Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

રાજકોટ કલેકટર તંત્ર દ્વારા કુંડલિયા કોલેજ ખાતે શહેર-જીલ્લાના

મ્યુકરમાઈકોસીસના દર્દીઓને ઈન્જેકશનો સરળતાથી મળે તે માટે હેલ્પલાઈનનો પ્રારંભ

રાજકોટ, તા. ૨૨ :. હાલમાં વકરી રહેલ મ્યુકરમાઈકોસીસ રોગના દર્દીઓને ઈન્જેકશનો સરળતાથી મળી રહે તે માટે કલેકટરશ્રીએ રાજકોટ કલેકટર દ્વારા ખાસ કંટ્રોલરૂમ અને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

આ અંગે કલેકટરશ્રીની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે કે શહેર/જિલ્લાની જાહેર જનતાજોગ જણાવવામાં આવે છે કે, હાલની મ્યુકરમાઈકોસીસ મહામારીની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઈકોસીસના દર્દીઓ માટેના ઈન્જેકશન મેળવવાની કાર્યવાહી દર્દીઓને સારવાર આપનાર જે તે ખાનગી હોસ્પિટલ દ્વારા ઈન્ડેન્ટ ફોર્મ તથા જરૂરીયાત મુજબના આધાર-પુરાવાઓ એમ.જે. કુંડલીયા કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ પાસે, રાજકોટ ખાતે રજુ કરવાના રહેશે. જેની ચકાસણી તબીબી તજજ્ઞોની બનાવેલ સમિતિ દ્વારા કરવામાં આવશે. જે ચકાસણી બાદ સમિતિ જે તે સારવાર આપનાર ખાનગી હોસ્પીટલને ઈન્જેકશન ફાળવવાની મંજુરી આપશે. ત્યાર બાદ જે તે હોસ્પિટલોને ઈન્જેકશનની ફાળવણી કરવામાં આવશે.

ઉપરોકત કાર્યપદ્ધતિ બાબતે કોઈને પણ જાણકારી મેળવવી હોય તો તે માટે હેલ્પલાઈનનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

આ હેલ્પલાઈનમાં સરકારશ્રી તરફથી મ્યુકરમાઈકોસીસ દર્દી માટેના ઈન્જેકશન મળવા બાબતે ઘડાયેલ નીતિનું સંપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમ કલેકટરશ્રીએ યાદીમાં જણાવાયુ છે.

  • રાજકોટની મ્યુકરમાઈકોસિસની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો દ્વારા એમ્ફોટેરીસિન-બી ઈન્જેકશન મેળવવા માટેની પ્રક્રિયા

- ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઈકોસિસના દર્દીઓને ઈન્જેકશન મેળવવાની કાર્યવાહી સારવાર આપનાર હોસ્પિટલ દ્વારા કરવાની રહે છે.

- સદરહું ઈન્જેકશનો મેળવવા માટે ખાનગી હોસ્પિટલોને ઈન્ડેન્ટ ફોર્મ તથા જરૂરીયાત મુજબના આધાર પુરાવા સાથેની ફાઈલ એમ.જે. કુંડલીયા કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ પાસે, રાજકોટ ખાતે રજૂ કરવાની રહેશે.

- જેની ચકાસણી તબીબી તજજ્ઞોની બનાવેલી સમિતિ દ્વારા કરવામાં આવશે. તજજ્ઞ સમિતિની ચકાસણી બાદ કુંડલીયા કોલેજ ખાતેથી ખાનગી હોસ્પીટલોને જ ઈન્જેકશનની ફાળવણી કરવામાં આવશે.

- ઉપરોકત સંપૂર્ણ પ્રક્રિયા હોસ્પિટલોએ જ કરવાની રહેશે અને આ માટે તેમણે દર્દીના સગાઓને મોકલવાના રહેશે નહીં.

રાજકોટ કોવીડ બેડ તથા એમ્ફોટેરીસિન-બી માર્ગદર્શન હેલ્પલાઈન... ૯૪૯૯૮ ૦૪૦૩૮, ૯૪૯૯૮ ૦૬૪૮૬, ૯૪૯૯૮ ૦૧૩૩૮, ૯૪૯૯૮ ૦૬૮૨૮, ૯૪૯૯૮ ૦૧૩૯૩

(4:17 pm IST)