Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

વિજપૂરવઠો શરૂ કરવા અપૂરતી વ્યવસ્થા-સાધનો વગર ગામડાઓમાં મોકલી દેવાતાં વિજ કર્મીઓમાં કચવાટ

રહેવા-જમવાની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા સાધનો સહીતની ફરીયાદો નિવારવા ઉર્જા સંકલન સમિતિએ પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.ને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. રર :.. તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં વિજ કંપનીનાં થાંભલા, ટ્રાન્સફોર્મરો, લાઇનોને ભારે નુકશાન પહોંચાડતાં સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં ગામોમાં વિજ પુરવઠો ખોરવી નાંખ્યો છે.  ત્યારે વિજ કંપનીનાં કર્મચારીઓ દિવસ - રાત એક કરી વિજ પુરવઠો શરૂ કરવા સમાર કામ કરી રહ્યા છે ત્યારે આ કર્મચારીઓને અપૂરતી વ્યવસ્થા સાથે મોકલી દેવાતાં ગુજરાત ઉર્જા સંકલન સમિતિએ પીજીવીસીએલ.નાં એમ. ડી. ને પત્ર પાઠવી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે.

જેમાં જણાવાયું છે કે ૬૦૦ જેટલા એપ્રેન્ટીશને કોઇ માલ સમાન કે સાધનો વગર અને કોઇની પણ જમવા કે પાણી શુધ્ધાની વ્યવસ્થા વગર ગામડાઓમાં મોકલી દેવાયા છે.

કાયદેસર રીતે અપ્રેતીસ છે એ તાલીમાર્થી છે. એપ્રીન્ટીસ એકટ મુજબ એમની પાસે કામ લઇ શકાતું નથી આ લોકો પાસેથી કામ લેવામાં અકસ્માત થશે તો કોની જવાબદારી એ લોકોને માત્ર સ્ટાઇપેન્ડ મળે છે મુસાફરી ભથું પણ મળવા પાત્ર નથી.

આ કામગીરી દરમ્યાન ઇજાગ્રસ્ત થાય કે બીમાર પડે તો મેડિકલ બીલ પણ કાયદેસર મળવા પાત્ર નથી ત્યારે આ રીતે વિચાર્યા વગર ભેગા કરી માનવીય અભિગમ પણ ભૂલી ભૂખ્યા તરસ્યા અને લાઇટ પાણી વગર રોડ પર રાતવાસો કરી રહેલાઓ માટે જવાબદાર કોણ ! આ લોકો પાસે વધારે પૈસા પણ નથી અને મોબાઇલની બેટરી પુરી થવામાં છે. હાલમાં બધા ભગવાન ભરોસે છે.

ત્યારે સંકલન સમિતિને આવી વિવિધ ફરીયાદો મળી છે. જેનાં અનુસંધાને રજૂઆત છે.

જેમાં વધુ પડતા નુકશાનને કારણે઼ ઘણા ખરા ગામોમાં વીજળી ચાલુ ન થવાથી સદરહ કામગીરીમાં જોડાયેલ તમા વિજકર્મી/ અધિકારીશ્રીઓ ઉપર પ્રજાના હુમલાઓ થવાનો ભય અને સંભાવના રહેલ હોઇ સ્થાનિક રાજકીય આગેવાનો સાથેનો સહયોગ લઇને પુરતું રક્ષક સ્ટાફને કામગીરી દરમ્યાન આપવા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવી.

કામગીરી દરમ્યાન કોઇ કારણોસર વીજ અકસ્માત થાય અથવા અન્ય કોઇ અનિચ્છનિય ઘટના ઘટે તો સદરહું કામગીરી સાથે સંકળાયેલ અને એપ્રે. લાઇનમેન સાથે રહેલ સુપરવાઇઝર (જુનિયર ઇજનેર, નાયબ ઇજનેર તથા લાઇન ઇન્સ્પેકટર કે લાઇનમેન) ની કોઇ જ જવાબદારી ન ગણવી. હાલની કોરોના વાઇરસના સંક્રમણની મહામારીની અસરો તથા બદલાયેલા વાતાવરણની અસરો તથા પોતાના ઘરથી દૂર અન્ય અજાણ સ્થળે ખાવા-પીવાના લીધે અને કામગીરીના થાક કે પરિવારથી દૂર તેમની માનસિક ચિંતાઓમાં કર્મચારીઓ/ અધિકારીશ્રીઓને બીમારીની અસર જણાય તો તેવા તમામ કર્મચારી/ અધિકારીશ્રીને તાત્કાલિક મેડિકલ સારવાર તથા તેને સંલગ્ન સુવિધાઓ મળી રહે તેની સત્વરે વ્યવસ્થાઓ કરવી અને કોરોના વાયરસની સરકારશ્રી દ્વારા પ્રસિધ્ધ કરેલ તમામ એસ.ઓ.પી.નું પાલન થાય  તે મુજબ કામગીરી કરવા/કરાવવા સુચના અપાવી.

તમામ કેડરના ટેકનીકલ સ્ટાફ અને એન્જીનીયરગણ તેમજ એપ્રે. લાઇનમેન જેઓ દિવસ દરમ્યાન કામગીરી કરી થકાવટથી રાત્રે આરામ કરવા-સુવા માટે તથા જમવા રહેવા તેમજ સવાર-સાંજ ચા - નાસ્તાની વ્યવસ્થિત સગવડ મળી રહે તે અંગે તાત્કાલીક વ્યવસ્થાઓ કરવી.

આમ ઉકત રજૂઆતો બાબતે ગંભીરતા પૂર્વક તાકીદે અમલવારી કરાવવા માંગ છે.

(4:20 pm IST)