા જાણવા મળ્યું કે એસ્ટ્રાન ચોક વિસ્તારમાં આવેલા વિકાસ મેડિકલ સ્ટોર પર મળી જશે.

 જે ઇન્દિરા સર્કલથી ચાલીને ખૂબ દૂર થાય. પણ જરૂરી છે તે કરવું જ પડશે એમ સમજીને ભગવાનનું નામ લઈને ચાલતી પકડી. થોડે નજીક પહોંચ્યો તો ત્યાં મે અમુક પોલીસ ઓફિસરોને ડયુટી પર જોયા.તેમાં ACP(North) શ્રી એસ. આર. ટંડેલ પણ હાજર હતા. હું ત્યાં ગયો. બધી કન્ડીશન અને વાત સમજાવી, તો તુરંત તેમણે આદેશ કર્યો કે આ સાહેબને આપણી ગાડીમાં લઇ જાઓ અને જ્યાંથી મળે ત્યાંથી વ્યવસ્થા કરી આપો. આ સાંભળીને સાહેબના માયાળુ સ્વભાવનો પણ પરિચય થયો.આદેશ મળતા મારી સાથે HC કમાન્ડો ઓફ એસીપી મેહુલ ભટ્ટી તેમજ ડ્રાઇવર ઓફ એસીપી  રમેશભાઈ કટેશિયાં આવવા તૈયાર થયા.

પોલીસ ગાડીમાં પોલીસ સાથે બેસવાનો આ મારો પ્રથમ અનુભવ હોય એટલે મનોમન હસવું પણ આવતું હતું. અમે મેડિકલ પહોંચ્યા. ત્યાં જઈને પ્રિસ્ક્રીપ્શન આપ્યું. ત્યાં પણ ઇન્જેકશન હતા તો નહિ પણ પોલીસ સાથે હોઇ એજન્સી ખોલાવીને મને મંગાવી આપ્યા. સાથે સાથે ફરીથી ચાલીને ન જવું પડે તે માટે મેહુલભાઇએ મને હોસ્પિટલ સુધી પહોંચાડી આપવાની વ્યવસ્થા પણ બીજી ગાડીમાં કરી આપી. પહોંચી ગયા બાદ હોસ્પિટલનો કોન્ટેકટ કરીને મારી સાથે આરામથી પહોચી ગયા કે નહિ? તેની પણ ખાતરી કરી. આમ આ રીતે આ પ્રકારની કપરી સ્થિતિમાં પણ આ પ્રકારની કામગીરી કદરને પાત્ર છે. રાજકોટ પોલીસ અને ગુજરાત પોલીસ લોકો માટે કામ કરે જ  છે તો આપણે પણ આપણી ફરજ ન ચુકીએ તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

તેમ અંતમાં રવિભાઇ ડી. લાખાણીએ જણાવ્યું છે.

(4:16 pm IST)